Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મન અને જીવનનો તણાવ જીવવાની પળો છીનવી લે છે...

જિંદગી એકવાર મળી છે એને જીવી લો. આ જીવનમંત્ર એક સમયે દરેક વ્યક્તિના મનમાં રહેતો. જિંદગી થોડી સહેલી હતી. આટલો તણાવ પહેલા ક્યારેય જોવા નથી મળ્યો.   મોજથી જીવવું અને જિંદગી માણવી આ વાત ધીમે ધીમે આપણે ભૂલી જવા માંડયા છીએ તેના સ્થાને આજે સ્ટ્રેસ- તણાવ, ડિપ્રેશન વધી ગયા છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ તણાવમાં જીવે છે. દર આઠમાંથી એક યુવક પોતાના સ્ટ્રેસ સામે હારીને માનસિક રોગનો ભોગ બની રહ્યો છે. 
મન અને જીવનનો તણાવ જીવવાની પળો છીનવી લે છે
જિંદગી એકવાર મળી છે એને જીવી લો. આ જીવનમંત્ર એક સમયે દરેક વ્યક્તિના મનમાં રહેતો. જિંદગી થોડી સહેલી હતી. આટલો તણાવ પહેલા ક્યારેય જોવા નથી મળ્યો.   મોજથી જીવવું અને જિંદગી માણવી આ વાત ધીમે ધીમે આપણે ભૂલી જવા માંડયા છીએ તેના સ્થાને આજે સ્ટ્રેસ- તણાવ, ડિપ્રેશન વધી ગયા છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ તણાવમાં જીવે છે. દર આઠમાંથી એક યુવક પોતાના સ્ટ્રેસ સામે હારીને માનસિક રોગનો ભોગ બની રહ્યો છે.   
 1992ની સાલથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉજવે છે. આ વખતનો થીમ છે Make mental health and well-being for all a global priority. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશનના એક અંદાજ પ્રમાણે 2012થી માંડીને 2030ની સાલ સુધીમાં આખી દુનિયાને માનસિક રોગની સમસ્યાને કારણે 1.30 લાખ કરોડ ડોલરનું નુકસાન થશે.   
 કોવિડ 19 પછી આખી દુનિયા બદલી ગઈ છે. દુનિયાભરમાં દર આઠમાંથી એક વ્યક્તિ માનસિક રોગ સામે લડી રહ્યો છે. કોવિડ બાદ સંબંધોમાં, પરિવારમાં, નોકરીમાં, સ્પર્ધામાં લગભગ દરેક ઉંમરની વ્યક્તિ તણાવ સામે લડી રહી છે. સ્કૂલે જતું બાળક હોય કે નિવૃત્તિ વીતાવતી વ્યક્તિ હોય નાનાં-મોટાં તણાવ જિંદગીનો ભાગ બની ગયા છે એવું લાગ્યા વિના નથી રહેતું. સ્કૂલે- કૉલેજે જતાં બાળકોમાંથી 84 ટકા બાળકો પરર્ફોમન્સ પ્રેશરથી પીડાય છે. ભારતના 41 ટકા યુવાનો એવું માને છે કે, માનસિક રોગમાં ડૉક્ટરની સલાહ લેવી જરુરી છે. જ્યારે બીજા વીસ દેશોના 83 ટકા યુવાનો ડૉકટર પાસે સારવાર લેવાને યોગ્ય ગણાવે છે.  
આજે પણ આપણે ત્યાં ડિપ્રેશન કે તણાવથી મુક્ત થવા માટે જલદીથી માનસિક રોગના ડૉક્ટર પાસે સલાહ લેવા જવાનું સહજ નથી મનાતું. માનસિક રોગો માટેની આ માનસિકતા સૌથી પહેલાં તોડવાની જરુર છે. દોડધામભરી જિંદગીમાં વાતો કરવાનો સમય નથી. કેટલાંક લોકો તો બહુ આસાનીથી બોલી દે છે કે, એટલું બિઝી રહેવાય છે કે, મરવાનો પણ સમય નથી. જેની પાસે મરવાનો સમય ન હોય એની પાસે જીવવાનો સમય ક્યારેય હોવાનો જ નહીં. એક જ ઘરમાં રહેતા લોકો જ્યારે સાથે હોય ત્યારે વાત ન કરતા હોય અને વોટ્સએપ પર વધુ વાતો કરતા હોય ત્યારે સંબંધોમાંથી જિંદગી ક્યાંક ખોવાઈ જાય છે.  
આપણે એટલી સહજતાથી બોલી દઈએ છીએ કે, હવે પહેલાં જેવું નથી રહ્યું. હવે એવી મજા નથી આવતી કે પછી હવે એવો સમય નથી રહ્યો. ભાગ્યે જ એવો વિચાર કરીએ છીએ કે, આવું શા માટે થાય છે? આવું થાય છે તો આપણે એવું ન થાય એના માટે કોઈ પ્રયત્નો કરીએ છીએ ખરાં?  
પરિવારના સભ્યોનું કેટલું વર્તન આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ? આપણી સાથે જોડાયેલી વ્યક્તિ ઉદાસ હોય તો આપણને ખબર પડી જાય છે ખરી? એનામાં કંઈ ફરક આવે તો તમારા ધ્યાને આવે છે ખરો? પોતાની વ્યક્તિના સીક કે સક્ષમ હોવા અંગે તમે જાગૃત છો ખરાં? આપણાં મન ઉપર પોતાની વ્યક્તિની સાથેની જિંદગી કરતા બીજું અતિક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. વધી રહેલા માનસિક રોગોના કિસ્સા આ જ વાત તરફ ઈશારો કરે છે. આપણે આપણી અંદર જ એવા ખોવાયેલા છીએ કે  આપણને આપણાં પોતાના લોકોની સમસ્યા વિશે ભાગ્યે જ આઈડિયા આવે છે. સમય નથી મળતો એ વાત કદાચ સત્ય હોય તો પણ કેટલાક સંબંધ બધાંથી ઉપર હોય છે. એના માટે સમય ચોરી જ લેવો પડે. આપણી પોતાની વ્યક્તિને અપાતો થોડો સમય અને શાંતિથી વાત સાંભળવી આ બે વાત જો આપણે સમજી લઈએ તો મન અને જીવનમાં તણાવ ઓછો કરી શકાય. 
આપણે તો જે પળમાં હોઈએ છીએ એ પળની મજા પણ નથી લઈ શકતા હોતા. આપણી આજ પર આવતીકાલની ચિંતા હોય છે અને પીઠ પર ગઈકાલનો બોજો. વર્તમાનમાં જીવવાની આદત કેળવવાનો સમય તમારી સામે જ હોય છે પણ આપણે એક અજાણ્યા બેગેજ સાથે તાલમેલ મેળવવાની કોશિશ કરતાં રહીએ છીએ. આપણી સાથે આપણાં શ્વાસની જેમ અજંપો, તણાવ, એવા જોડાઈ ગયા છે કે, આપણે એના વગર જીવવાનું જ ભૂલી ગયા છીએ. શરીરની તંદુરસ્તી માટે આપણે ઘણું બધું ધ્યાન રાખીએ છીએ. પણ મનની તંદુરસ્તીની વાત આવે ત્યારે આપણે થોડાં કેર લેસ થઈ જઈએ છીએ. આપણે એ શીખવું જ રહ્યું કે, શરીરની સુંદરતાનો કોઈ મતલબ નથી જો મન સ્વસ્થ ન હોય તો.  
jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.