VADODARA : પહેલા વરસાદમાં જ અંડરપાસમાંથી નાવડી લઇને જવું પડે તેવી સ્થિતી
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા ડભોઇ (DABHOI) માં તંત્ર દ્વારા કાયાવરોહણ અંડરપાસ (UNDER PASS) બનાવવામાં આવ્યો છે. આ અંડર પાસમાં પહેલા વરસાદમાં જ પાણી ભરાઇ જતા તંત્ર નાપાસ થયું હોવાની સાબિતી મળી છે. અગાઉ ગ્રામજનો દ્વારા ઓવર બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી, જેની સામે તંત્ર દ્વારા અંડર પાસની ભેંટ આપવામાં આવી હતી. 60 - 100 જેટલા ગામોને જોડતા અંડર પાસની સ્થિતી પહેલા વરસાદમાં જ પાણી ભરાતા વાહન જઇ ન શકે તેવી થઇ ગઇ છે. ચોમાસામાં અહીંયા રહેતા લોકોની હાલત કેવી થશે તેનો અંદાજો લગાડવો જ મુશ્કેલ છે.
વાતો સમય જતા હકીકતમાં પરિણમી ન્હતી
વડોદરા પાસે આવેલા ડભોઇમાં સૌથી મોટા ગામોમાં કાયાવરોહણનો સમાવેશ થાય છે. કાયાવરોહણમાં રેલવે તંત્ર દ્વારા ઓવર બ્રિજની માંગણી સામે અંડર પાસ તૈયાર કર્યો છે. આ અંડર પાસ તૈયાર કરવામાં આવ્યો ત્યારે જ ચોમાસામાં પાણી ભરાઇ જવાની શક્યતાઓ અંગે ગ્રામજનોએ રેલવે તંત્રને સ્પષ્ટ સવાલો પુછ્યા હતા. જે તે સમયે રેલવે તંત્ર દ્વારા સંપ બનાવી પાણીનો નિકાલ કરવામાં આવશે, તથા શેડ બનાવવામાં આવશે, જેથી પાણી ઓછું ભરાશે, તેવી વાતો કરી હતી. જો કે, આ વાતો સમય જતા હકીકતમાં પરિણમી ન્હતી. જેને લઇને આજે ગ્રામજનોએ ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના મતે આ અંડરપાસ 60 - 100 ગામોને જોડે છે. વડોદરાથી સીધો જતો રસ્તો રાજપાયડી કનેક્ટ થાય તેવું તંત્રનું આયોજન છે.
પાણી કાઢવા માટે પંપ મુકવામાં આવ્યા
જો કે, હવે ગતરોજ વરસેલા પહેલા વરસાદમાં જ આ અંડર પાસમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. જેને લઇને વાહન ચાલકો હિંમત કરીને અંડર પાસ સુધી તો પહોંચે છે, પરંતુ આગળ જવાની હિંમત કરી શકતા નથી. અને વળાંક લઇ લે છે. અંડર પાસમાંથી પાણી કાઢવા માટે પંપ મુકવામાં આવ્યા છે. પરંતુ તેના થકી કામરીરી અસરકારક નહી હોવાનો ગ્રામજનોનો મત છે. ટુ વ્હીલર ચાલકો પગદંડી જેવા રસ્તા પરથી પસાર થઇ શકે છે. કાર ચાલકો અથવા થ્રી વ્હીલર વાહન ચાલકો માટે પસાર થવું કપરી પરીક્ષા સમાન છે.
નાવડીની વ્યવસ્થાનો ઇંતેજાર
આ સ્થિતી પહેલા વરસાદમાં સર્જાઇ છે. તો આવનાર ચોમાસામાં અહિંયાના લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી અંદાજો લગાડવો જ મુશ્કેલ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પૂર્ણ કરવામાં નહી આવતા, તથા સ્થાનિકોની માંગ અવગણીને અંડર પાસની ભેંટ ચોમાસામાં મુશ્કેલીનું કારણ બન્યું હોવાનું સ્થાનિકો અનુભવી રહ્યા છે. હવે ચોમાસામાં નાવડીની વ્યવસ્થા થઇ જાય તો અંડર પાસમાંથી પસાર થઇ શકાય, તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે રેલીંગ તોડી કારનું “શીર્ષાસન”