VADODARA : વાહનચોરીની આશંકાએ યુવકને હાથ બાંધી માર મરાયો
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં વાહનચોરીની આશંકાએ સ્થાનિકોએ યુવકને માર મારીને પોલીસને સોંપ્યો હોવાની ઘટના સામે આવી છે. વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીની ઘટનાઓ સામે આવતા સ્થાનિકો સતર્ક બન્યા હતા. અને વોચ ગોઠવી હતી. જેમાં એક શંકાસ્પદ યુવક મળી આવતા તેને પકડી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. અને બાદમાં તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.
રહીશો જાતે જ સતર્ક
શહેરના ગોત્રી હરીનગર વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા હોવાની બુમો ઉઠવા પામી છે. વિસ્તારના નારાયણપુરા, બી. વી. નગરમાં વિતેલા એક સપ્તાહમાં ચોરીની ઘટનાઓ સામે આવી હતી. જેને લઇને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ઘટનાઓને પગલે રહીશોએ જાતે જ સતર્ક રહીનો વોચ ગોઠવી હતી. તેવામાં તાજેતરમાં એક શંકાસ્પદ હીલચાલ સાથે યુવક મળી આવ્યો હતો. તે વાહનચોરી માટે આવ્યાની આશંકા જતા સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો. અને બાદમાં તેના હાથ બાંધી બંદી બનાવીને ઘેરીવળી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. ચોરને મેથીપાક ચખાડવા જતા નાગરિકોએ કાયદો પોતાના હાથમાં લીધો હતો.
પોતાનો રોષ ઠાલવ્યો
વાહન ચોરીની આશંકાએ યુવકને ઢોર માર માર્યા બાદ તેને અકોટા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો. યુવકને માર મારવામાં આવતા તેને ઇજાઓ પહોંચી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનાના વીડિયો હાલ સપાટી પર આવ્યા છે. જેમાં લોકો શંકાસ્પદ યુવક પર પોતાનો રોષ ઠાલવી રહ્યા હોય તેવું જણાઇ આવે છે. હવે પોલીસ તપાસમાં આ મામલે શું સામે આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : બોગસ પાવતી કૌભાંડમાં VMC કર્મી સામે પોલીસ ફરિયાદ