પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’નો કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી દ્વારા શુભારંભ
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગઈકાલે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના(Shatabdi Mahotsav) સંપન્ન થયેલાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન બાદ પ્રમુખસ્વામી મહારાજ નગર આજથી અનેકવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાર્યક્રમોથી ધબકતું થયું છે. પ્રમુખસ્વામી નગરનાં દર્શન માટે અભૂતપૂર્વ માનવ મેદની ઉમટી રહી છે. સ્વયંસેવકોના અદ્ભુત શિસ્ત અને સમર્પણથી à
Advertisement
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગઈકાલે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના(Shatabdi Mahotsav) સંપન્ન થયેલાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન બાદ પ્રમુખસ્વામી મહારાજ નગર આજથી અનેકવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાર્યક્રમોથી ધબકતું થયું છે. પ્રમુખસ્વામી નગરનાં દર્શન માટે અભૂતપૂર્વ માનવ મેદની ઉમટી રહી છે. સ્વયંસેવકોના અદ્ભુત શિસ્ત અને સમર્પણથી સામાન્ય લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
વિવિધ કાર્યક્રમોની ભરમાર
પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહ્ને અલગ અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા પ્રોફેશનલ એસોશિયેશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર રહેશે.
આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન
આજે મહોત્સવના સર્વ પ્રથમ દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એવા અનેક ઓદ્યોગિક ગૃહોના વડા પ્રમુખસ્વામી નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ હર્ષભેર ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.
કાર્યક્રમમાં માનવસેવા પ્રવૃત્તિની ઝાંખી
કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન માનવમાત્રના ઉત્કર્ષ માટે સમર્પિત રહ્યું. પ્રમુખસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ BAPS સ્વામિનારાયણ સંસ્થા માનવ ઉત્કર્ષનું વૈશ્વિક આંદોલન બની ચૂકી છે. વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.
વૈશ્વિક કલ્યાણના કાર્યો
1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,50,000 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,50,000 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.
સાંજે 5.15 વાગ્યે સભા
આજે સાંજે 5.15 વાગ્યે સભાનો આરંભ ભગવાનના નામસ્મરણ સાથે થયો ત્યાર બાદ BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી અને પૂ. ડોક્ટર સ્વામી દ્વારા પ્રમુખસ્વામી મહારાજના માનવ ઉત્કર્ષના ભગીરથ કાર્યો અને માનવ ઉત્કર્ષ માટે આધ્યાત્મિક માર્ગદર્શકની ભૂમિકા અને અનિવાર્યતા પર પ્રકાશ પાડવામાં આવ્યો. પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યને દર્શાવતાં પરિચય વિડિયો બાદ સર્વે અગ્રણી ઉદ્યોગપતિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉદ્યોગ જગતના માંધાતાઓની ઉપસ્થિતિ
આજે કદાચ આવો પહલો અવસર હતો કે કોઈ આધ્યાત્મિક કાર્યક્રમમાં દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ આટલી મોટી સંખ્યામાં એક સાથે હાજર રહ્યા હતા. આજના આ સંમેલનમાં ઓદ્યોગિક ક્ષેત્રના અનેકવિધ અગ્રણીઓમાં અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા શ્રી પરિમલ નથવાણી, GMR ગ્રૂપના ચેરમેન શ્રી જી. એમ. રાવ, ઝાયડસ કેડીલાના ચેરમેન શ્રી પંકજભાઈ પટેલ, ટોરન્ટ ગ્રૂપના શ્રી સુધીર મેહતા, સન ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિલીપ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હીરો ઇલેક્ટ્રિક અને હીરો એક્ષ્પોર્ટસના ચેરમેન શ્રી વિજય મુંજાલ પણ ઉપસ્થિત હતા.
આ પણ વાંચો - જ્યાં 60 દિવસ સુધી રોકાયા હતા પૂજ્ય પ્રમુખ સ્વામી, શ્રદ્ધા એવી કે 39 વર્ષથી તે રૂમનું એસી પણ બંધ નથી કર્યુ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.