VADODARA : વરસાદ ટાણે તળાવમાં ફીણ દેખાયુ, કેમિકલના નિકાલની આશંકા
VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં વડોદરામાં વરસાદ વચ્ચે ગોત્રી તળાવમાં શંકાસ્પદ ફીણ જોવા મળી રહ્યું છે. આ ફીણ ઉડવાના કારણે આપસાસના લોકો પરેશાન થયા છે. સાથે જ વરસાદ સમયે કેમિકલના નિકાલની આશંકા સેવાઇ રહી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર ઉમંદ બ્રહ્મભટ્ટ સ્થળ પર પહોંચ્યા છે. અને આ મામલાની તપાસ કરીને દોષીતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફીણ ઉડતા આસપાસના લોકો પરેશાન
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં પણ વરસાદની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. તેવામાં કેમિકલ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલનો નિકાલ કર્યાની આશંકા પ્રબળ કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના ગોત્રી તળાવમાં શંકાસ્પદ સફેદ કલરનું ફીણ જોવા મળી રહ્યું છે. આ ફીણ ઉડતા આસપાસના લોકો પરેશાન થઇ રહ્યા છે. લોકોની સમસ્યા જાણીને તાત્કાલીક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ દોડી આવ્યા છે. અને આ મામલે ઉંડી તપાસ બાદ કડક કાર્યવાહીની માંગ કરી છે. જો આવા તત્વોને શરૂઆતમાં જ નહી ડામવામાં આવે તો આખુ ચોમાસુ આ પ્રકારની સમસ્યા ભોગવવી પડશે, તેવી સ્થાનિકોમાં લોકચર્ચા છે.
તપાસ કરવા માટે તંત્રને જાણ
ભાજપના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, અવાર-નવાર કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી કે, ઉંડેરા-લક્ષ્મીપુરા તરફથી જે કાંસ આવે છે, તેમાં કેમિકલ યુક્ત પાણી આવતું હોય છે, તેવી ફરિયાદો ઉઠે છે. વરસાદ પડી રહ્યો છે ત્યારે ગોત્રી તળાવમાં તે પાણી આવે છે. તો ગોત્રી તળાવમાં ફીણ થઇ રહ્યું છે. જે સ્થળ પર ઉડી રહ્યું છે. જેને લઇને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. વોર્ડના અધિકારીઓને આ અંગેની જાણ કરી છે, અને સફાઇ કરવા તાકીદ કરવામાં આવી છે. આગળ કોઇ કેમિકલના પાણી છોડવામાં આવતા હોય તો તેની તપાસ કરવા માટે પણ તંત્રને જાણ કરી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. દોષી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે.
આ પણ વાંચો -- Rajkot : 150 ફૂટ રિંગરોડ, રૈયા રોડ, અંડર બ્રિજ પાણીમાં ગરકાવ, માધાપરમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ