VADODARA : ભયંકર ગરમી વચ્ચે AC વગર બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ
VADODARA : વડોદરા (VADODARA) માં ગરમીને લઇને ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે વાઘોડિયા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં એસી વગર બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ છે. ગરમી અને ભારે બફારા વચ્ચે ખેલાડીઓ ટુર્મામેન્ટ રમી રહ્યા છે. હજી એક-બે દિવસ આ સ્પર્ધા ચાલનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને તંત્રની બેદરકારી ખુલી પડવા પામી છે. અને શહેર બહારથી આવતા લોકો અસુવિધા અને તંત્રના અણઆવડતનો ભોગ બન્યા છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રજુઆત બાદ પણ લોકોની મુશ્કેલીમાં કોઇ ખાસ ફરક પડ્યો નથી.
ખેલાડીઓ દુર દુરથી વડોદરા આવ્યા
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે વાઘોડિયા સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં તેનું સંચાલન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં અહિંયા ખેલમહાકુંભ અંતર્ગતની સ્ટેટ લેવલની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ખેલાડીઓ દુર દુરથી વડોદરા આવ્યા છે. જો કે, સ્પર્ધકો અને તેમના વાલીઓને અહિંયાનો માઠો અનુભવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાલીઓને રોષ ફાટી નિકળ્યો
સુત્રો જણાવી રહ્યા છે કે, વાઘોડિયા સ્પોર્ટસ કોમ્પલેક્ષના એસી બંધ હાલતમાં છે. રેકોર્ડ તોડ ગરમી વચ્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ખેલાડીઓ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. બેડમિન્ટન ખેલાડીઓ ગરમી અને બફારાની વચ્ચે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે મથી રહ્યા છે. તો બીજી તરફ સત્તાધીશો સામે વાલીઓને રોષ ફાટી નિકળ્યો છે. જ્યારે તેઓ એસી બંધ હોવાનું જાણતા હતા, છતાં આ સ્થળે કેમ સ્પર્ધા યોજી તેવા અનેક અણિયારા સવાલો સત્તાધીશોને પુછવામાં આવી રહ્યા છે. પરંતુ તેમની પાસે કોઇ જવાબ નથી.
એક સપ્તાહ જેટલો સમય
સુત્રોએ જણાવ્યું કે, આવનાર એક-બે દિવસ સુધી આ સ્પર્ધા ચાલનાર છે. રાજ્યના 26 જિલ્લાઓમાંથી 200 જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છે. સુત્રોએ ઉમેર્યું કે, સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં એસી તો લગાડવામાં આવ્યા છે. પરંતુ રીપેરીંગ કાર્ય બાકી છે. જેને લઇને એક સપ્તાહ જેટલા સમયમાં તે ચાલુ થઇ શકશે. જો કે, તે પહેલા તો બેડમિન્ટન સ્પર્ધા આટોપી લેવામાં આવનાર છે. વડોદરામાં બહારથી આવતા લોકો સારી છાપ લઇને જાય તે માટે તંત્રએ વધુ મહેનત કરવી પડશે.
આ પણ વાંચો -- VADODARA : પાઠ્યપુસ્તકોની જગ્યાએ દિકરીએ પ્રેમીમાં મન પરોવ્યું