VADODARA : સાવલીમાં લોકમેળાની રાઇડ ક્ષતિગ્રસ્ત થતા ભય ફેલાયો
VADODARA - SAVLI : સાવલી (VADODARA - SAVLI) ના પોઇચા ચોકડી ખાતે આવેલ ભાટિયા મેદાનના લોકમેળામાં લાગેલ ચકડોળની પ્લેટ તૂટતા ભારે દોડધામ અને ગભરાહટના દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં તાત્કાલિક તમામ રાઈડ બંધ કરી દેવામાં આવી હતી.
વિવિધ રાઇડ્સ લગાવવામાં આવી
સાવલીના પોઇચા ચોકડી વિસ્તાર ખાતે આવેલ ભાટીયા મેદાનમાં છેલ્લા 20 દિવસથી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી જગ્યામાં નગરજનોના મનોરંજન અર્થે વિવિધ પ્રકારના ચકડોળની રાઇડ રાખવામાં આવી હતી. જેમાં બ્રેકડાન્સ , ઝૂલો, રેલગાડી, નાવડી, પ્લેન, ડ્રેગન, સહિતની વિવિધ રાઇડ્સ લગાવવામાં આવી હતી અને વેકેશન હોવાથી ખાસ કરીને બાળકોનો વધુ ઘસારો આ આનંદ મેળામાં રહે હતો.
એલ્યુમિનીયમની ચાદર ઘસી પડી
તેવામાં બ્રેક ડાન્સ નામની ચકડોળ લોખંડની ચેનલો પર ફીટ થાય છે. અને તેના પર એલ્યુમીનીયમ ચાદર હોય છે, અને તેની ઉપર ફાયબર ની સીટો ફીટ થાય છે. જેમાં લોકો ને બેસાડવાના હોય છે. અને આ આખી રાઈડ મોટરથી લાગેલા ટાયર વડે ધરી ફરતી હોય છે. તેમાં લોખંડની ચેનલ તૂટતા રાઇડ ક્ષતીગ્રસ્ત થઇ હતી. ટાયર ફાટી જવાના કારણે એલ્યુમિનીયમની ચાદર ઘસી પડી હતી. અને સંતુલન ખોરવાયું હતું.
મોટી દુર્ઘટના થતા અટકી ગઈ
રાત્રીના સમયની ઘટનામાં આવી ખામી સર્જાઈ હતી. પરંતુ સદનસીબે કોઈ જાન હાનિ કે કોઈ ઇજાગ્રસ્ત થયું ન્હતું. જોકે બ્રેક ડાન્સ રાઈડને નુકશાન થતા સમગ્ર ચકડોળ બંધ કરી દેવામાં આવી હતી. ભારે ગભરાહટ અને દોડધામ ના દ્રશ્યો સર્જાયા હતા અને મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. આનંદ મેળામાં લાગેલ તમામ રાઈડ્સની યોગ્ય ચકાસણી અને ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરીને ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લેખિત શરતોને આધીન પરમિશન આપી
આ અંગે ચીફ ઓફિસર કૃણાલ પટેલે જણાવ્યું કે, ભાટિયા ગ્રાઉન્ડ ખાનગી માલિકીનું છે. આનંદ મેળા અને તેની ચકડોળ તેમજ સેફટીનું નિરીક્ષણ સાથે તમામ પ્રકારની જવાબદારી સંચાલકની રહેશે તેવી લેખિત શરતોને આધીન પરમિશન આપી હતી. અને તમામ જોખમી ચકડોળની જાળવણી અને અને જવાબદારી સંચાલકની જ હતી.
આ પણ વાંચો -- BJP : રજૂઆત કરો પણ લેટર વાયરલ……!