સિરપ માફિયાના ભાગીદાર મેહુલ ડોડીયાના રાજીનામાના ખેલમાં કોણ છે સામેલ
ખેડા જિલ્લા (Kheda District) માં ઝેરી સિરપના કારણે પ્યાસીઓ મોતને ભેટતા સરકારી વિભાગો જાગ્રત થઈ ગયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Food and Drugs Department Gujarat) નશાબંધી અને આબકારી વિભાગ (Prohibition and Excise Department Gujarat) તેમજ પોલીસ (Gujarat Police) રાજ્યભરમાં સિરપકાંડના આરોપીઓને શોધવા તેમજ કાર્યવાહીમાં લાગી ગઈ છે. ચાર મહિના પૂર્વે દ્વારકા જિલ્લા પોલીસે (Dwarka Police) શરૂ કરેલી નશાયુક્ત સિરપ સામેની ઝુંબેશમાં તાજેતરમાં જ મોટો ધડાકો થયો છે. નશાબંધી વિભાગના પૂર્વ નાયબ નિરીક્ષક મેહુલ ડોડીયા (Mehul Dodiya) ની સંડોવણી સામે આવી છે. મેહુલ ડોડીયાએ આલ્કોહોલ માફિયા (Alcohol Mafia) ઓ સાથે કાયદેસરની ભાગીદારી કરવા માટે નશાબંધી વિભાગમાં સ્વૈચ્છીક રાજીનામું (VRS) ધરી દીધું હતું. દ્વારકા પોલીસના ચોપડે આરોપી બનેલા ડોડીયાના રાજીનામાની નામંજૂરી અને મંજૂરીની આખી રમત નશાબંધી વિભાગના ભ્રષ્ટ અધિકારીએ રમી હોવાની હકિકત સામે આવી છે. આરોપી મેહુલ ડોડીયા ત્રણેક સપ્તાહ અગાઉ દેશ છોડીને કેનેડા (Canada) ચાલ્યો ગયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.દ્વારકા સિરપકાંડ : આલ્કોહોલ માફિયાઓ સાથે નશાબંધી અધિકારીની ભાગીદારી
રાજીનામાની નામંજૂરી અને મંજૂરીનો ઘટનાક્રમ : વર્ષ 2013માં નશાબંધી અને આબકારી વિભાગમાં નાયબ નિરીક્ષક તરીકે મેહુલ ડોડીયાની ભરતી થઈ હતી. અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે નાયબ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ડોડીયા સામે 5 નવેમ્બર 2022ના રોજ મોલાસીસના એક પરવાનેદારે લાંચ માગ્યાની ફરિયાદ કરી હતી. આ મામલે નશાબંધી વિભાગે મેહુલ ડોડીયા સામે પ્રાથમિક તપાસ આરંભી હતી. દરમિયાનમાં નવેમ્બર-2022માં ડોડીયાએ નશાબંધી વિભાગને સ્વૈચ્છીક રાજીનામું ધરી દીધું હતું. ડોડીયા સામે લાંચ માગવાની પ્રાથમિક તપાસ ચાલતી હોવાથી રાજીનામું ના-મંજૂર કરવામાં આવ્યું હતું અને તેની જાણ અમદાવાદ જિલ્લાના નશાબંધી વિભાગના અધિક્ષક (Prohibition Superintendent Ahmedabad) ને પત્ર તેમજ ઈ-મેઈલ કરીને તારીખ 27 ડિસેમ્બર 2022ના રોજ જાણ કરવામાં આવી હતી. અમદાવાદ નશાબંધી અધિક્ષક કચેરીએ રાજીનામા નામંજૂરીનો પત્ર અરજદારને પહોંચતો કર્યો નહીં અને તેનો લાભ મેહુલ ડોડીયાને મળ્યો. 24 જુલાઈ 2023ના રોજ મેહુલ ડોડીયાએ નશાબંધી વિભાગને પત્ર લખી "એક મહિનામાં સ્વૈચ્છીક રાજીનામાની કોઈ જાણ કરી નથી. જેથી હું આ નોકરી છોડી રહ્યો છું અને ઓળખપત્ર સાથે મોકલી રહ્યો છું" તેવી જાણ કરી હતી. નિયમાનુસાર રાજીનામા નામંજૂરીના પત્રની મેહુલ ડોડીયાને બજવણી કરાઈ નહીં હોવાથી આપોઆપ રાજીનામું મંજૂર થઈ ગયું. કોણે કર્યો ખેલ ? : નશાબંધી વિભાગે મેહુલ ડોડીયાના રાજીનામાનો અસ્વીકાર કર્યો હોવાની જાણ અમદાવાદ કચેરીને 27 ડિસેમ્બર 2022ના રોજ કરી દેવાઈ હતી. પત્ર અને ઈ-મેઈલ એમ બંને રીતે અમદાવાદ નશાબંધી અધિક્ષકને જાણ કરાઈ હતી. અમદાવાદ નશાબંધી અધિક્ષક આર. એસ. વસાવા (R S Vasava) તારીખ 26 અને 27 ડિસેમ્બરના રોજ રજા પર ગયા હતા અને તેમનો ચાર્જ નિરીક્ષક બી. સી. યાદવ (B C Yadav) ને સોંપવામાં આવ્યો હતો. 27 ડિસેમ્બરના રોજ ઈ-મેઈલ અને પત્રથી મેહુલ ડોડીયાના રાજીનામાના અસ્વીકારની જાણ કરવામાં આવી હતી. 28 ડિસેમ્બરના રોજ આર. એસ. વસાવા ફરજ પર પરત ફર્યા હતા અને 30 જૂન 2023 નિવૃત્તિ સુધી ફરજ પર રહ્યાં હતા. વિભાગ ખેલ ખેલનારાને શોધી રહ્યો છે : "ગાંધી"ના ગુજરાતમાં નશાબંધી વિભાગ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યો છે. મેહુલ ડોડીયાના રાજીનામાના અસ્વીકાર અને સ્વીકારનો ઘટનાક્રમ જોઈએ તો, બે દિવસની રજા પર ગયેલા અધિક્ષક આર. એસ. વસાવા અને ઈન્ચાર્જ અધિક્ષક બી. સી. યાદવ (નિરીક્ષક) શંકાના દાયરામાં છે. ગાંધીનગર નશાબંધી ભવનમાં બેસતા તત્કાલિન ઈન્ચાર્જ નિયામક એમ. એ. ગાંધી (M A Gandhi IAS) સહિતના અધિકારીઓ વસાવાની રજા અને યાદવ ચાર્જમાં હોવાની પૂરેપૂરી જાણકારી ધરાવતા હતા. અત્રે નોંધનીય છે કે, મેહુલ ડોડીયા આ તમામ અધિકારીઓ સાથે સારો એવો ઘરોબો ધરાવતા હતા. અમદાવાદ નશાબંધી વિભાગના તત્કાલિન અધિક્ષક આર. એસ. વસાવા જૂન મહિનામાં નિવૃત્ત થયા બાદ જ મેહુલ ડોડીયાએ વિભાગને રાજીનામાના સમગ્ર ખેલની જાણ કરી હતી. હાલ નશાબંધી વિભાગના નિયામક (Prohibition Director) એલ. એમ. ડીંડોડ (L M Dindod IAS) સહિતના અધિકારીઓ રાજીનામાના ખેલમાં મેહુલ ડોડીયાને મદદ કરનારને શોધવામાં લાગ્યો છે. આ પણ વાંચો -