Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વૃક્ષો ઓક્સિજન આપે છે તેમ સંતો સાધુતાથી સમાજને ઓક્સિજન આપે છે : પૂ. ચિદાનંદ સરસ્વતીજી

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત દરરોજ વિવિધ કોન્ફરન્સ અને સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન છે ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે વિરાટ સંત સંમેલન યોજાયું હતું જેમાં દેશભરમાંથી સંતો  ઉપસ્થિત રહ્યાં હતા. આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં દેશની સંત પરંપરાના દિવ્ય
04:06 PM Dec 25, 2022 IST | Vipul Pandya
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત દરરોજ વિવિધ કોન્ફરન્સ અને સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન છે ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે વિરાટ સંત સંમેલન યોજાયું હતું જેમાં દેશભરમાંથી સંતો  ઉપસ્થિત રહ્યાં હતા. આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં દેશની સંત પરંપરાના દિવ્ય દર્શન થયાં. સંત સંમેલનમાં દેશભરમાંથી આવેલા સંતોની દિવ્યવાણીથી ભક્તો અભિભૂત થયાં હતા તો સંતોએ પણ પ્રમુખ સ્વામી મહારાજ નગરની ભવ્યતા અને દિવ્યતાની પ્રશંસા કરી હતી.
પૂ. ચિદાનંદ સરસ્વતી, પરમાર્થ નિકેતન આશ્રમ
પ્રાતઃ સ્મરણીય અને પરમ વંદનીય પ્રમુખસ્વામી મહારાજ અને તેમના પગલે પગલે વિશ્વભરમાં ભગવાન સ્વામિનારાયણ ના સંદેશો પહોચાડનાર મહંત સ્વામી મહારાજ ને શત શત નમન. આજે હું મારી ખુશી વ્યક્ત કરતા કહું છું કે હું પ્રથમ વખતે 1980માં પ્રમુખસ્વામી મહારાજ ને મળ્યો હતો અને એમની સરળતા, સાદગી, વિનમ્રતા વગેરે મને સ્પર્શી ગઈ હતી. મેં લંડનમાં કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ "શતાબ્દી મહાપુરુષ" અને "યુગપુરુષ" હતા જેમણે સમગ્ર સમાજ ને જીવન જીવવાની સાચી દિશા બતાવી છે. અહીં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રદર્શન નથી પરંતુ મારા માટે પ્રમુખસ્વામી મહારાજના વિચારો અને આદર્શો નું દર્શન છે. મારા મતે ભારતના દરેક શહેરમાં પ્રમુખસ્વામી મહારાજ નગર જેવા ભવ્ય અને દિવ્ય નગરની રચના થવી જોઈએ જે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો ને પ્રદર્શિત કરે અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપે. ભારતની ભૂમિ એ શાંતિની ભૂમિ છે અને પ્રમુખસ્વામી મહારાજ નગર પણ શાંતિ અને સમર્પણની ભૂમિ છે કારણકે બહાર 80 હજાર દર્શકો પણ જોવા મળતા નથી જ્યારે અહી 80 હજાર સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ જેમ ઉચ્ચ જીવન જીવવાના પથ દર્શાવતા હતા તેમ અહી પ્રમુખસ્વામી મહારાજ નગરની બહાર સ્વયંસેવકો હસતે મોઢે નગરમાં આવવાનો રસ્તો બતાવતા જોવા મળે છે. કરોડો રૂપિયા કમાનાર વ્યકિત પણ ઘરમાં પોતાના ફોટો નથી મૂકતા પરંતુ સાદગી અને વિનમ્રતાના પ્રતીક અને સમાજ સેવા માટે પોતાની કાયા સમર્પિત કરનાર પ્રમુખસ્વામી મહારાજના ફોટો મૂકે છે. પ્રમુખસ્વામી મહારાજે લોકોની જીવનની દિશા બદલીને જીવનપરિવર્તન કર્યાં છે અને આજે અહી હાજર તમામ સંતો ભક્તોમાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થઈ રહ્યા છે. સ્વચ્છ ભારતના દર્શન પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તાદૃશ જોવા મળે છે. જે રીતે વૃક્ષો ઓક્સિજન આપે છે તે રીતે સંતો તેમની સાધુતાથી સમાજને ઓક્સિજન આપે છે.”
શ્રી સિંઘસાહિબ જ્ઞાની રણજીતસિંહજી - શીખ ધર્મગુરુ
“આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી શિખવાનું ઘણું છે. સમગ્ર ભારત વર્ષના લોકો અહી આવશે. આટલા મોટા નગરનું આયોજન અને પ્રબંધન કઈ રીતે કરી શકાય અને તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર છે. આપણે સૌ સૌભાગ્યશાળી છે કે પ્રમુખસ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે.
મહામંડલેશ્વર ડોક્ટર સ્વામી રામેશ્વરદાસજી મહારાજ
નૈમિષારણ્ય ક્ષેત્રમાં જે રીતે 88 હજાર ઋષિમુનિઓ તપ કરી રહ્યા હતા તે રીતે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવારૂપી તપ કરનાર ૮૦,૦૦૦ સ્વયંસેવકોને શત શત નમન કરું છું. સંપૂર્ણ વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર-પ્રસારનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે પ્રમુખસ્વામી મહારાજે  ૧૦૦૦ થી વધુ સંતો અને ૧૧૦૦ થી વધુ મંદિરોનું નિર્માણ કરીને ધાર્મિક ક્રાંતિ કરી છે અને તેમના પુરુષાર્થના કારણે સમગ્ર વિશ્વ તેમને સાચા અર્થમાં "પ્રમુખ" માને છે.”
સંત સંમેલનમાં પૂજ્ય સંતોનાં વક્તવ્યોના અંશો
પૂ. વિવેકસાગર સ્વામી-BAPS, સ્વાગત પ્રવચન
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારેલા તમામ સાધુ સંતોનાં ચરણોમાં વંદન અને આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કુંભ મેળો યોજાયો છે તેવી અનુભૂતિ થાય છે. ભલે આપણે આજે અલગ અલગ સંપ્રદાયોના સંતો ભેગા થયા છીએ પણ આપણો ધર્મ એક જ છે તે આપણી સાધુતા. 1981માં પણ દેશભરના 3000 સાધુ સંતો સ્વામિનારાયણ ભગવાન દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારેલા. પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે તમામ ધર્મોના સાધુ સંતોને વિશેષ ભાવ છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં જઈને હિન્દુ સંસ્કૃતિનો પરિચય કરાવ્યો અને પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી પણ વધારે મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કર્યો છે.
જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ
આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ આનંદ થયો છે અને મહંતસ્વામી મહારાજને ધન્યવાદ આપું છું આ શતાબ્દી મહોત્સવના આયોજન માટે. આપણે સૌ સંતો મહંતો એક થઈને કાર્ય કરીશું તો સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી શકીશું.
પૂજ્યપાદ પરમાત્માનંદજી મહારાજ, પ્રમુખ - ભારતીય આચાર્ય સભા
સૌ પ્રથમ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજને પ્રણામ. આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર છે કારણ કે આજે આ ભૂમિ સાધુ સંતોનાં ચરણકમળથી પાવન થઈ છે. કોઈ પણ સંસ્થાના પ્રાણ એ તેના સાધુ અને તેમની સાધુતા છે અને એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજે ચારિત્ર્યયુક્ત સાધુ સમાજનું નિર્માણ કર્યું છે. ગુલામીના સમયમાં અનેક મંદિરોનો વિનાશ કરવામાં આવ્યા છે તો પણ હિન્દુ ધર્મનું રક્ષણ થયું છે કારણ કે તેનું રક્ષણ ખુદ ભગવાન અને અહીં પધારેલા સાધુ સંતો કરી રહ્યા છે.
રવીન્દ્રપૂરી મહારાજ , અખાડા પરિષદ અધ્યક્ષ
સૌ પ્રથમ હું દિવ્ય મહાન વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને વંદન કરું છું કારણકે તેમના જન્મશતાબ્દી મહોત્સવમાં આપણે સૌ અહીં મળ્યા છીએ. પ્રમુખસ્વામી મહારાજે જીવનમાં ગુજરાતથી લઈને વિશ્વનાં દરેક ખૂણે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે અને જે લોકો હિન્દુ ધર્મને માનતા નથી તેવા દેશમાં પણ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. દેશમાં ક્યાંય પણ ભગવા કપડાંને જોઈને સૌ વંદન કરે છે તે માટે આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજના આભારી છીએ કારણ કે તેમણે સાધુ સમાજનું ગૌરવ વધાર્યું છે.
પૂજ્ય કૃષ્ણમુનિ મહારાજ
ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વવ્યાપી બનાવવા અનેક સાધુ સંતોનું યોગદાન રહ્યું છે. પોતાની જીવનશૈલીથી અને કાર્યોથી સમાજ ઘડતરનું કાર્ય કરવું એ આપણાં સાધુ સમાજનું કર્તવ્ય છે અને પ્રમુખસ્વામી મહારાજે તેમના સાધુતાયુક્ત જીવનથી અનેક લોકોને પ્રેરણા આપી છે.
પૂજ્ય જ્ઞાનદેવસિંહજી મહારાજ, અધ્યક્ષ - નિર્મલ અખાડા
સૌ પ્રથમ ભારતમાં જેટલા સંપ્રદાયો છે તેના તમામ સંતો-મહંતો તેમજ પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોને વંદન કરું છું. આજે માત્ર ને માત્ર પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી ભારતવર્ષના તમામ સાધુ-સંતોનાં દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે એ આપણાં માટે સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે તેમની પાસે આવેલા તમામ માણસોને અમૃત પીવડાવ્યું છે અને તેઓ સાચા અર્થમાં સંત પરમહિતકારી અને માનવતાના પૂજારી છે.
આચાર્ય અવિચળદાસજી મહારાજ
સંતોની ભૂમિકા સમાજ માટે શું હોવી જોઈએ એ સમજવું હોય તો તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ સંસ્થા છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈ રહ્યા છીએ એના નિર્માણ કાર્યમાં આ સાધુ સંતોએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે અને ઉત્તમ વ્યવસ્થાનું આયોજન કર્યું છે. ભારતમાં અનેક ધર્મો અને સંપ્રદાયો છે અને દરેક ધર્મમાં આદર્શ ઉત્તરાધિકારીની જરૂર હોય છે અને પ્રમુખસ્વામી મહારાજે ૧૦૦૦ થી વધારે સંતોની ફોજ તૈયાર કરી દીધી છે. ધર્મ પ્રચારનું કાર્ય તો ઘણા લોકો કરી શકે છે, પણ સાચા અર્થમાં જેણે પોતાના ઘર અને પરિવારનો ત્યાગ કર્યો હોય તે જ સંત સમાજનો ઉદ્ધાર કરી શકે છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવા અને સમર્પણનાં દર્શન થાય છે.
પૂજ્ય વિશ્વાત્માનંદજી મહારાજ - અટલ પીઠાધીશ્વર ,જમ્મુ કાશ્મીર
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આપણે સૌ ઉપસ્થિત છીએ એ આપણાં માટે ગૌરવની વાત છે. આ ભારત વર્ષ સંતો, તપસ્વીઓ અને ઋષિમુનિઓની ભૂમિ છે અને તેમાં પણ પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષનું અવતરણ થયું એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. મારા મતે આ પ્રકારના મહોત્સવમાં સમાજના વિદ્યાર્થી અને યુવાવર્ગ ને આવકારવા જોઈએ તો આપણી હિન્દુ સંસ્કૃતિ અને વારસો જળવાઈ રહેશે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવનાર તમામ માણસો હિન્દુ સંસ્કૃતિથી વધારે પરિચિત થશે.
શ્રી શ્રી આચાર્ય બાલકાનંદજી મહારાજ
આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તમામ સંતો અને સ્વયંસેવકો પ્રમુખમય થઈને કાર્ય કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની શરણમાં જે જે ગયા તેમનાં તમામ દુઃખ દર્દો દૂર થઈ જાય છે. આજે ભલે પ્રમુખસ્વામી મહારાજનું સદેહ અસ્તિત્વ નથી દેખાતું પરંતુ તેમનું વ્યક્તિત્વ અનંત કાળ સુધી જીવિત રહેશે અને આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દરેકમાં મને પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન થઈ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે તૈયાર કરેલા સંતોને જોઈને સંદેશ મળે છે કે સંયમ, સેવા, સાધના અને સમર્પણયુક્ત સાધુ સંતો સમાજનો ઉદ્ધાર કરી શકે છે.
જગદગુરુ શ્રીધરાચાર્યજી મહારાજ
આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરની પાવનધરા પર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં દર્શન થાય છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંતો મહંતો ને જોઈને પ્રમુખસ્વામી મહારાજ પણ આનંદિત થઈ ગયા હશે. ભગવાન સ્વામિનારાયણે આ ગુજરાતની પાવન ધરાને દિવ્ય બનાવી છે અને અહીં પધારીને ભક્તોનું કલ્યાણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષે તમામ ભક્તો સંતોને ભગવાન સાથે જોડ્યા છે અને એક સાચા સંતનું તે પરમ કર્તવ્ય છે. અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામ મંદિરને જોઈને સ્વામિનારાયણ ભગવાન તેમજ અનેક મંદિરોનું નિર્માણ કરનાર પ્રમુખસ્વામી મહારાજને ખૂબ જ પ્રસન્નતા થતી હશે.પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતો દ્વારા હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ જીવિત રહેશે.
શ્રી રામાનંદાચાર્યજી મહારાજ
સનાતન સભ્યતાનો મહાકુંભ આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોવા મળી રહ્યો છે. આજે આ સંસ્થામાં યુવાશક્તિ અને સંતોમાં ભક્તિ ભાવ જોવા મળે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં યુવાશક્તિને જાગ્રત કરવામાં આવે છે અને તેનો પ્રચાર વિશ્વભરમાં કરવામાં આવે છે.
મહામંડલેશ્વર પૂજ્ય હરિચેતનાનંદ મહારાજ
આજે સાબરમતી નદીના કિનારે સંતોનો મહાકુંભ યોજાયો છે તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને જાય છે. ભગવાન પ્રમુખસ્વામી મહારાજના રૂપે જીવોના ઉદ્ધાર કરવા આવે છે અને વૈદિક સનાતન ધર્મના પ્રવર્તન માટે પણ ભગવાન પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોના રૂપે આ પૃથ્વી પર અવતરે છે. પ્રમુખસ્વામી મહારાજે 1100થી વધારે મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિને જીવિત રાખી છે અને ભારતના વિકાસમાં સૌ સાધુ સંતોનું અતુલ્ય યોગદાન છે. મારા મતે આ શતાબ્દી મહોત્સવ એ વિશ્વનો સૌથી મોટો શતાબ્દી મહોત્સવ છે અને તેનું શ્રેય અહીંના સંતો અને સ્વયંસેવકોને જાય છે.
મહામંડલેશ્વર યતીન્દ્રનાનંદજી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજનો જન્મ સમગ્ર વિશ્વમાં સત્ય સનાતન ધર્મના પ્રસાર માટે થયો હતો.
મહંતશ્રી દેવીપ્રસાદજી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ કેટલા મહાપુરુષ અને પુણ્યશાળી હશે કે તેમના શતાબ્દી મહોત્સવમાં આટલા બધા મહાપુરુષો પધાર્યા છે.
મહામંડલેશ્વર ભગવતસ્વરૂપદાસજી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ 250 સંતો સાથે અમારા હરિદ્વારના આશ્રમમાં આવ્યા હતા તે અમારું સૌભાગ્ય હતું. ભલે આપણે સૌ અલગ અલગ સંપ્રદાયના છીએ પરંતુ આપણો ધર્મ અને લક્ષ્ય એક જ છે. આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજ જેવા સાધુ જોડે મન જોડી દઈશું તો આપણને મોક્ષ પ્રાપ્ત થઈ જશે.
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ - ગોવા
આજે સમગ્ર દુનિયા ઉચ્ચ જીવન જીવવા માટે હિંદુ સંસ્કારો અને હિન્દુ સંસ્કૃતિ તરફ નજર રાખે છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક હિન્દુ ધર્મના પ્રવર્તનનું કાર્ય કરી રહી છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થયેલ સંત સંમેલનથી વિશ્વભરમાં હિન્દુ એકતાનો સંદેશો જશે.
જિતેન્દ્રનાથજી મહારાજ - દેવનાથ પીઠના મઠાધીશ
ગુજરાતમાંથી ભક્તિનો પ્રસાર વિશ્વભરમાં થયો છે અને અક્ષરપુરુષોત્તમ મહારાજનો જય જયકાર થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ પ્રથમ સંપ્રદાય છે જેના સાધુ સંતો વિશ્વભરમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ગુરુના રૂપમાં ભગવાન જો પૃથ્વી પર કાર્ય કરવા આવવા માગતા હોય તો પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અવતરણ કરે એવું હું દૃઢપણે માનું છું. મારા માટે ભારત વર્ષને વિશ્વગુરુ બનાવવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો મહત્ત્વનો ફાળો રહેશે.
મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત - અમદાવાદ
પ્રમુખસ્વામી મહારાજે ધર્મ અને સમાજ માટે કરેલાં કાર્યો એટલા અદ્ભુત હતા કે આજે ભારતભરના સંતો મહંતો તેમના શતાબ્દી મહોત્સવમાં હાજર રહ્યા છે.
પૂજ્યપાદ આચાર્ય જીયર સ્વામી લક્ષ્મીપ્રપન્નાજી
સાચા સંત એ પ્રભાવથી નહિ પરંતુ સ્વભાવથી લોકોનું જીવન પરિવર્તન કરે છે અને પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં તેવા સંત હતા અને પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોને ભગવાન વારંવાર જન્મ આપે એવી મનોકામના કરું છું.
મહંત ફુલડોલવિહારીદાસજી
સંતો આ દેશ અને સમાજનું રક્ષણ કરે છે અને પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોમાં ભગવાન પ્રગટ હોય છે.
મહામંડલેશ્વર આત્માનંદ સરસ્વતીજી મહારાજ
સંત સમાગમથી જીવન ચારિત્ર્ય યુક્ત બને છે અને પ્રમુખસ્વામી મહારાજે ચારિત્ર્ય યુક્ત સત્સંગ સમાજનું નિર્માણ કર્યું છે.
પૂજ્યપાદ ચૈતન્યશંભુજી મહારાજ
મારા મતે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એ આ સદીનો સૌથી મોટો મહોત્સવ છે. પ્રમુખસ્વામી મહારાજના જીવન ચરિત્રને જીવનમાં ઉતારીએ તો આપણું જીવન ઉજ્જવળ થઈ જશે. મંદિરોએ આધ્યાત્મિક ચેતનાના કેન્દ્રો છે અને પ્રમુખસ્વામી મહારાજે 1100થી વધારે મંદિરોનું નિર્માણ કરીને સમાજસેવાનાં અનેક કાર્યો કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ઘરસભા દ્વારા પારિવારિક મૂલ્યોનું જતન કર્યું છે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાધનને ભગવાનના માર્ગે જોડ્યા છે. ભગવો એ માત્ર રંગ નથી પરંતુ હિંદુ ચેતનાનું કેન્દ્ર છે. વાણી વર્તન અને વિવેકનો ત્રિવેણી સંગમ એટલે પ્રમુખસ્વામી મહારાજ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સારી રીતે ઉજવવો હોય તો પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા પથ પર ચાલવું પડશે અને તેમણે શીખવેલાં મૂલ્યો જીવનમાં ઉતારવા પડશે.”
પરમ પૂજ્ય મહંતસ્વામીજી મહારાજ
આજે ભારતભરમાંથી પધારેલા સંતો મહંતોના એકસાથે દર્શન થવાથી હું ખૂબ જ ધન્યતા અનુભવું છું અને તમામનાં ચરણોમાં  સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું કારણકે આપ સૌ સમાજની સારામાં સારી સેવા કરી રહ્યા છો. આપ સૌ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધાર્યા તે માટે હું આપ સૌનો ઋણી છું. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે "પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ" અને આજે આપણે સૌ જુદા જુદા સંપ્રદાયોના સંતો મહંતો ભેગા થયા છીએ ત્યારે તેમણે  કહેલું આ વાક્ય સાચું થતું જણાય છે. આપણે સૌ સાથે મળીને સમાજની સેવા કરી શકીએ અને આપ સૌના આશીર્વાદ અમને હમેશાં મળતા રહે તેવી અભ્યર્થના.
આ પણ વાંચો - 250 કરતાં વધુ સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું વિરાટ સંત સંમેલન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratGujaratFirstPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100SaintconventionSantSammelanShatabdiMahotsav
Next Article