Rajkot : જાણીતી વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ, દર્દીના પરિવારના ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો
રાજકોટની (Rajkot) નામાંકિત અને જાણીતી વોકહાર્ટ હોસ્પિટલ (Wockhardt Hospital) ગંભીર વિવાદમાં સપડાઈ છે. 26 વર્ષીય મહિલા દર્દીના પરિવારે હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. દર્દીના પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલમાં ગાદીનું ઓપરેશન કરાવાયું હતું પરંતુ, જ્યારે રિપોર્ટ કરાવ્યા તો ઓપરેશન નથી થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે હોસ્પિટલને રજૂઆત કરતા હોસ્પિટલના સંચાલકોએ દર્દીના પરિવારને રૂપિયા પરત આપવાની વાત કરી હતી. તબીબની ભૂલના કારણે જુવાન દીકરીને ચાલવા અને બેસવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. દીકરીની જિંદગી બરબાદ કરી હોવાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલ તંત્રે આ આરોપોને ફગાવ્યા છે.
અમદાવાદમાં રિપોર્ટ કરાવતા ઘટસ્ફોટ થયો!
ઉપલેટામાં (Upleta) રહેતા 26 વર્ષીય દર્દી કિરણબેનને રાજકોટની (Rajkot) હોસ્પિટલ અને તબીબની ભૂલના કારણે સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. દર્દીના પરિવારનો આક્ષેપ છે કે, કિરણબેનને સમસ્યા થતાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યાં ગાદીનું ઓપરેશન કરવાનું હતું. જો કે, હોસ્પિટલ દ્વારા ઓપરેશન અને તમામ સારવારના પૈસા લીધા પછી પણ કિરણબેનને બેસવા અને ચાલવામાં મુશ્કેલી થતી હતી. આથી તેમણે અમદાવાદમાં (Ahmedabad) આ અંગે રિપોર્ટ કરાવવા જાણ થઈ કે ગાદીનું ઓપરેશન થયું જ નથી અથવા તો ઓપરેશન કરવામાં આવ્યું છે તેમાં મોટી ખામી રહી ગઈ છે. આથી દર્દી કિરણબેનને બેસવા અને ચાલવામાં પીડા થઈ રહી છે. આ સાથે દર્દીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ઓપરેશન બાદથી દર્દીની હાલત વધુ ખરાબ થઈ છે.
દર્દીના પરિવારના આરોપ
પીડિત પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, આ મામલે જ્યારે વોકહાર્ટ હોસ્પિટલમાં (Wockhardt Hospital) તબીબોને રજૂઆત કરવામાં આવી તો તેઓ અલગ અલગ કારણ આગળ ધરીને ઓપરેશનના પૈસા પરત કરવાની વાત કરી. દર્દીના પરિવારજનોએ સવાલ કર્યો કે, ફરીવાર જો ઓપરેશન કરવામાં આવે અને દર્દીને તકલીફ પડે તો તેની જવાબદારી કોની ? દર્દીની ઉંમર હાલ માત્ર 26 વર્ષ છે ત્યારે હોસ્પિટલની ભૂલના કારણે તે હાલ સંપૂર્ણ રીતે બેડ પર છે. ઓપરેશન પછી પણ તેને ચાલવા અને બેસવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે તેના ભવિષ્યની જવાબદારી કોની ?

પીડિત પરિવાર
હોસ્પિટલ તંત્રની સફાઈ
બીજી તરફ હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે, દર્દી કિરણબેનને ગાદીનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. મોટાભાગે ગાદીના ઓપરેશન પછી દર્દીને ફરી પાછી ગાદી બહાર આવતી હોય છે એવું બની શકે છે. જો કે, કિરણબેનના કેસમાં ઓપરેશન પછી તેમના પગનો દુ:ખાવો બંધ થઈ ગયો છે. પરંતુ દર્દીને છેલ્લા 3 વર્ષથી કમરના દુ:ખાવાની દવા ચાલતી હતી તે દુ:ખાવો હાલ પણ છે. રોગ અલગ અલગ હોવાથી ગાદીના ઓપરેશન પછી આ દુ:ખાવો બંધ થાય નહીં. પગનો દુ:ખાવો બંધ થઈ ગયો છે પરંતુ, કમરના દુ:ખાવાના લીધે દર્દી પીડાય છે. હોસ્પિટલમાં (Rajkot) તબીબો દ્વારા સફળતાપૂર્વક ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. પૈસા પરત કરવાની વાત અંગે પૂછાતા હોસ્પિટલ તંત્રે જણાવ્યું કે, પૈસા રિફંડ કરવાની કોઈ વાત થઈ નથી. પરંતુ, જો અમદાવાદના (Ahmedabad) ડોક્ટરની સલાહ પછી બીજીવાર સર્જરી કરવાની વાત થાય તો અમે તેમને જેટલી થાય તેટલી શક્ય મદદ કરવા તૈયાર છીએ.

હોસ્પિટલ તંત્ર
આ પણ વાંચો - Ahmedabad: દેશભરમાં વધી રહ્યું છે ધર્મ પરિવર્તનનું ષડયંત્ર, ભોગ બનેલી દીકરીઓએ જણાવી આપવીતી