Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાતળો થાય તો તને પરણું!

જાડા કે પાતળા હોવું એ તમારી તાસીર, ઉંમર, સ્વભાવથી માંડીને અનેક પરિબળોને આધારિત હોય છે. જો કે, લગ્ન સમયે આ વાતને વધુ ચીવટપૂર્વક જોવામાં આવે છે. આપણે ત્યાં દીકરી જરાપણ હેલ્ધી હોય કે હેવી બોડીની હોય એટલે એને મા-બાપ ટીન એજથી કહેવા માંડે છે કે, તું પાતળી થા, વજન ઉતાર. સગપણ થવામાં સમય લાગશે એવી ચિંતાએ મા-બાપ દીકરી ઉપર વધુ પ્રેશર નાખે છે. પણ આ વખતે વાત ઉલટી છે. એક હેવી બોડીના દીકરા અંગે વાત કરવી
પાતળો થાય તો તને પરણું
જાડા કે પાતળા હોવું એ તમારી તાસીર, ઉંમર, સ્વભાવથી માંડીને અનેક પરિબળોને આધારિત હોય છે. જો કે, લગ્ન સમયે આ વાતને વધુ ચીવટપૂર્વક જોવામાં આવે છે. આપણે ત્યાં દીકરી જરાપણ હેલ્ધી હોય કે હેવી બોડીની હોય એટલે એને મા-બાપ ટીન એજથી કહેવા માંડે છે કે, તું પાતળી થા, વજન ઉતાર. સગપણ થવામાં સમય લાગશે એવી ચિંતાએ મા-બાપ દીકરી ઉપર વધુ પ્રેશર નાખે છે. પણ આ વખતે વાત ઉલટી છે. એક હેવી બોડીના દીકરા અંગે વાત કરવી છે.  
ત્રીસ વર્ષના સનીના લગ્નની વાત ત્રણ વર્ષથી ચાલે છે. ખાણી-પીણીનો શોખીન સની પોતાના વજન અંગે ચિંતીત છે. વજન ઉતારવું જોઈએ એ હકીકત પણ એ સમજે છે. બસ, એ પ્રયત્ન નથી કરતો. થોડાં દિવસો પહેલા એક પરિવારની દીકરીનું માગું આવેલું. બંને બાજુએથી બધું લગભગ ડન હતું. બસ એક જ વાંધો હતો. એ દીકરીએ સનીને કહ્યું કે, થોડું વજન ઓછું કરીશ તો મને ગમશે. આપણે એકબીજાંની સાથે વધુ સારા લાગશું. આ બાબતે એ યુવતીની મમ્મીએ પણ સૂર પૂરાવ્યો. બસ, વાત ત્યાં અટકી ગઈ. સની કહે છે, પાતળો થાઉં તો જ પરણે આવી શરત સાથે થોડાં લગ્ન કરાય?  
માનો કે લગ્ન પછી એ જાડી થઈ ગઈ તો શું હું લગ્ન તોડી નાખવાનો છું? આવો સવાલ કરીને સની કહે છે કે, માનો કે હું પાતળો થઈ ગયો. લગ્ન પછી હું ફરી પાછો હતો એવો ને એવો થઈ જાઉં તો! ચલો જરા ઊંધું ગણિત માંડીએ. લગ્ન પછી સંતાનોનો જન્મ થાય, વર્ષો વીતે એમ હોર્મોનલ ચેન્જિસ આવે શરીરમાં અને એનું વજન વધી ગયું તો?  
વધુ વજન હોય તો છોકરાને ખાસ વાંધો ન આવે એવી વાતમાં માનનારા સનીમાં ક્યાંક આપણાં સમાજની પુરુષપ્રધાન માનસિકતા ડોકાઈ આવે છે. આપણે ત્યાં આમ પણ વહુને સૌથી પહેલાં એના રુપ અને શરીરથી જ આંકવામાં આવે છે. એરેન્જડ મેરેજ હોય ત્યારે તો દેખાવની વાત જ સૌથી ઉપર હોય છે. આપણે ત્યાં આ માનસિકતાને ધ્યાને લઈને જ લગ્ન નક્કી થાય છે. દેખાવ મહત્ત્વનો છે. પણ ફક્ત દેખાવ જ મહત્ત્વનો નથી હોતો. બીજા ગુણો જોવા અને સમજવા એટલા જ જરુરી છે.  
શરીરથી પાતળા હોવું કે જાડા હોવું એ કદાચ વારસાગત હોય શકે. તમારી લાઈફસ્ટાઈલ મુજબ પણ હોય શકે. લગ્ન પછી વજનમાં વધારો થવો એ ભારતીય સ્ત્રીઓ માટે બહુ સહજ અને સ્વીકાર્ય વસ્તુ છે. લગભગ દર દસમાંથી આઠ યુવતીઓ લગ્ન પછી થોડું વેઈટ ગેઈન કરે જ છે. દર વખતે વજનમાં વધારો કે ઘટાડો થવો એ ઘણી વખત જે તે વ્યક્તિના હાથની વાત નથી હોતી. મોટાભાગે વજનમાં વધારો થાય તો ખાણીપીણીનું માપ ન હોવું અને કસરતનો અભાવ જવાબદાર હોય છે.  
લગ્ન માટે વજન ઘટાડવાનો એક જ એંગલ દીકરો હોય કે દીકરી બંને માટે જોખમી છે. વજન વધી જવાથી સ્નેહ ઓછો નથી થતો કે ઘટી જવાથી સ્નેહમાં કંઈ ફરક આવતો. વજન સપ્રમાણ હોવું જરુરી છે. વધુ વજન અનેક બીમારીઓ લાવે છે એ વાત પણ એટલી જ સાચી છે.  
સમસ્યા ત્યાં જ આવે છે કે, વજનની વાત હોય તો સ્ત્રીને વધુ ટારગેટ કરવામાં આવે છે. પુરુષના વધુ વજનને એટલું ગંભીરતાથી લેવામાં નથી આવતું. આપણો ઉછેર અને માનસિકતા આમાં પણ એટલી જ અસર કરે છે. વધુ વજન હશે તો તારા લગ્નમાં પ્રોબ્લેમ આવશે આ વાત દીકરીને એટલી બધી વખત સંભળાવવામાં આવે છે કે, એના મનમાં એક ડર બેસી જાય છે કે, વધુ વજન હશે તો મારાં લગ્ન નહીં થાય. વળી, આ વાત મહદઅંશે સાચી છે એ વાત તો આપણે સ્વીકારવી જ રહી. હકીકત એ છે કે, આપણે આપણી વિચારસરણીમાં થોડો ફેરફાર કરવાની જરુર છે. દીકરો હોય કે દીકરી વધુ વજન યોગ્ય નથી. સાથોસાથ લગ્ન માટે વજન ઓછું કે વધુ હોવું એ એક જ એંગલ કોઈ રીતે વાજબી નથી. જિંદગી અને તબિયતને કોઈ દિવસ કળી નથી શકાયું. કંઈ જ કાયમી નથી હોતું. જેના લહેરાતાં વાળને જોઈને પસંદ કર્યો હોય એ વ્યક્તિને ભવિષ્યમાં માથા પર વાળ જ ન રહે એવું બને. હેન્ડસમ જોયેલો મુરતિયો પતિ બની જાય પછી કદાચ બેડોળ પણ જોવા મળે. જે યુવતીની આંખોને જોઈને પસંદ કરી હોય એને કદાચ આંખોમાં તકલીફ પડે તો એનો ચહેરો કદાચ જોવો ન ગમે એવો પણ બની જાય. જીવનમાં કંઈપણ બની શકે છે એટલે જ કોઈ શરતો સાથે કોઈની સાથે જીવન શરુ કરવું કે ન કરવું એવો સવાલ થાય એ સ્વભાવિક છે. સવાલની સામે સમજણપૂર્વક જવાબ મળતો હોય તો જ સંબંધમાં આગળ વધવું. નહીં તો આખી જિંદગી સમાધાન કર્યાની લાગણી દિલને કોરી ખાશે.
Advertisement
Tags :
Advertisement

.