હોલીવુડ ફિલ્મ ઓપેનહાઇમર પર ભગવત ગીતાનું અપમાન કરવાનો આરોપ, ફિલ્મના ઇન્ટિમેટ સીનમાં ગીતાના શ્લોકનો ઉપયોગ
હોલિવૂડ ફિલ્મ 'ઓપેનહાઇમર'ને ભલે દુનિયાભરમાં પ્રશંસા મળી રહી હોય પરંતુ ભારતમાં એક વિવાદ ઊભો થયો છે. ફિલ્મના એક સીનને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે તેમાં હિંદુ ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.વિખ્યાત હોલિવૂડ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલન દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ 'ઓપેનહેઇમર'ના એક સીનને લઈને વિવાદ ઉભો થયો છે, જેમાં અભિનેતા સિલિયન મર્ફી મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે અને તેણે પવિત્ર હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાનું કથિત રીતે અપમાન કર્યુ હોવાનો આરોપ છે.. જી હા એવો આરોપ છે કે ફિલ્મના એક સેક્સ સીનમાં મર્ફી ગીતાના શ્લોકો વાંચતા વાંચતા ફિલ્મની એકટ્રેસ સાથે ફિઝિકલ થાય છે..
આ સેક્સ સીનથી સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો આવી ગયો છે. ઘણા લોકોએ ફિલ્મમાંથી આ સીન હટાવવાની માંગ કરી છે. જો કે, કેટલાકે નોલાનની કલાત્મક પસંદગીનો બચાવ કર્યો છે. ટ્વિટર પર #BoycottOppenheimer અને #RespectHinduCulture જેવા હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે. ફિલ્મનો વિરોધ કરનારા અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારાઓમાં ભારત સરકારના માહિતી કમિશનર ઉદય માહુરકરનો પણ સમાવેશ થાય છે, જેમણે આ દ્રશ્ય પર સખત નારાજગી વ્યક્ત કરી છે અને તેને ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી છે. માહુરકરે નોલનને ખુલ્લો પત્ર લખ્યો હતો. તેમના પત્રમાં, માહુરકરે આ દ્રશ્યને "હિંદુ ધર્મ પર હુમલો" તરીકે વર્ણવ્યું હતું.
સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના સ્થાપક ઉદય માહુરકરે લખ્યું, ભૌતિક શાસ્ત્રીના જીવન પર બનેલી આ ફિલ્માં આ બિનજરૂરી દ્રશ્ય પાછળની પ્રેરણા અને તર્ક જાણતા નથી પરંતુ તે એક અબજ સહિષ્ણુ હિન્દુઓની ધાર્મિક માન્યતાઓ પર સીધો હુમલો છે." તેમણે નોલાનને વૈશ્વિક સ્તરે આ દ્રશ્ય દૂર કરવા વિનંતી કરી, "તે હિંદુ સમુદાય સામે યુદ્ધ છેડવા સમાન છે અને લગભગ હિંદુ વિરોધી દળો દ્વારા મોટા ષડયંત્રનો ભાગ હોવાનું જણાય છે."
માહુરકરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન પર આવા દ્રશ્ય ધરાવતી ફિલ્મને ક્લિયર કરવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા છે અને નોલનને પવિત્ર હિંદુ ધર્મગ્રંથની ગરિમા જાળવવા વિનંતી કરી છે. અન્ય ઘણા ટ્વિટર યુઝર્સે પણ આ સીન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. જ્યારે કેટલાકે ઓપેનહેઇમરનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે, જ્યારે અન્ય લોકોએ હિંદુ ધર્મને સકારાત્મક અને સચોટ રીતે દર્શાવવામાં તેમની અક્ષમતા માટે હોલીવુડ અને પશ્ચિમની ટીકા કરી છે.
ભારતમાં તેની રિલીઝ પછી, 'ઓપનહેઇમર'ને સારો રિસ્પોન્સ મળ્યો છે.. અને માત્ર બે દિવસમાં બોક્સ ઓફિસ પર રૂ. 30 કરોડનો આંકડો પાર કરી ગયો છે. યુનિવર્સલ પિક્ચર્સ દ્વારા નિર્મિત, આ ફિલ્મમાં રોબર્ટ ડાઉની જુનિયર, એમિલી બ્લન્ટ, મેટ ડેમન, ફ્લોરેન્સ પુગ, કેનેથ બ્રાનાઘ અને રામી મલેક પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અમેરિકન ભૌતિકશાસ્ત્રી જુલિયસ રોબર્ટ ઓપેનહેઇમરની જીવનચરિત્ર પર આધારિત છે.