VADODARA : સ્વામીનારાયણ મંદિરના લંપટ સ્વામી સામે તપાસ તેજ
VADODARA : વડોદરા (VADODARA) માં વડતાલ સ્વામીનારાયણ મંદિર (VADTAL SWAMINARAYAN MANDIR) ના તાબા હેઠળ આવતા, વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી સામે ગિફ્ટ આપીને સગીરા પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. જે બાદ લંપટ સંત સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ બાદથી ફરાર લંપટ સંતને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ પોલીસે આરોપી સંત વિદેશ ભાગી ન જાય તે માટે લુક આઉટ નોટીસ ઇશ્યુ કરી હોવાનું પણ સપાટી પર આવ્યું છે.
ફરિયાદ બાદથી ફરાર
વડોદરાના વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામીએ વર્ષ 2016 માં સગીરાને ગિફ્ટ આપવાના બહાને મંદિરના નીચેના ભાગમાં બોલાવાની તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ થોડાક દિવસો પહેલા ભોગ બનનાર પીડિતાએ હિંમત કરીને લંપટ જગત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. શહેરના વાડી પોલીસ મથકમાં લંપટ જગત પાવન સ્વામી સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે, હાલમાં તેઓ વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંત નિવાસમાં આશરો લઇ રહ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પરંતુ ફરિયાદ બાદથી તેઓ ફરાર છે.
વિવિધ ટીમો બનાવી
ફરિયાદ બાદ લંપટ જગત પાવન સ્વામી અંડરગ્રાઉન્ડ થયા છે. આરોપી સંત સુધી પહોંચવા માટે પોલીસે મોબાઇલના સીડીઆર રેકોર્ડ મંગાવ્યા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. તાજેતરમાં એફ.એસ.એલ. એક્સપર્ટની હાજરીમાં પોલીસે ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું. તો બીજી તરફ પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. ફરાર સ્વામીને પકડી પાડવા માટે એસીપી જી ડી પલસાણાના નેતૃત્વમાં વિવિધ ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સંતો અને ટ્રસ્ટીઓ ગાયબ
આ મામાલે ભોગ બનનાર પીડિતાનું કોર્ટ સમક્ષ સીઆરપીસી 164 મુજબનું નીવેદન લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ટુંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. લંપટ સ્વામી વિદેશ ન ભાગી જાય તે માટે લુક આઉટ નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે. વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામીની પાપલીલાનો ભાંડો ફૂટ્યા બાદથી મંદિરના સંતો અને ટ્રસ્ટીઓ ગાયબ બન્યા છે. તો બીજી તરફ હરીભક્તોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
આ પણ વાંચો -- VADTAL : વડતાલના વધુ એક સંતની ગંદી કરતુત સામે આવી