“મનના દુઃખની અકસીર દવા એ અધ્યાત્મ છે”: મહંતસ્વામી મહારાજ
અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાંધ્યસભામાં વિવિધ કાર્યક્રમોમાં અલગ-અલગ વિષયો પર મહાનુભાવો ઉપસ્થિત રહે છે ત્યારે આજે ‘અધ્યાત્મ અને આરોગ્ય દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના આરોગ્ય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે હજારો સંતો-
05:42 PM Dec 23, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાંધ્યસભામાં વિવિધ કાર્યક્રમોમાં અલગ-અલગ વિષયો પર મહાનુભાવો ઉપસ્થિત રહે છે ત્યારે આજે ‘અધ્યાત્મ અને આરોગ્ય દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના આરોગ્ય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને સમાજના સ્વાસ્થ્ય રક્ષણ માટે અભૂતપૂર્વ કાર્યો કરવા બદલ શ્રદ્ધાંજલિ આપી હતી.
મહંત સ્વામી મહારાજ
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું, “આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે પ્રાર્થના કરવાથી અને સેવા કરવાથી તેમજ માફ કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઉપવાસ કરવાથી શરીરને લાભ થાય છે". પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે "કમ ખાના અને ગમ ખાના" અર્થાત્ ભૂખ કરતાં ઓછું જમવાનું તેથી સ્વાસ્થ્ય સારું રહે અને જરૂર ના હોય ત્યાં ચૂપ રહેવાનું એટલે સંબધો સારા રહે કારણકે દુનિયાના મોટા ભાગના ઝગડા બોલવાના કારણે જ થયા છે અને પ્રમુખસ્વામી મહારાજ એ જ રીતે આખું જીવન જીવ્યા છે. "કથા અને સેવા કરશો તો તબિયત સારી રહેશે. મનના દુઃખની અકસીર દવા એ અધ્યાત્મ છે."
શ્રી બનવારીલાલ પુરોહિત, ગવર્નરશ્રી-પંજાબ
“મારું સૌભાગ્ય છે કે આ વિશાળ પ્રમુખસ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું છે અને આ નગરને જોઈને હું ખૂબ જ અભિભૂત થઈ ગયો છું. એક ક્ષણ માટે મને એમ વિચાર આવે છે કે જો પ્રમુખસ્વામી મહારાજ થોડા વર્ષો વધારે જીવ્યા હોત તો આજનો મહોત્સવ અલગ જ હોત પરંતુ મહાપુરુષો આ પૃથ્વી પર પોતાની રીતે આવે છે, આ પૃથ્વી પર કાર્ય કરે છે અને કાર્ય પૂર્ણ થયા પછી પાછા પોતાના ધામમાં જતાં રહે છે.
મેં પ્રમુખસ્વામી મહારાજના દર્શન ઓગસ્ટ 1990માં નાગપુરમાં કર્યા હતા. "વસુધૈવ કુટુમ્બકમ"ની ભાવના પ્રમુખસ્વામી મહારાજે અનેક મંદિરોના નિર્માણ દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રસરાવી છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સતયુગ જેવા વાતાવરણની અનુભૂતિ થાય છે અને આવા વાતાવરણમાં અને સાધુ સંતોની નિશ્રામાં રહેશો તો જીવન ઉન્નત થશે.
આપણી ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષોથી ચાલી આવે છે તેના મૂળમાં ધર્મ અને આધ્યાત્મિકતા છે અને હું આ સંસ્થાનો આભારી છું કારણકે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા આદર્શો અને પથ પર ચાલીશું તો ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે.”
ડૉ એમ શ્રીનિવાસ-ડિરેક્ટર, AIIMS
“આરોગ્યમાં જ્યાં સુધી આધ્યાત્મિકતા ભળતી નથી ત્યારે સુધી સંપૂર્ણ નિરોગી રહી શકાતું નથી. પ્રમુખસ્વામી મહારાજે હંમેશા કહેતા કે "બીજાના ભલામાં આપનું ભલું છે" અને જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આહાર શુદ્ધિ અને મનની શુદ્ધિ શું છે. આજનો દિવસ મારા માટે જીવનભરની સ્મૃતિ બની રહેશે અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા તે માટે હું બહુ જ સૌભાગ્યશાળી છું.”
પદ્મ શ્રી ડૉ. અશ્વિન મહેતા, ડિરેક્ટર-જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર
“આહાર, આચાર, વિચાર અને સંસ્કાર આ તમામ એકબીજા સાથે સંકળાયેલા છે. હિન્દુ ધર્મનો આહાર વૈજ્ઞાનિક બાબતો સાથે સંલગ્ન છે અને શુદ્ધ અને સાત્વિક આહાર દ્વારા શરીર નિરોગી રહે છે. વિશ્વનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી તે શાકાહારી છે. પ્રમુખસ્વામી મહારાજ તેમનું સમગ્ર જીવન બીજા માટે જીવ્યા છે અને આ વાત પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે.
પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્યો માટે આવતી અનેક પેઢીઓ માનશે નહિ કે આવી વ્યકિત આ ધરતી પર વિહાર કરી રહી હતી કારણકે પ્રમુખસ્વામી મહારાજ પળેપળ બીજાના ભલાનો જ વિચાર કરતા હતા. ઘરસભા પણ માનસિક સ્વાસ્થ્ય સાથે સંલગ્ન છે માટે ઘર સભા કરવી જોઈએ કારણકે જેનું મન શુદ્ધ એનું તન શુદ્ધ અને જેનું તન શુદ્ધ એનું મન શુદ્ધ.”
પદ્મશ્રી ડૉ તેજસ પટેલ, ચેરમેન-હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ
“પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતો મહંતોને મારા સાષ્ટાંગ દંડવત્ પ્રણામ. હું આ સંસ્થા માટે ડોક્ટર તેજસ કે પદ્મશ્રી નથી હું માત્ર તેજસ જ છું. 1978માં જ્યારે મારો બોર્ડમાં નંબર આવ્યો ત્યારે મને પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ આપેલા તે મને આજે પણ યાદ છે અને એ પરિચય છેક છેલ્લા સમય સુધી રહ્યો.
પ્રમુખસ્વામી મહારાજની સાદાઈ અને વિનમ્રતા મારા હૃદયને સ્પર્શી ગઈ છે અને તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિ તેમનાથી ખૂબ જ પ્રભાવિત થઈ જતી. પ્રમુખસ્વામી મહારાજનો આગેવાનીનો ગુણ મને બહુ જ ગમે છે કારણકે પ્રમુખસ્વામી મહારાજના આ ગુણે આ સંસ્થાને વિશ્વફલક પર મૂકી દીધી છે. પ્રમુખસ્વામી મહારાજે સમર્પિત સ્વયંસેવકોનું નિર્માણ કર્યું છે અને આજે વિશ્વભરના 80,000 સ્વયંસેવકો હળીમળીને એકસાથે સેવા કરે છે એનો શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે.”
શ્રી વલ્લભ કુળભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી વ્રજકુમારજી મહારાજશ્રી, વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન
શ્રી વલ્લભ કુળભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી વ્રજકુમારજી મહારાજશ્રી, વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન (VYO) એ જણાવ્યું, “તમામ ભક્તોના હૃદયમાં રહેલા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આપણે હાજર છીએ તે આપણું સૌભાગ્ય છે. અધ્યાત્મ અને આરોગ્ય બંને માં પવિત્રતા,પ્રયાસ, પ્રભુ કૃપા અને પ્રમુખસ્વામી મહારાજ ના આશીર્વાદ ખૂબ જ આવશ્યક છે. ચંદન પોતે ખુદ ઘસાઈને અન્યને સુંગધ આપે છે તે રીતે પ્રમુખસ્વામી મહારાજે પોતાની કાયાને ઘસીને દુનિયાને સુવાસિત કરી છે.
આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વચ્છતાની સાથે સાથે ભવ્યતા અને દિવ્યતા જોવા મળે છે , અહી વૈદિક યજ્ઞોની સાથે સેવાયજ્ઞો પણ થઈ રહ્યા છે. યજ્ઞ, દાન અને તપ નિઃસ્વાર્થ ભાવે થવું જોઈએ અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તાદૃશ જોવા મળે છે અને તેનું શ્રેય યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને જાય છે કારણકે તેઓએ આ સમાજનું નિર્માણ કર્યું છે. બી.એ.પી.એસ સંસ્થાએ વિશ્વ માટે રોલ મોડલ સમાન છે જેનું બીજ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે રોપ્યું હતું.
જેમ કુંભકાર માટલાને ઘડે છે અને તપાવે છે ત્યારે માટલું પરિપક્વ બને છે તે રીતે પ્રમુખસ્વામી મહારાજે 1100થી વધારે નિયમધર્મ યુક્ત સંતોનું નિર્માણ કર્યું છે જે સમાજસેવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને શિક્ષાપત્રીની ભેટ આપી છે જે તેમનું આપણા પરનો મોટો ઉપકાર છે. મહંત સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આ રીતે જ આપ સૌ સેવા કરી શકો તેવી મારી અંતરની પ્રાર્થના છે”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article