Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૈં ભી હું નેચર... આવું આપણે ક્યારે સમજશું?

નેચરને - પર્યાવરણને તમે પ્રેમ કરો છો?  આવો સવાલ કોઈને પૂછી તો એનો જવાબ હા જ હશે.  નેચર લવર કહેવડાવવામાં આપણને સૌને ગર્વ થાય છે. ઉઘડતું પ્રભાત અને આથમતી સાંજ જોઈને આપણે પ્રકૃતિના સૌંદર્યમાં ગરકાવ થઈ જઈએ છીએ. પશુ, પક્ષી, હવા, વૃક્ષો, પાણી કે પ્રકૃતિનું કોઈપણ તત્ત્વ લઈ લો. એ આપણને સ્પર્શ્યા વગર નહીં રહે. માણસ આખરે શું છે? આપણે બધાં જ પંચમહાભૂતના બનેલા છીએ. પેલી વાત તો તમે સાંભળી જ હશે, યથા પà
મૈં ભી હું નેચર    આવું આપણે ક્યારે સમજશું
નેચરને - પર્યાવરણને તમે પ્રેમ કરો છો?  
આવો સવાલ કોઈને પૂછી તો એનો જવાબ હા જ હશે.  
નેચર લવર કહેવડાવવામાં આપણને સૌને ગર્વ થાય છે. ઉઘડતું પ્રભાત અને આથમતી સાંજ જોઈને આપણે પ્રકૃતિના સૌંદર્યમાં ગરકાવ થઈ જઈએ છીએ. પશુ, પક્ષી, હવા, વૃક્ષો, પાણી કે પ્રકૃતિનું કોઈપણ તત્ત્વ લઈ લો. એ આપણને સ્પર્શ્યા વગર નહીં રહે. માણસ આખરે શું છે? આપણે બધાં જ પંચમહાભૂતના બનેલા છીએ. પેલી વાત તો તમે સાંભળી જ હશે, યથા પિંડે તથા બ્રહ્માંડે. જે આપણી અંદર છે એ જ આપણી બહાર છે અને જે બહાર છે એ જ અંદર છે. આપણે પ્રકૃતિની વાતો કરીએ છીએ. પ્રકૃતિના ગીતો ગાઈએ છીએ. અને પ્રકૃતિના વખાણ કરીએ છીએ પણ આપણે ક્યારેય એ વિચારીએ છીએ ખરાં કે, આપણે પણ પ્રકૃતિનો જ એક અંશ છીએ.  
આજે પર્યાવરણ દિવસ છે. પર્યાવરણનું નામ પડે એટલે પાંદડાનો લીલો રંગ આપણી આંખોમાં ટાઢક ફેલાવે છે. આખી દુનિયા એ ચિંતા કરે છે કે, હવે પ્રકૃતિનો લીલો રંગ પીળો અને ઝાંખો પડતો જાય છે. ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સો ભરાય છે. એ વિશે ચર્ચા થાય છે કે, આખી દુનિયા પર્યાવરણની ઘોર ખોદવા બેઠી છે. થોડાઘણાં પગલાંઓ લેવાય છે પણ જે રીતનો વ્યય થઈ રહ્યો છે એની સરખામણીમાં ઉપાયો બહુ ઓછા અજમાવાય છે. બીમારી મોટી હોય તો સારવાર પણ ઘનિષ્ઠ કરવી પડતી હોય છે.  આજે આપણે પ્રદૂષિત હવાથી કેટલાં મોત થાય છે એના આંકડાઓ ટાંકીને શુદ્ધ હવાની ચિંતા કરીશું. પીવાનું પાણી કેટલું ઝેરી થઈ ગયું છે તેનો હિસાબ માંડીશું. ઓઝોનના પડની ચિંતા કરીને આયખું કેટલું ટૂંકું થાય છે એની ઉપાધિ કરીશું. સરવાળે એક દિવસ ઉજવીને આપણે મન મનાવી લેશું કે, આપણે પર્યાવરણની ચિંતા કરી લીધી. 
આપણને દોષનો ટોપલો બીજા માથે ઢોળી દેવાની સારી એવી ફાવટ હોય છે. ઉદ્યોગો અને વિકાસને આપણે જવાબદાર ઠેરવશું. આ માત્ર આપણા દેશની વાત નથી. દુનિયાના મોટાભાગના દેશો વિકાસની આંધળી દોટમાં પર્યાવરણનું કચ્ચરઘાણ વાળી રહ્યા છે. તેની સામે ભૂતાન જેવા દેશો પણ છે. જે રિયલ સેન્સમાં કુદરતને પ્રેમ કરે છે અને એનું જતન કરે છે. પર્યાવરણનું ધ્યાન રાખીને આપણે કંઈ પ્રકૃતિ માથે મહેરબાની નથી કરતા. એ છેલ્લે તો આપણાં ભલા માટે જ છે. પ્રકૃતિ તો એનો માર્ગ કરી જ લેવાની છે. પૂર, આગ ઓકતી ગરમી, અતિવૃષ્ટિ, ધરતીકંપ, દુકાળ આ બધું શું છે? થોડોક લાંબો વિચાર કરશો તો એ વાત સમજાશે કે, આપણે જ કરેલાં પાપોનો પૃથ્વી પ્રકોપ કાઢી રહી છે. ગયા વર્ષે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યુનાઈટેડ નેશન્સ કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ યોજાઈ હતી. કોપ 26 તરીકે આખા જગતમાં ઓળખાયેલી આ કોન્ફરન્સમાં આખી દુનિયાના નેતાઓ હાજર રહ્યા હતા. ધરતીનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડવા માટેના ઉપાયો વિચારવામાં આવ્યા હતા. એ નિર્ણયો લાગુ પણ પાડવામાં આવ્યા છે. જોવાનું એ રહે છે કે, તાપમાનમાં કોઈ ફરક પડે છે કે નહીં?  
આપણે બધા એ અનુભવ કરીએ છીએ કે, દરેક ઋતુ હવે એક્સ્ટ્રીમ થઈ રહી છે. હમણાં જે ગરમી આપણે સહુ અનુભવીએ છીએ એ જોઈને વડીલો એવું કહે છે કે, અમે તો આવી ગરમી ક્યારેય ભાળી ન હતી. ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ હોય દરેક વસ્તુ રેકોર્ડ બ્રેક કરી રહી છે. નવી બીમારીઓ આવતી રહે છે. આપણે ટેકનોલોજી સાથે વધુને વધુ ઓતપ્રોત થતા જઈએ છીએ. એરકન્ડિશનથી ઘરની ચાર દિવાલોને ઠંડી રાખીએ છીએ અને બહારના વાતાવરણને વધુ ને વધુ ગરમ કરતા રહીએ છીએ.  
આપણે વારસાની બહુ વાતો કરીએ છીએ. હવે એ પણ વિચાર કરવાની જરુર છે કે, આખરે આપણે આપણી હવે પછીની પેઢી માટે કેવી દુુનિયા છોડતા જવાના છીએ? નેક્સ્ટ જનરેશનનું તો જે થવાનું હશે એ થશે. આપણે તો આપણાં પૂરતાં સ્વાર્થી થઈને પણ પર્યાવરણનું વિચારતા નથી. દર વખતે એવી વાતો થાય છે કે, હજુ સમય છે જાગી જાવ. પણ આપણે બધાં સૂતાં જ રહીએ છીએ. હેપી એન્વાયરમેન્ટ ડેના મેસેજ વોટ્સએપ ઉપર ફોરવર્ડ કરીને આપણે સેલિબ્રેશન કરી લેશું. પણ ખરેખર પર્યાવરણને બચાવવા માટે કંઈ કરશું ખરાં? પર્યાવરણ બચાવવાની જવાબદારી માત્ર સરકાર કે નેચર લવર સંસ્થાઓની જ નથી આપણાં સહુની છે. દરેક વ્યક્તિ જાગશે તો જ પર્યાવરણનું કંઈક ભલું થશે. આપણે આપણાં પૂરતું અજવાળું કરીએ તો જ રોશની થવાની છે. બાકી હજુ ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેજો. કુદરતને છંછેડશો તો એ પરચો બતાવવાની જ છે.
Advertisement
Tags :
Advertisement

.