ભરૂચમાં સરકારી વસાહતના મકાનો જર્જરીત , તંત્રએ માત્ર સાવચેતીના બોર્ડ લગાવી માન્યો સંતોષ
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
જામનગરમાં ૩ માળની ઈમારત ધસી પડતા ૩ના મોત અને ૮ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું ત્યારે ભરૂચ જિલ્લામાં સરકારી અધિકારીઓની જ સરકારી વસાહતના મકાનો અત્યંત જર્જરીત હોવાના કારણે સરકારી અધિકારીઓના પરિવારને સુરક્ષિત જગ્યા આપવાના બદલે તંત્રએ સાવચેતીના બોર્ડ લગાવી સંતોષ માન્યો હોવાનું સામે આવતા અધિકારીઓના પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો છે
ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓ તો જર્જરીત બની ગઈ છે પરંતુ જર્જરિત સરકારી કચેરીમાં ફરજ નિભાવતા અધિકારીઓ સરકારી કોલોનીના મકાનોમાં રહે છે તે પણ અત્યંત જર્જરીત બની ગયા છે એટલે જીવના જોખમે પણ સરકારી અધિકારીઓ ફરજ નિભાવા સાથે પોતાના પરિવાર સાથે પણ જર્જરિત ઇમારતોમાં રહેવા મજબૂર બન્યા છે ભરૂચના જ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી વસાહતના સરકારી કોલોની આવેલી છે અને એક બ્લોકમાં એક ડઝન સરકારી અધિકારીના પરિવારો રહે છે અને સરકારી અધિકારીઓ પરિવાર સાથે જે મકાનમાં રહે છે તે અત્યંત જર્જરી બની ગયા છે અને મકાનમાં સ્લેબના પોપડા પણ ખરી રહ્યા છે પરંતુ અધિકારીઓ પણ જીવના જોખમે જીવન વિતાવવા માટે મજબૂર બન્યા છે.
જામનગર ખાતે ૩ માળની ઇમારત ઘસી પડ્યા બાદ ભરૂચમાં કોઈ હોનારત ન સર્જાય તે માટે તંત્રએ આ વસાહતમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાને બદલે માત્ર માત્ર સાવચેત રહેવા માટેના બોર્ડ લગાવી સંતોષ માન્યો છે પરંતુ જીવના જોખમે મકાનમાં રહેતા સરકારી વર્ગ ૩ અને ૪ના અધિકારીઓને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં તંત્ર ઉણુ ઉતર્યું છે અધિકારીઓ પણ સરકારી નોકરી હોવાના કારણે મીડિયા સમક્ષ બોલવાનું ટાળી રહ્યા છે