ઇઝરાયેલના પ્રહાર સામે લાચાર હમાસ, હમાસના કમાન્ડર સહિત 10 લોકોનો ખાત્મો, ગાઝાની 1 મહિલા નેતાનું પણ મોત
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની વાપસી બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલા તેજ કર્યા છે. જેના કારણે હમાસના આતંકવાદીઓ લાચાર જણાઇ રહ્યા છે. . ઈરાનની ઉશ્કેરણી છતાં મુસ્લિમ દેશો હમાસ અને પેલેસ્ટાઈનને મદદ કરવા માટે એક થઈ રહ્યા હોય તેવું લાગતું નથી. ઇઝરાયેલી દળોએ ગુરુવારે સમગ્ર ગાઝામાં સેંકડો લક્ષ્યાંકો પર બોમ્બમારો કર્યો, જેમાં હમાસની આતંકવાદી સુરંગો, ગુપ્તચર માળખાં અને કમાન્ડ સેન્ટરનો સમાવેશ થાય છે. સેનાની કાર્યવાહીમાં હમાસ કમાન્ડર સહિત 10 લોકો માર્યા ગયા હતા. જેમાં આઠ પેલેસ્ટાઈન અને એક ઈઝરાયેલ પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.
હમાસના રાષ્ટ્રીય સુરક્ષા દળોના વડા જેહાદ મહસેન તેમના ઘર પર ઇઝરાયેલના હુમલામાં તેમના પરિવાર સાથે માર્યા ગયા હતા. તે જ સમયે, 64 વર્ષીય જમીલા અલ-શાંતિ, હમાસના રાજકીય નેતૃત્વ માટે ચૂંટાયેલી પ્રથમ મહિલા પણ ઉત્તરી ગાઝામાં અન્ય એક હુમલામાં માર્યા ગયા હતા. હમાસે ઈઝરાયેલી સેના પર તેના નેતાઓની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
ઇઝરાયેલી સેના પશ્ચિમ કાંઠે ઘૂસી, 80 પેલેસ્ટિનિયનની ધરપકડ
ઇઝરાયેલની સેનાએ ગુરુવારે વહેલી સવારે પશ્ચિમ કાંઠામાં પ્રવેશ કર્યો અને મોટાપાયે દરોડા પાડ્યા. 80 થી વધુ પેલેસ્ટિનિયનોની ધરપકડ કરવામાં આવી છે. સેનાના જણાવ્યા અનુસાર બુધવારે રાતભર ચાલેલા દરોડામાં ધરપકડ કરાયેલા 80 શંકાસ્પદોમાંથી 63 હમાસ સાથે જોડાયેલા હતા. સુરક્ષા દળોએ આ વર્ષની શરૂઆતમાં એક ઈઝરાયલી સૈનિકની હત્યા કરનાર આતંકવાદીના ઘરને પણ તોડી પાડ્યું હતું.
ગાઝા બોર્ડર પર સેંકડો ટેન્ક અને સૈનિકો તૈનાત, ગમે ત્યારે હુમલો
ગાઝા પટ્ટી પર જમીની હુમલાની આશંકા વચ્ચે સેંકડો ઈઝરાયેલી ટેન્કને સરહદે તૈનાત કરવામાં આવી છે. આ ટેન્ક અને સૈનિકો સેનાના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યા છે. ઇઝરાયેલી ટેન્કો અને સશસ્ત્ર વાહનો તૈનાત છે, જેનાથી એવું લાગે છે કે ગાઝામાં હમાસ પર જમીની હુમલો ગમે ત્યારે જલ્દી શરૂ થઈ શકે છે. ઇઝરાયલી સુરક્ષા દળોએ UAV (અનમેન્ડ એરિયલ વ્હીકલ)નો ઉપયોગ કરીને આતંકવાદી સેલને નષ્ટ કરવાનો પણ દાવો કર્યો હતો.
હમાસ પાસે 203 લોકો બંધક છેઃ ઈઝરાયેલ સેના
ઈઝરાયેલના જણાવ્યા પ્રમાણે હમાસ પાસે 203 લોકો બંધક છે. ઇઝરાયેલી સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે 203 અટકાયતીઓના પરિવારોને જાણ કરવામાં આવી છે. ઇઝરાયેલમાં હમાસના હુમલામાં 1400થી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધ શરૂ થયું ત્યારથી ગાઝામાં 3,785 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ, બાળકો અને વૃદ્ધો છે. લગભગ 12,500 ઘાયલ થયા છે જ્યારે 1,300 લોકો કાટમાળ નીચે દટાયા છે.
ગાઝામાં લોકો હવે ક્યાંય પણ સુરક્ષિત નથી
ઇઝરાયેલી દળોએ ગુરુવારે વહેલી સવારે દક્ષિણના ભાગો સહિત ગાઝા પટ્ટીમાં અનેક સ્થળો પર હુમલો કર્યો હતો. ખાન યુનિસના દક્ષિણ ગાઝા શહેરમાં એક રહેણાંક મકાન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં હજારો પેલેસ્ટિનિયન આશ્રય શોધી રહ્યા હતા. ગાઝાના દક્ષિણી ભાગને ઈઝરાયેલ દ્વારા સેફ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ હુમલા બાદ આ વિસ્તારમાં ફસાયેલા લગભગ 20 લાખ પેલેસ્ટિનિયનો ડરી ગયા છે. ઈઝરાયેલે પેલેસ્ટાઈનીઓને ઉત્તરી ગાઝા છોડીને દક્ષિણ તરફ જવા માટે કહ્યું તે પછી પણ બુધવારે સમગ્ર વિસ્તારમાં હુમલાઓ ચાલુ રહ્યા. તે જ સમયે, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ પણ ઇઝરાયેલ પર રોકેટ છોડવાનું ચાલુ રાખ્યું હતું.