સિદ્ધારમૈયાનો દાવો: કર્ણાટકમાં પણ ઓપરેશન લોટસ શરૂ, દરેક ધારાસભ્યને 50 કરોડ રૂપિયાની ઓફર
નવી દિલ્હી : કર્ણાટકમાં પણ ભાજપ (BJP) દ્વારા ઓપરેશન લોટસ (Operation Lotus) શરૂ કરવામાં આવ્યું હોવાનો દાવો સિદ્ધારમૈયા (Siddaramaiah) દ્વારા કરવામાં આવ્યો હતો. સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) પછી ઓપરેશન લોટસ અંતર્ગત કર્ણાટકમાં (Karnataka Government) પણ સરકાર પાડવાનો પ્રયાસ ભાજપના (BJP) કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
એક ઇન્ટરવ્યુમાં સિદ્ધારમૈયાએ કર્યો ઘટસ્ફોટ
India Today સાથેના એક ઇન્ટરવ્યુમાં સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે, ભાજપ દ્વારા કોંગ્રેસના અનેક ધારાસભ્યને 50 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. જે ધારાસભ્ય ભાજપમાં જોડાય તેને 50 કરોડ રૂપિયા અથવા તો સજા ભોગવવા માટે તૈયાર રહેવાની ચિમકી પણ અપાઇ રહી હોવાનો ઘટસ્ફોટ સિદ્ધારમૈયાએ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપનો દાવો છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં જો પાર્ટી નબળું પ્રદર્શન કરશે તો કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડીભાંગશે. ભાજપ દ્વારા ગત વર્ષથી જ અમારી સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમારા ધારાસભ્યોને 50 કરોડ રૂપિયાની ઓફર કરવા છતા પણ તેઓ નિષ્ફળ રહ્યા છે.
સિદ્ધારમૈયાએ જો કે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, લોકસભા ચૂંટણી પછી અમારી સરકારને કોઇ તોડી શકે તેમ નથી. અમારા ધારાસભ્યો પાર્ટી છોડીને ક્યાંય નથી જઇ રહ્યા. એક પણ ધારાસભ્ય પાર્ટી છોડશે નહી. અમારી સરકાર ખુબ જ સરળતા અને શાંતિથી આગામી 5 વર્ષ સુધી લોકોની સેવા કરતા રહેશે.
2019 લોકસભા બાદ કોંગ્રેસ સરકાર પડી ભાંગી હતી, 2024 લોકસભા પછી પણ...
2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડી(એસ) ભાજપની વિરુદ્ધ ચૂંટણીમાં ગઠબંધન બનાવીને લડ્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે રેકોર્ડ 25 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસ અને જેડીએસ માત્ર 1-1 સીટ જ જીતી શક્યા હતા. તેના બરોબર એક વર્ષ પહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ અને જદએસે સરકાર બનાવી હતી. કારણ કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનવા છતા પણ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી. 2019 ની લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ જદએસની સરકાર ભાંગી પડી હતી અને ભાજપે સરકાર બનાવી હતી. જેના કારણે એવી અટકળો ફરી લાગી રહી છે કે, 2024 ની લોકસભા ચૂંટણી બાદ પણ કોંગ્રેસ સરકાર પડી ભાંગશે અને ભાજપ ફરી એકવાર સરકાર બનાવશે. કર્ણાટકમાં આગામી 19 એપ્રીલે મતદાન અને 4 જુને પરિણામ જાહેર થશે.