Amreli : બગસરાની શાળામાં વિદ્યાર્થીઓ હાથ પર કરી રહ્યાં છે બ્લેડ વડે ઈજા
- વિદ્યાર્થીઓના હાથમાં બ્લેડ વડે ઈજાઓના નિશાન જોવા મળ્યા
- પ્રાથમિક શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓએ ઈજાઓ પહોંચાડી
- મુંજ્યાસર ગ્રામ પંચાયત દ્વારા પોલીસમાં અરજી કરાઇ
Amreli : બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડવામાં આવેલ છે. આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે. મળેલ માહિતી મુજબ બગસરા તાલુકાની મોટા મુંજીયાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભરાટ થઈ ગયો છે.
શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ મારી
ત્રણેક દિવસ પહેલા શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા ઈચ્છા વ્યક્ત કરેલ છે.
સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે
અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર ઘટના બનવા પાછળનો કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે. તેથી તાત્કાલિક ધોરણે બધી જ બાબતો બહાર આવે તે જરૂરી છે. શિક્ષણ માટે ખૂબ જ પ્રશંસનીય ગણાતી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ આ ઘટનાથી વાલીઓમાં ચિંતા દેખાઈ રહી છે.
અમરેલીની ઘટના અંગે પ્રફૂલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું
અમરેલીની ઘટના અંગે પ્રફૂલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું છે કે માહિતી મુજબ બાળકો સામ સામે ચેલેન્જ આપે છે. જાતે જ એકબીજાને ચેલેન્જ આપી હતી. આપણા બધા માટે આ ગંભીર બાબત છે. સોશિયલ મીડિયા અને વીડિયો ગેમ પર શું કરવું એ વિચાર કરીએ છીએ. આજે સાંજે સુધી એનો રિપોર્ટ મને મળશે. બધાએ સાથે મળીને આમ નિવારણ જરૂરી છે. દુનિયામાં પણ આવી અનેક ચેલેન્જ લોકો આપે છે આને એક સ્ટડી કેસ કરશું.
આ પણ વાંચો: Ahmedabad Police : અમદાવાદની પોલીસ કારનો હરિયાણામાં થયો ભયંકર અકસ્માત, 3ના ઘટના સ્થળે મોત