VADODARA : કચરાની ગાડીમાંથી લીકેજની તપાસમાં નવી જ વાત સામે આવી
VADODARA : વડોદરાના (VADODARA) વહીવટી વોર્ડ નંબર - 13 માં ડોર ટુ ડોર કચરાની ગાડીઓમાંથી પ્રવાહી લીકેજ થતું હોવાના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે અધિકારીને સાથે રાખીને તપાસ કરવા જતા નવી જ વાત સામે આવી હતી. ડોર ટુ ડોર કચરાની કેટલીક ગાડીઓમાં નંબર પ્લેટ ન હોવાનું તથા કેટલાક ડ્રાઇવરો પાસે લાયસન્સ સુદ્ધાં ન હોવાનો આરોપ ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકા દ્વારા લગાડવામાં આવ્યો છે. આ મામલાની જાણ થતા જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા નોટીસ ફટકારવામાં આવી હોવાનું કોર્પોરેટરે ઉમેર્યું હતું.
સોલીડ વેસ્ટની ઓફીસે ગયા
વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓની કામગીરી અંગે અવાર નવાર બુમો ઉઠતી હોય છે. ત્યારે તાજેતરમાં વહીવટી વોર્ડ નં - 13 માં ડોર ટુ ડોર કચરાની ગાડીમાંથી પ્રવાહી લીકેજ થતું હોવાની જાણ કોર્પોરેટર જાગૃતિબેન કાકાને થઇ હતી. જેની સ્થળ ચકાસણી કર્યા બાદ તેઓ અધિકારીને લઇને મુજમહુડા સોલીડ વેસ્ટની ઓફીસે ગયા હતા. ત્યાં જઇને નવી જ વાત તેમના ધ્યાને આવી હતી.
ગંભીર બેદરકારી કોન્ટ્રાક્ટરોની
સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકા જણાવે છે કે, છેલ્લા ત્રણ-ચાર મહીનાથી કચરાની ગાડી ભરીને જાય છે. અંદરથી પાણી લીકેજ થાય છે. વિસ્તારના લોકો છેલ્લા ચાર દિવસથી મને ફોન કરે છે, અને જણાવે છે કે, લોકો સ્લીપ ખાઇને પડી જાય છે. આજે તે તપાસ કરવા માટે હું નિકળી. આજે સવારે ડોર ટુ ડોરની એક ગાડીમાંથી એક છોકરો પડી ગયો, હું સોલીડ વેસ્ટની ઓફીસમાં ગઇ, અને ત્યાંથી અધિકારીને લઇને હું મુજમહુડા ગઇ હતી. ત્યાં આગળ અસંખ્યા ગાડીઓ લાયસન્સ, નંબર પ્લેટ વગરની જોવા મળી હતી. ગંભીર બેદરકારી કોન્ટ્રાક્ટરોની સામે આવી હતી. જે અંગે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું. અને કમિશનર દ્વારા તેમને નોટીસ ફટકારવામાં આવી છે.
ડ્રાઇવરે કહ્યું એટલે આવ્યો
કર્મચારી કમલ જણાવે છે કે, આ કચરાની ગાડી છે. તેને મુજમહુડા પ્લાન્ટમાં ખાલી કરવાનો હતો. મારી પાસે લાયસન્સ છે, પણ તે ઘરે છે. આ ગાડીનો ડ્રાઇવર બીજો છે. હું તો ડ્રાઇવરે કહ્યું એટલે આવ્યો હતો. હું બે વર્ષથી ટ્રક ચલાવું છું.
આ પણ વાંચો -- VADODARA : MSU માં એડમિશનને લઇ વિરોધ દર્શાવવા “લોલીપોપ”નો સહારો