VADODARA : પાલિકાના પ્લોટ પર સાંસદ યુસુફ પઠાણનું દબાણ !
VADODARA : વડોદરાના ક્રિકેટર અને હાલ તૃણમુલ કોંગ્રેસના બહેરામપુર બેઠક પરથી લોકસભાના સાંસદ યુસુફ પઠાણ (CRICKETER AND MP YUSUF PATHAN) દ્વારા પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવ્યું હોવાના આરોપસર ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે મામલો ઉજાગર કર્યો છે. અને યુસુફ પઠાણને અગાઉ આપવાના પ્લોટની ફાળવણી સરકાર દ્વારા નામંજુર કર્યા બાદ તેના પર તબેલા અને દિવાલનું દબાણ હોવાનું સપાટી પર લાવ્યા છે. અને આ અંગે કાર્યવાહી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પત્ર લખવામાં આવ્યો છે.
દરખાસ્ત તૈયાર કરવામાં આવી
તાંજલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા પાલિકાની માલિકીના પ્લોટ નં - 90 માં સાંસદ યુસુફ પઠાણ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા લગાડવામાં આવ્યા છે. પાલિકાના પ્લોટની બાજુમાં આવેલા પ્લોટ પર યુસુફ પઠાણે આલીશાન બંગ્લો બનાવવાનું નક્કી કર્યું હતું. જે માટે તેણે પ્લોટ નં - 90 ની માંગણી કરી હતી. જે બાદ તત્કાલીન પાલિકા સત્તાધીશો દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેમાં દમીનની ફાળવણી કરવા, સરકારમાંથી મંજૂરી મેળવવા તથા 99 વર્ષના ભાડા પટ્ટેથી ફાળવણી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણ હતી.
ફાળવણી અંગે મનાઇ
આ દરખાસ્તને સ્થાયી સમિતિમાં રજૂ કરતા માર્ચ - 2012 માં મંજુરી મળી હતી. બાદમાં સભામાં તેને મંજુર કરવામાં આવી હતી. જો કે, દરખાસ્ત આગળ જતા રાજ્ય સરકાર દ્વારા યુસુફ પઠાણને પ્લોટની ફાળવણી અંગે મનાઇ ફરમાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેણે કમ્પાઉન્ડ વોલ ચણી દીધી હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા લગાડવામાં આવ્યો છે. તેમણે સ્થાયી સમિતિના ચેરમેનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આજે પણ યુસુફ પઠાણ પાલિકાની જમીનનો ઉપયોગ કરી રહ્યો છે. અહિં બગીચો અને તબેલો બનાવ્યો છે. જેથી આ જમીન ખુલ્લી કરાવીને પાલિકા હસ્તગત લેવામાં આવે તેવી માંગ છે.
આ પણ વાંચો -- VADODARA : સુપમાંથી ગરોળી નિકળતા ગ્રાહકને ધ્રાસ્કો પડ્યો