શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મુક્તેશ્વર મહાદેવ ને 50 કિલો ફ્રૂટ નો શણગાર કરવામાં આવ્યો
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલી નદીના કિનારે મુક્તિધામ (સ્મશાન) ખાતે બિરાજમાન વર્ષો જૂના પ્રાચીન મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે 365 દિવસ મહાદેવજી ને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાદેવજીને અલગ અલગ ફ્રુટ તેમજ ફૂલો અને બીલીપત્રનો શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં શિવ ભક્તો આરતી તેમજ દર્શનનો લાભ લે છે. શ્રાવણ મહિનાના દર સોમવારે સવારે ફ્રૂટનો શણગાર કરવામાં આવશે.
16 પ્રકારના ફ્રૂટ નો શણગાર કરવામાં આવ્યો છે
સફરજન, કેળા, દાડમ, ખારેક, સંતરા, ચીકુ, અનાનસ, જામફળ,તરબૂચ, મોસંબી, દ્રાક્ષ, ડ્રેગન ફ્રુટ, કીવી, જરદાલું, સીતાફળ, નાસપતિ સહિત ના અલગ અલગ 16 પ્રકારના અંદાજે 50 કિલો થી પણ વધુ ફ્રુટ નો શણગાર મુક્તેશ્વર મહાદેવજી ને કરવામાં આવ્યો હતો. ફ્રુટ ની સાથે સાથે અલગ અલગ રંગબેરંગી ફૂલોનો અને બીલીપત્રમાં ચંદન થી ૐ નમઃ શિવાય લખી ને શણગાર કરવામાં આવ્યો હતો. શણગારમાં રાખેલા ફ્રૂટને સોમવારે બપોરે દર્શનાર્થે આવતા ભક્તોને પ્રસાદી તરીકે આપવામાં આવશે.
લઘુરુદ્ર માં આવતા બ્રાહ્મણો ને ખર્ચ મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ આપે છે
મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં રોજ સાંજે લઘુરુદ્ર કરવામાં આવે છે. જેમાં મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ તરફ થી બ્રાહ્મણોને દક્ષિણા (ખર્ચ) આપવામાં આવે છે. લઘુરુદ્ર કરનારા ભક્તોને સ્વૈચ્છિક કોઈ દક્ષિણા કે દાન આપવું હોઈ તો આપે શકે છે. કોઈ ફરજિયાત નથી. લઘુરુદ્ર માં બેસનારા ભક્તોનું 6 મહિના અગાઉ બુકીંગ કરી દેવામાં આવે છે.
9 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
તાજેતર માં જ મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રાવણ માસ ના પ્રથમ દિવસે ગોંડલ શહેર માં 5 કિલોમીટર ના રૂટ પર 9 ફૂટ ઊંચી પ્રતિમા ની શિવનગરયાત્રા યોજવામાં આવી હતી. ત્યાર બાદ મુક્તિધામ ખાતે 9 ફૂટ ની ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.