VADODARA : કારેલીબાગ આવાસ યોજનાના મકાનોની ફાયર NOC શંકાના દાયરામાં
VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પીએમ આવાસ યોજનાના મકાનોને આપવામાં આવેલી ફાયર એનઓસી શંકાના દાયરામાં હોય તેવી વાત સામે આવી છે. જાગૃત નાગરિક દ્વારા આ અંગે અગાઉ અનેક વખત વિભાગમાં રજુઆત કરી હતી. પરંતુ કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવતા આખરે તેમણે સ્થાનિક પોલીસ મથકમાં આ અંગેની અરજી સ્વરૂપે ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે આ મામલે આગલ શું થાય છે તે જોવું રહ્યું.
અલગ પ્રકારની શંકા
રાજકોટના અગ્નિકાંડમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. જે બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઇને તપાસ કરવામાં આવી રહી છે. ગેમઝોન, મોલ, હોસ્પિટલ, શાળાઓ તમામ સ્થળોએ ચકાસણી કરવા માટે ફાયર તંત્ર કામે લાગ્યું છે. તેવામાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પીએમ આવાસના મકાનોને આપવામાં આવેલી ફાયર એનઓસીને લઇને અલગ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્કથી અંદર તરફ જતા રસ્તે આવેલા સ્કાય હાર્મોની - પીએમ આવાસ યોજનાના મકાનોમાં આપવામાં આવેલી ફાયર એનઓસી શંકાના દાયરામાં હોય તેવો અવાજ જાગૃત નાગરિક હિતેષ સાંગઠિયાએ ઉઠાવ્યો છે. અગાઉ તેમણે એફોર્ડેબલ હાઉસીંગ વિભાગના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવતા તેમણે સ્થાનિક પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે.
અમુક સાધનો વર્ષ 2017 માં નાંખ્યા
જાગૃત જાગરિક હિતેષ સાંગઠિયા આરોપ મુકતા જણાવે છે કે, 2017 માં આ મકાનો બન્યા હતા. તે સમયે ફાયર સિસ્ટમ બંધ હોવાનું ઉચ્ચ અધિકારીઓના ધ્યાને લાવવામાં આવ્યું હતું. તાજેતરમાં બોટકાંડ બાદ તાત્કાલિક અસરથી અમારી ત્યાં ફાયર સિસ્ટમ નાંખવામાં આવી હતી. અહિંયા મુકવામાં આવેલા સાધનો ચાલે છે કે નહિ તે કોઇ જાણતું નથી. પાઇપો દર માળે નાંખવાની જગ્યાએ એક એક માળ છોડીને નાંખવામાં આવી છે. અમુક સાધનો વર્ષ 2017 માં નાંખ્યા હતા. જે આજદિન સુધી બદલવામાં આવ્યા નથી. જો ભયંકર આગ લાગવાની ઘટના થાય તો તક્ષશીલા કાંડ જેવી સ્થિતી સર્જાઇ શકે છે. વર્ષ 2023 માં એફોર્ડેબલ હાઉસીંગમાં આ અંગેની અરજી કરવામાં આવી હતી. માત્ર એક જ શખ્સને આગ સામે કામગીરી કરવા માટેની ટ્રેઇનીંગ આપવામાં આવી છે.
કેમ ફાયર એનઓસી આપવામાં આવી !
વધુમાં આરોપ મુકતા તેઓ જણાવે છે કે, જો કોઇ આગની ઘટના સામે આવે તો તેની જવાબદારીમાંથી કોઇ છટકી ન જાય તે માટે જાણવાજોગ ફરિયાદ આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, સિસ્ટમ લગાડવામાં આવી છે. પણ તે કાર્યરત નથી, છતાં કેમ ફાયર એનઓસી આપવામાં આવી ! આ એનઓસી લોકોના જીવ જોખમમાં ઉભી શકે તેમ છે. જો કે, ફાયર સુત્રો જણાવી રહ્યા છે કે, આ અંગે જે તે સમયે વિડીયોગ્રાફી કરીને એનઓસી આપવામાં આવી હતી. તે સમયે સ્થાનિકોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -- RAJKOT FIRE : રાજકોટ અગ્નિકાંડ કાંડમાં હવે ગેમઝોનની જગ્યાના માલિકની કરાઇ ધરપકડ