ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આત્મા પ્રોજેક્ટમાં તાલીમ મેળવીને ઝીરો બજેટ ખેતી કરતા લોધિકાના મહિલા ખેડૂત મુક્તાબેન રૈયાણી

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ  એમનું નામ મુક્તાબેન રમેશભાઈ રૈયાણી, નિવાસ લોધિકા ગામ, જિલ્લો રાજકોટ. ખેતીમાં નવું નવું શીખવાનો અને અમલ કરવાનો એમને શોખ અને ધગશ. વર્ષ-૨૦૧૪માં ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા અપાતી કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમની માહિતી મળતાં તેઓ રાજકોટ...
07:45 AM Jul 02, 2023 IST | Vishal Dave

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ 

એમનું નામ મુક્તાબેન રમેશભાઈ રૈયાણી, નિવાસ લોધિકા ગામ, જિલ્લો રાજકોટ. ખેતીમાં નવું નવું શીખવાનો અને અમલ કરવાનો એમને શોખ અને ધગશ. વર્ષ-૨૦૧૪માં ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા અપાતી કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમની માહિતી મળતાં તેઓ રાજકોટ પહોંચી ગયા અને ચાર દિવસની તાલીમ લીધી. એ પછી તો અનેક તાલીમ અને વર્કશોપમાં ભાગ લીધો. આ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને છેલ્લા છ વર્ષ કરતાં વધુ સમયથી ૧૪ વીઘામાં, ઝીરો બજેટવાળી સંપૂર્ણ પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરે છે, સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવે છે. હવે તો મુક્તાબેન રૈયાણી પોતે બીજા ખેડૂતોને “પ્રાકૃતિક, ગાય આધારિત ઝીરો બજેટ ખેતી”ની તાલીમ આપે છે.

કેવી રીતે શરૂ કરી પ્રાકૃતિક ખેતી તે અંગે મુક્તાબેન કહે છે કે, છ-સાત વર્ષ પહેલાં આસપાસના ગામોની બહેનોને “આત્મા પ્રોજેક્ટ” અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમમાં જતી જોઈને હું પણ જોડાઈ હતી. તાલીમ લઈને પહેલા વર્ષે અમે વાડીમાં પાંચ ચાસમાં પ્રાકૃતિક ખેતી કરી. જેના સારા પરિણામ મળતાં બીજા વર્ષે એક વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી. હવે અમે કુલ ૧૪ વીઘામાં પ્રાકૃતિક ખેતી તેમજ ગૌ આધારિત ખેતી કરીએ છીએ. પેસ્ટીસાઇડ્સ કે વિદેશી ખાતર છાંટવાની જરૂર પડતી નથી. આથી કોઈ ખર્ચ થતો નથી, ઝીરો બજેટમાં ખેતી થાય છે, ઉત્પાદન ગુણવત્તાવાળું થાય છે, જમીનની ફળદ્રુપતા પણ સુધરે છે. હાલ તેમણે ખેતરમાં મગફળી અને કપાસ વાવ્યા છે.


પ્રાકૃતિક જંતુનાશકો તથા ખાતર કેવી રીતે બનાવો છો? તે અંગે તેઓ કહે છે કે, સરકારે આપેલી તાલીમ પછી ખાટી છાશ, એરંડી, લિંબોળીનો ખોળ, લીંબોળીનો ક્રશ, બેક્ટેરિયા, વર્મી કમ્પોસ્ટ તથા ગાયના છાણમાંથી બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, પંચગવ્ય, ગૌમૂત્રમાંથી જંતુનાશકો તથા ખાતર બનાવીને ખેતરમાં છાંટીએ છીએ. બેક્ટેરિયા છાંટવાથી ફૂગ થતી નથી. લિંબોળીનો ક્રશ છાંટવાથી જીતજંતુઓ થતા નથી. જમીનની ફળદ્રુપતા પણ સારી રહે છે. ગાયના છાણ તેમજ વર્મી કમ્પોસ્ટથી બનેલા ખાતરથી ઉત્પાદન સારું થાય છે.

 

મુક્તાબેન પાસે બે ગાયો અને બે વાછરડા છે. મુખ્યમંત્રી ગાયનિભાવ ખર્ચ સહાય યોજના અંતર્ગત તેમને હાલમાં જ રૂપિયા ૫૪૦૦ સીધા તેમના બેંક ખાતામાં જ મળ્યા છે. આ અરજી તેમણે પંચાયત મારફત કરી હતી, પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાયનિભાવ સહાય બદલ તેમણે ગુજરાત સરકાર તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

પ્રાકૃતિક તેમજ ગૌ આધારિત ખેતી થકી અમે વર્ષે ચારથી પાંચ લાખ રૂપિયા કમાઈ લઇએ છીએ, તેમ મુક્તાબેનના પતિ રમેશભાઈ રૈયાણીએ જણાવ્યું હતું. મુક્તાબેન હવે પ્રાકૃતિક ખેતીના પ્રચારક (ફાર્મર્સ ફ્રેન્ડ) બની ગયા છે અત્યાર સુધીમાં ૨૫૦ જેટલા ખેડૂતોને તેઓ તાલીમ-માર્ગદર્શન આપી ચૂક્યા છે. પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ભાગ લેવા અને અન્યોને પ્રોત્સાહન આપવા બદલ તેમને ૨૦ જેટલા સન્માન-પ્રમાણપત્ર પણ મળી ચૂક્યા છે.

લોધિકાના એફ.પી.ઓ.માં મહિલા ડિરેક્ટર તરીકે નિમણૂક

મુક્તાબેનની ધગશ અને સફળતા જોઈને રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફ.પી.ઓ.)માં ડિરેક્ટર તરીકે તેમનો સામેથી સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ કહે છે કે, ગુજરાત સરકાર ખેતીમાં નવી નવી શોધ અને પદ્ધતિઓ તેમજ પ્રાકૃતિક ખેતી સહિતની જે કંઈ પણ તાલીમ આપે છે, તે ખૂબ ઉપયોગી છે. આજે પણ મને એવી જાણ થાય કે કોઈ જગ્યાએ તાલીમ અપાય છે. તો હું તુરંત ત્યાં પહોંચી જાઉં છું.

Tags :
Atma ProjectBudgetfarmerfarmingLodhikaMuktaben RaiyanireceivingTrainingwoman
Next Article