Porbandar : શરમ કરો સરપંચ, મહિલા કર્મચારીને વાળ પકડી ઢસડીને લાફા માર્યા
- પાંડાવદર ગામે સરપંચની વીજ કર્મચારી પર દબંગાઈ
- સરપંચે મહિલા કર્મચારી સહિત બે ઉપર હુમલો કર્યો
- મહિલા કર્મચારીએ સરપંચ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી
Porbandar : ભાજપ નેતાની મહિલા કર્મચારી પર દબંગાઈ સામે આવી છે. જેમાં પાંડાવદર ગામે સરપંચની વીજ કર્મચારી પર દબંગાઈ ભારે પડી છે. મહિલા કર્મચારીએ સરપંચ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જુનિયર આસિસ્ટન્ટ જાગૃતિબેન મોઢાએ પાંડાવદર ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા તથા તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
સરપંચે મહિલા કર્મચારી સહિત બે ઉપર હુમલો કર્યો
પાંડાવદર ગામે ગ્રામ પંચાયતનુ સ્ટ્રીટ લાઈટનું બિલ બાકી હોવાથી કનેકશન કટ કરતા સરપંચે મહિલા કર્મચારી સહિત બે ઉપર હુમલો કર્યો હતો. જેમાં સરપંચ ધમેદ્રસિંહ જેઠવાએ વિજ કર્મચારી મનોજ પાચા કોડીયારને પ્રથમ ત્રણ લાફા મારી બાદ જાગૃતિબેન મોઢાને સરપંચે વાળ પકડી ઢસડીને ત્રણ લાફા મારીને ભુંડી ગાળો આપી હતી. તેથી જુનિયર આસિસ્ટન્ટ જાગૃતિબેન મોઢાએ મારામારી તથા ફરજમાં રૂકાવટ મામલે ગુન્હો દાખલ કર્યો છે. પોરબંદરમાં વીજ કર્મચારી પર છેલ્લા ત્રણ માસમાં હુમલાની આ ચોથી ઘટના બનતા વીજ કર્મચારીઓમાં રોષ ફાટી નિકળ્યો છે.
ગ્રામજનોના મતે માત્ર બોલાચાલી થઈ હતી
ઈજાગ્રસ્ત કર્મચારીઓને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. બીજી તરફ, પાંડાવદર ગામના લોકોનું કહેવું છે કે તેમને વીજબિલની ઉઘરાણી અંગે કોઈ પૂર્વ જાણ કરવામાં આવી ન હતી. તેમણે PGVCLના અધિકારીઓને થોડા દિવસોમાં બિલ ભરી દેવાની ખાતરી આપી હતી. અધિકારીઓ સંમત થયા હોવા છતાં વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ગ્રામજનોના મતે માત્ર બોલાચાલી થઈ હતી, કોઈ હુમલો થયો નથી. આ ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો: Solar eclipse 2025 : વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે, આ રીતે તમારા મોબાઇલ-ટેબ્લેટ પર જુઓ LIVE