VADODARA : BJP કોર્પોરેટરના ભાઇને ધમકી, "રૂ. 1 કરોડ તૈયાર રખના, નહી તો...."
VADODARA : વડોદરામાં ભાજપના કોર્પોરેટરના (VADODARA BJP CORPORATOR) ભાઇને ટેલિફોનીક ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારે જણાવ્યું કે, એક કરોડ રૂપિયે તૈયાર રખના નહી તો આપ કા પુરા કામ તમામ કર દુંગા, ઔર વિક્રમ કા કામ તમામ હો જાયેગા. જો બાત હુઇ હૈ વો બાત રખ લે, ઔર જો બોલા હૈ વો કર વરના બુરા હાલ હોગા, ઔર ઘરસે અર્થીયાં ઉઠેંગી, ફોન રેકોર્ડ કરના હૈ તો કર લેના. આખરે તેમણે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફોન નંબરના આધારે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કામ તમામ કર દુંગા
વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં સીતારામસિંહ નારણસિંહ રાજપુરોહિત (રહે. મંગલતીર્થ સોસાયટી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ અભિલાષા ચોકડી પાસે ફરસાણની દુકાન ધરાવે છે. 12, જુનના રોજ સાંજે તે ઘરેથી નિકળીને દુકાને જઇ રહ્યા હોય છે. તેવામાં તેમને ફોન આવે છે. ફોન કરનાર જણાવે છે કે, સીતારામજી બોલ રહે હો, તેઓ હા પાડે છે. સામેવાળો કહે છે કે, એક કરોડ રૂપિયે તૈયાર રખના નહી તો આપ કા પુરા કામ તમામ કર દુંગા, ઔર વિક્રમ કા કામ તમામ હો જાયેગા, તેવી ધમકી આપે છે. તેમને કોઇ ફ્રોડ કોલ લાગતા તેઓ કાપી નાંખે છે. બાદમાં તે નંબર પરથી વારંવાર ફોન અને એસએમએસ આવે છે. જેમાં એક ફોન તેઓ ઉપાડે છે. સામેવાળી વ્યક્તિ જણાવે છે કે, પૈસૌ કા ઇંતજામ કર દો, વરના ખુનદી નદીયાં બહા દુંગા, અને ફોન કટ કરી નાંખે છે.
ઘરસે અર્થીયાં ઉઠેંગી
બાદમાં માહિતી મેળવતા જાણ્યું કે, દુકાનમાં અગાઉ રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઇ (રહે. જોધપુર - રાજસ્થાન) નું વર્તન બરાબર ન હોવાથી તેને છુટ્ટો કરી દેવામાં આવ્યો છે. જે આવી પ્રવૃત્તિ કરી શકે તેવો તેના પર વહેમ છે. 14, જુનના રોજ રાત્રે ફરીથી તેમના પર ફોન આવે છે. સામેવાળો વ્યક્તિ જણાવે છે કે, સીતારામજી બોલ રહે હો, સીતારામજી સે બાત કરાઓ, જો બાત હુઇ હૈ વો બાત રખ લે, ઔર જો બોલા હૈ વો કર વરના બુરા હાલ હોગા, ઔર ઘરસે અર્થીયાં ઉઠેંગી, ફોન રેકોર્ડ કરના હૈ તો કર લેના. આ ઘટના બાદ તેઓ ડરી ગયા હતા. અને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઇ
ઉપરોક્ત ઘટનામાં ફરિયાદી સીતારામસિંહ રાજપુરોહિત, ભાજપના વોર્ડ નં - 2 ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઇ થાય છે. અત્રે નોંધનીય છે કે, ગઇ કાલે વડોદરાની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર અર્ચના મકવાણાને ધમકી મળતા તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સિક્યોરીટી આપવામાં આવી છે. ત્યાર બાદ વડોદરામાં વધુ એક વખત ધમકી મળી હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો -- VADODARA : ડૂપ્લીકેટ પાવતીઓ થકી રૂ. 1.36 કરોડની ઉચાપત