VADODARA : SOG ની રેડમાં શંકાસ્પદ માંસનો મોટો જથ્થો મળી આવ્યો
VADODARA : વડોદરા (VADODARA) ના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં એસઓજી પોલીસ (VADODARA POLICE - SOG) દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી છે. આ રેડમાં એસઓજી (SPECIAL OPERATION GROUP - VADODARA) ના જવાનોને મોટી સંખ્યામાં શંકાસ્પદ માંસનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ રેડમાં માંસનો જથ્થો મેળવીને તે કયા વંશનું છે, તે જાણવા માટે એફએસએલ લેબોરેટરીમાં મોકલવામાં આવનાર છે. આ જથ્થો ગો માંસનો હોઇ શકે તેવી વિસ્તારમાં પ્રબળ લોકચર્ચા ચાલવા પામી છે. એસઓજી પોલીસ દ્વારા અંદાજીત 100 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
જથ્થો ગૌ માંસનો હોવાની પ્રબળ લોકચર્ચા
વડોદરાના નવાવાર્ડ વિસ્તારમાં આવેલી રસુલજીની ચાલીમાં આજે સવારે એસઓજી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે. એસઓજીના જવાનો દ્વારા કરવામાં આવેલી રેડમાં ઘરમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ માંસ મળી આવ્યું છે. નવાયાર્ડ વિસ્તારમાં ઢાળ ઉતરતા જ રેલવેની દિવાલની બીજી તરફની બાજુમાં આવેલા ઘરમાં રેડ કરી છે. જેમાં મોટી માત્રામાં શંકાસ્પદ માંસ મળી આવ્યું છે. આ માંસનો જથ્થો ગૌ માંસનો હોવાની પ્રબળ લોકચર્ચા છે. જો કે, એસઓજી દ્વારા માંસના જથ્થાના સેમ્પલને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવનાર છે. જેમાં જે કંઇ હશે, તે સ્પષ્ટ થઇ જશે. આ મામલે ઇરફાન કુરેશી અને ફારૂક કુરેશીની અટકાયત કરવામાં આવી છે. અને સાથે જ આ શંકાસ્પદ માંસનું બોરસદ કનેક્શન ખુલ્યું હોવાનું સપાટી પર આવ્યું છે.
પાલિકા અને પોલીસની સરાહનીય કામગીરી
આ અંગે જીવદયાપ્રેમી નેહાબેન પટેલ જણાવે છે કે, મારી પાસે માહિતી હતી. જે અંગે મેં એસઓજી પીઆઇને જાણ કરી હતી. ત્યાર બાદ તાત્કાલીક સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હજી માંસ શંકાસ્પદ છે, ગૌ માંસ છે કે કેમ તે કહી શકાય નહી. એફએસએલના રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે. આ ગેરકાયદેસર કતલખાનું છે. વરસાદમાં લોહીના ખાબોચીયા પણ ભરાયા છે. રોગચાળો પણ ફાટી નિકળી શકે છે. અહીંયાની 8 દુકાનોને પાલિકા દ્વારા અગાઉ સીલ કરવામાં આવી હતી. જ્યારે પણ વડોદરામાં આવી કોઇ ઘટના સામે આવે તો પાલિકા અને પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવે છે.
અન્ય રેડમાં બે હાથીદાંત જપ્ત
એસઓજી દ્વારા કરવામાં આવેલી બીજી રેડમાં બે હાથીદાંત પકડી પાડવામાં આવ્યા છે. એસઓજી દ્વારા વન વિભાગના અધિકારીઓને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. જેમાં બે હાથીદાંત પકડી પાડવામાં આવ્યા છે. અને એક ઇસમની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ રેડ અંગે વધુ માહિતી હાલ તબક્કે પ્રાપ્ત થઇ શકી નથી.
આ પણ વાંચો -- VADODARA : પારૂલ યુનિ.ના રેક્ટરે રૂ. 31.90 લાખનો ચુનો ચોપડ્યો