Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જિંદગી દો પલ કી.... આપણે મોતમાંથી કંઈ શીખીએ છીએ ખરાં?

ગઈકાલે રાત્રે સાડા અગિયાર પછી આવેલા સમાચારે કેકેના ચાહકોને હલાવી દીધા. કેકેના સુપરહિટ ગીતો આજે બધે વાગી રહ્યાં છે. એમની જિંદગીની નાનામાં નાની વિગત શોધી શોધીને ચાહકોને પીરસવામાં આવી રહી છે. એમની પત્ની, એમની લવસ્ટોરીથી માંડીને અનેક વિગતો આપણે વાંચી રહ્યા છીએ. એમની ઉંમરનો આંકડો વાંચીને તમામ લોકો એવું કહે છે કે, આ કોઈ ઉંમર ન હતી વિદાય લેવાની. આઘાતમાં બોલિવૂડ, આઘાતમાં ચાહકો આ અને આવું
09:54 AM Jun 01, 2022 IST | Vipul Pandya
ગઈકાલે રાત્રે સાડા અગિયાર પછી આવેલા સમાચારે કેકેના ચાહકોને હલાવી દીધા. કેકેના સુપરહિટ ગીતો આજે બધે વાગી રહ્યાં છે. એમની જિંદગીની નાનામાં નાની વિગત શોધી શોધીને ચાહકોને પીરસવામાં આવી રહી છે. એમની પત્ની, એમની લવસ્ટોરીથી માંડીને અનેક વિગતો આપણે વાંચી રહ્યા છીએ. એમની ઉંમરનો આંકડો વાંચીને તમામ લોકો એવું કહે છે કે, આ કોઈ ઉંમર ન હતી વિદાય લેવાની. આઘાતમાં બોલિવૂડ, આઘાતમાં ચાહકો આ અને આવું ઘણું બધું બે દિવસ ચાલશે. અલબત્ત કોઈપણ વ્યક્તિ વિદાય લે ત્યારે એ આઘાત પચાવતાં વાર લાગે એ હકીકત છે. હજુ ગયા અઠવાડિયે અગાડે બશીર નામના 78 વર્ષના ગાયક સ્ટેજ ઉપર પર્ફોમ કરતી વખતે જ સિવિયર કાર્ડિએક એરેસ્ટથી ગૂજરી ગયા. ત્યારે પણ આવી જ વાતો ચાલી હતી.  
કોઈનું અચાનક મૃત્યુ થાય ત્યારે ચવાઈને ચૂથો થઈ ગયેલું વાક્ય બધાં જ બોલે છે, જિંદગીનો કોઈ ભરોસો નથી. ખરી વાત છે. બે દિવસ વાતો કરીને ફરી આપણે આપણાં રુટીનમાં ગોઠવાઈ જશું. પણ ફિલોસોફીકલ વાતોને જિંદગીમાં ઉમેરવાનું આપણે ક્યારેય કેમ નથી વિચારતાં? પેજ થ્રી નામની મૂવીમાં સોશિયલાઈટનું પાત્ર આત્મહત્યા કરીને દુનિયાને અલવિદા કહે છે. એ સમયના બે-ચાર સીન બહુ ચોટદાર છે. જેમાં એક હાયર કલાસનાં મહિલા શો રુમમાં ખરીદી કરવા ગયા હોય છે. એમને સમાચાર મળે છે કે, તરત જ કહે છે, શો મી સમથીંગ ઈન વ્હાઈટ... પેજ થ્રીનું કવરેજ કરતી પત્રકાર કહે છે, હું નહીં લખી શકું. એ પત્રકાર કડવી વાસ્તવિકતા જોઈને પેજ થ્રીનું કવરેજ કરવાનું મૂકી દેવાનું નક્કી કરે છે.  
આ મૂવી જોઈને તમામે એવી ચર્ચા કરેલી કે હા, સાવ સાચી વાત છે. લોકો આવું જ વિચારે છે. 
ઓકે, ફાઈન. પણ આપણે આમાંથી કંઈ શીખવાનું ક્યારે શરુ કરીશું? 
સ્મશાનમાં કોઈની અંતિમવિધિ જોઈએ ત્યારે આપણને થોડી પળો, કલાકો, દિવસો સુધી વૈરાગ આવી જાય છે. બહુ અંગત હોય તો એ સોગ લાંબો ચાલે છે. કોઈ અંગતના મૃત્યુ પછી સોગ ભંગાવવાની વિધિ થાય છે પણ એ સોગ આપણી અંદર જીવતો હોય છે. એ દુઃખદ ઘટના આપણી સાથે એવી રીતે વણાઈ જતી હોય છે જે આપણે જીવીએ ત્યાં સુધી આપણી સાથે રહે છે. દિવસો જતાં એ દુઃખની માત્રા કદાચ ઘટતી હશે. પણ કેટલીક ક્ષણો સપાટી પર આવી જાય ત્યારે આપણાં વર્તમાનને હચમચાવી જાય છે.  
આવું થાય તો શું કરવું જોઈએ? બધું ભૂલીને લાઈફ ઈઝ બ્યૂટીફૂલ સમજીને ફરી જીવવા માંડવાનું? એ તો કેવી રીતે થાય? કોઈ આપણાં માટે શું વિચારે? આ અને આવા અનેક સવાલોની વણઝાર આપણી સામે આવી જાય છે. તેમ છતાં જિંદગી તો ચાલવાની જ છે. સમય તો રોકાવાનો નથી. ખંખેરીને એ દુઃખદ ઘટનામાંથી બહાર ન નીકળી શકાય ત્યારે ઘણી બધી પરિસ્થિતિઓને ટાળવી પડતી હોય છે. આપણી આસપાસના લોકો માટે જીવવું પડતું હોય છે.  
હજુ થોડાં મહિના પહેલાંની જ વાત છે. મારી મમ્મી સામાન્ય બીમાર હતાં. કોઈ ગંભીર વાત ન હતી. દવાખાને જવા માટે માનતા ન હતાં. બાજુમાં રહેતા કઝીન ભાભીએ વીડિયો કોલ કર્યો કે માનતાં નથી. મમ્મીને કહ્યું કે, જવું પડશે દવાખાને. આમ તો કેમ ચાલશે? બસ થોડી જ પળોમાં બીજો વીડિયો કોલ આવ્યો અને માનું નિશ્ચેતન શરીર એમાં નજરે પડ્યું. અત્યંત આઘાતજનક પળ હતી. પણ એ સમયે મમ્મીની એક વાત યાદ આવી કે, થોડાં દિવસો પહેલા જ એમણે ફોન પર કહેલું કે, હમણાં તારી સાથે વાત કરું છું અને જો મોત આવી જાય તો મને કોઈ અફસોસ નથી. જીવનથી અને મારા પોતાના સંતાનોથી મને પૂરો સંતોષ છે.  
આ વાતને દરેકે ગાંઠે બાંધવા જેવી છે. જે પળમાં છો એ જ પળમાં સોએ સો ટકા જીવો. તણાવ, દબાણ, સંબંધોમાં ઉતાર-ચઢાવ તમામ વસ્તુ આપણી જિંદગીનો હિસ્સો હતો અને રહેવાનો છે. એની સાથે સાથે આપણે જિંદગી જીવવાનું નથી ભુલવાનું. જિંદગીમાં કેટલાંક સંબંધોમાં અપવાદો પણ જીવવા જોઈએ. દિલની નજીક હોય એવા સંબંધ માટે કંઈ પણ કરતાં ક્યારેય અચકાવું નહીં. જ્યાં સર્વસ્વ અનુભવાય ત્યાં આપણું સોએ સો ટકા અસ્તિત્વ હોવું પણ એટલું જ જરુરી છે. દરેક મોત આપણને શીખવે છે કે જી લે પૂરા...
આ પણ વાંચો ઃ હાયવોય કરીને આખરે ક્યાં પહોંચવું છે?
Tags :
BollywoodcausesDeathGujaratFirstHeartAttackKKlearnLifeSadSingersingerkkdiedheartattackSingingsymptomstelugusongs
Next Article