બસ એ માસૂમ બાળકનો જીવ ના બચાવી શક્યાનો અફસોસ છે...
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના એક વેપારીના ઘરે સવારે સાત વાગ્યે ફોન રણક્યો. આ ફોને ઘરના મોભીની ઊંઘ હરામ કરી નાંખી. ફોનમાં સામે છેડેથી અધકચરું હિન્દીમાં અવાજ આવ્યો, ‘મૈંને તુમારે છોકરે કો ઉઠા લીયા હે, અગર તુમારા લડકા વાપીસ ચાહિયે તો ૫૦ લાખ રૂપિયે તૈયાર રખના ઔર મુંબઈ દેને આના પડેગા.’ આ શબ્દો સાંભળતાની સાથે જ કાંકરેજ ગામમાં રહેતા અને ફાયનાન્સનો વેપાર કરતા ટીપુ જૈનના પગ નીચેથી
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના એક વેપારીના ઘરે સવારે સાત વાગ્યે ફોન રણક્યો. આ ફોને ઘરના મોભીની ઊંઘ હરામ કરી નાંખી. ફોનમાં સામે છેડેથી અધકચરું હિન્દીમાં અવાજ આવ્યો, ‘મૈંને તુમારે છોકરે કો ઉઠા લીયા હે, અગર તુમારા લડકા વાપીસ ચાહિયે તો ૫૦ લાખ રૂપિયે તૈયાર રખના ઔર મુંબઈ દેને આના પડેગા.’ આ શબ્દો સાંભળતાની સાથે જ કાંકરેજ ગામમાં રહેતા અને ફાયનાન્સનો વેપાર કરતા ટીપુ જૈનના પગ નીચેથી જમીન ખસકી ગઇ. પોતાના ૧૪ વર્ષના એકના એક દીકરાનું અપહરણ થયું હતું. આ વાત કોઈ પણ પિતાના કાને પડે તો તેની સ્થિતિ શું થાય તે કલ્પી શકાય છે. કંઇક આવું જ બન્યું હતું ટીપું જૈન સાથે. ટીપુ જૈને ડર્યા વિના પોલીસ કંટ્રોલ રૂમનો નંબર ડાયલ કર્યો.
બનાસકાંઠા જીલ્લાના થરા પોલીસ સ્ટેશનના પીએસઓના ટેબલ પરનો ફોન રણકી ઉઠે છે. સામે છેડે ટીપુ જૈન પોતાના દીકરાના અપહરણ અને ખંડણી માંગતા ફોનની વાત કરે છે. કંટ્રોલ રૂમ તરફથી વર્ધી લખાવવામાં આવે છે. બનાવની ગંભીરતા સમજી પીએસઓ ટેબલ પર ફરજ બજાવતા પોલીસ કર્મીએ પોતાના સીનીયર અધિકારીને કંટ્રોલ તરફથી મળેલો મેસેજ આપે છે. આ મેસેજ મળતાની સાથે જ થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વી.આર ચાવડા પોતાના સ્ટાફને એકત્ર કરીને બનાવ અંગે ચર્ચા કરવા લાગે છે. પોતાના બાતમીદારો સાથે આસપાસના ગામડાઓમાં સર્વેલન્સ ગોઠવી દેવાની સુચના આપી દેવામાં આવે છે. તેટલામાં ટીપુ જૈન અને તેમની પત્ની સહિત ગામના લોકો થરા પોલીસ સ્ટેશનના પગથિયા ચઢતા નજરે ચઢે છે.
ટીપુ જૈન કે જે પોતે ગામના પ્રભાવશાળી વ્યક્તિ અને પ્રસિદ્ધ વેપારી હોવાના કારણે પોલીસ સ્ટેશનમાં પણ તેમને બધા ઓળખતા હતા. જ્યારે ટીપુ જૈન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યારે પીએસઆઈ પોતાના તમામ સ્ટાફને બ્રીફિંગ કરી રહ્યા હતા. ટીપુ જૈન આવતા પીએસઆઇ સામેથી તેમની પાસે ગયા અને પોતાની ચેમ્બરમાં લઇ ગયા. પીએસઆઇએ કહ્યું કે તમે ચિંતા ના કરો, અમે આરોપીને પકડી લઇશું. આટલું સાંભળતાની સાથે જ ટીપુ જૈનની પત્ની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. જેથી અધિકારીએ કોલબેલ મારીને મહિલા કોન્સ્ટેબલને બોલાવી અને કહ્યું કે આમને પાણી પીવડાવી બાજુના રૂમમાં બેસાડો. મહિલા કોન્સ્ટેબલ જી સર કહીને ટીપુ જૈનના પત્નીનો હાથ પકડીને ખુરશીમાંથી ઉભા કરીને બહાર લઇ ગયા. બાદમાં અધિકારીએ ટીપુ જૈનને પણ કહ્યું કે ચા કે પાણી લેશો?
ત્યારે ટીપુ જૈને હાથ જોડીને કહ્યું કે સાહેબ મારો એકનો એક છોકરો છે, ગમે તેમ કરીને તેને હેમખેમ પાછો લાવી દો. આટલું બોલતાની સાથે જ ટીપુ જૈન પણ ભાંગી પડ્યા. તેમને રડતા જોઇને ખુરુશી પર બેઠેલા પીએસઆઈએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની ખુરશી પરથી ઉભા થઈને ટીપુ જૈનના ખભા પર હાથ મુકીને કહ્યું કે, સાહેબ ચિંતા કરશો નહીં, અમે તમારા છોકરાને હેમખેમ પાછો લાવી આપીશું. બાદમાં થોડીવાર બાદ ગમગીન માહોલ થોડો હળવો બન્યો ત્યારે પીએસઆઈએ કહ્યું કે આ બાબતે તમારે એક ફરિયાદ આપવી પડશે. જે અંગે ટીપુ જૈને સહમતી દર્શાવતા પીએસઆઈએ પોતાના રાઈટરને બોલાવીને કહ્યું કે આ ટીપુભાઈ છે તેમની ફરિયાદ નોંધી લો. બાદમાં પીએસઆઈએ બનાવની ગંભીરતાને જોતા પોતાના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર બનાવ અંગેની જાણકારી આપી. પીએસઆઈએ પોતાના ASP ચૈતન્ય માંડલિકને ફોન કર્યો અને જય હિન્દ સર કહીને સમગ્ર બનાવની વિગતો જણાવી.
વિગતો જાણ્યા બાદ ASPએ પોતાના ગાર્ડને બોલાવીને કહ્યું કે ગાડી તૈયાર કરો. તે વખતના ASP ચૈતન્ય માંડલિકે પોતાના બનાસકાંઠાના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ અશોક યાદવને ફોન કરીને સમગ્ર બનાવની માહિતી આપી. બાદમાં ASP ચૈતન્ય માંડલિક થરા પોલીસ સ્ટેશન જવા નીકળ્યા. બીજી તરફ પીએસાઈ વી.આર ચાવડા ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ તરત જ કામે લાગી ગયા. સૌ પ્રથમ જે નંબર પરથી ફોન આવ્યો હતો તેની ડીટેઇલ મેળવવાની શરૂઆત કરી. તે નંબર સ્થાનિક LCB પોલીસને આપવામાં આવ્યો, કારણ કે જીલ્લામાં LCB પોલીસ પાસે ફોનના લોકેશન ટ્રેસિંગ કરવાની સત્તા રહેતી હોય છે
થોડાક કલાકો બાદ એક બાજુ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ગઈ હતી અને બીજી તરફ LCB પોલીસે પણ નંબરનું લોકેશન મેળવી લીધું હતું. આ લોકેશન હતું વડગામ તાલુકાની બાજુમાં આવલું કાકર ગામ. લોકેશન મળતાની સાથે જ પીએસઆઈ વી.આર ચાવડા અને સાત લોકોની ટીમ આ ગામમાં તપાસ માટે ગણતરીના કલાકોમાં પહોંચી ગઈ. આસપાસ તપાસ કરી, આખુંય ગામ ફેંદી વળ્યા પરંતુ કશું જ હાથ ના લાગ્યું. નિરાશા સાથે પીએસાઈ અને તેમની ટીમ પોલીસ સ્ટેશન પહોંચ્યા. જ્યાં ASP ચૈતન્ય માંડલિક પોતે થરા પોલીસ સ્ટેશન આવી ગયા હતા. થોડી વાતચીત બાદ ચૈતન્ય માંડલીકે પીએસઆઈને કહ્યું કે, ‘ચાવડા એક બેગ લેકર આઓ ઔર ઉસમેં GPS ફીટ લગા દો. ઔર મુંબઈ નિકલને કી તૈયારી ક,રો કભી ભી ફોન આ શકતા હે...’ આ બધી જ વાતમાં બપોરના 12:00 વાગી ગયા હતા.
આ તરફ એક વ્યક્તિ થરા ગામનું બજાર બંધ કરાવવા માટે નીકળ્યો હતો, કારણકે ટીપુ જૈન ગામમાં ખુબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તેમના દીકરાનું અપહરણ થયું હતું, જેનો વિરોધ કરવા તે વેપારીઓને પોતાની દુકાનો બંધ કરવા માટેનું કહી રહ્યો હતો. આ મેસેજ મળતાની સાથે જ પીએસઆઈ તાત્કાલિક થરા ગામના બજારમાં પહોંચ્યા અને જે વ્યક્તિ બજાર બંધ કરાવતો હતો તેને સમજાવીને પાછો મોકલી દીધો. આવું કરવા પાછળ પીએસઆઈનું તર્ક એવું હતું કે કોઈ બીજો અનિચ્છનીય બનાવ ના બનવો જોઇએ. બીજી તરફ ઘડિયાળના કાંટા પણ ટીક ટીક કરતા આગળ વધી રહ્યા હતા અને બાળકના પિતાના ચહેરા પર ચિંતાની લકીરો પણ વધુ ઘેરી બનતી જતી હતી. તેનું કારણ હતું બીજી વખત અપહરણકર્તાઓનો ફોન આવ્યો નહોતો અને કોઈ જગ્યાએથી કડી પણ મળી નહોતી.
મેં મહિનાની ગરમીની લૂ વરસી રહી હતી અને થરા પોલીસ સ્ટેશનમાં એક અંજપા ભરી શાંતિ છવાયેલી હતી. એલસીબીએ આપેલા લોકેશન પર પણ કશું મળ્યું નહોતું. એટલે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરના IMEI નંબરની શોધમાં સ્થાનિક પોલીસ લાગી ગઈ. આ બધામાં સાંજ પડી ગઈ અને નિરાશા સાથે ટીપુ જૈન અને તેમની પત્ની પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. આ સમય દરમિયાન થરા પોલીસ સ્ટેશનમાં મહેશ નામનો એક કોન્સ્ટેબલ હતા, જે ટેકનિકલ એનાલિસીસનો જાણકાર હતો અને તેણે થોડી ઘણી વિગતો એકઠી કરી હતી. જેમાં શંકસ્પદ ૫૦ થી ૬૦ લોકોના નામ સામે આવ્યા. આ વાત સંભાળતાની સાથે જ એસપી ચૈતન્ય માંડલિકે ગુસ્સા સાથે કહ્યું કે, ‘ચાવડા સબ કો ઉઠા કે લેકે આઓ..’
થોડાજ કલાકોમાં પીએસઆઈ વી.આર ચાવડાએ તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવીને બેસાડી દીધા. જેમાં મોટાભાગના લોકો થરા ગામના જ હતા. તમામ લોકોની વારાફરતી પૂછપરછ હાથ ધરવામાં આવી. જો કે આ લોકો પાસેથી પણ કોઈ નક્કર માહિતી ના મળી. ધીમે ધીમે રાત પડી રહી હતી અને અંધારું છવાઈ રહ્યું હતું. પોલીસ સ્ટેશનના તમામ રૂમની લાઈટો ચાલુ હતી અને તમમાં પોલીસ કર્મીઓ આ જ કેસમાં જોતરાયેલા હતા. રાત વધુ ઘેરી બનતી જતી હતી અને સમગ્ર વિસ્તારમાં એક નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. માત્ર પોલીસ સ્ટેશનની અંદર ચાલી રહેલી ચહલ પહલ અને તેનો જ અવાજ સંભળાઈ રહ્યો હતો.
અપહરણને એક દિવસ વીતી ગયો હતો. પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ સતત ચોવીસ કલાકથી કામ કરી રહ્યા હતા. પોલીસ સ્ટેશનની લાઈટો પણ બંધ થઇ ગઈ હતી અને હવે સવાર પાડવાની તૈયારી હતી, પરંતુ થરા પોલીસ સ્ટેશનના એક નાનકડા રૂમની લાઈટ હજુ પણ ચાલુ હતી. તે ઓરડામાં મહેશ નામનો કોન્સ્ટેબલ સતત IMEI નંબર અને ટાવર લોકેશનનું એનાલિસીસ કરી રહ્યો હતો. સવારના 04:00 વાગ્યા હતા અને કોન્સ્ટેબલને એક શંકસ્પદ IMEI નંબર મળ્યો. જેમાં ગામના જ એક વ્યક્તિનું નામ સામે આવ્યું. તાત્કાલીક મહેશ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને પીએસઆઈના રૂમ પાસે ગયો. જ્યાં ASP ચૈતન્ય માંડલિક પણ હાજર હતા. જેથી મહેશે રૂમના દરવાજા પર પોતાના જમણા હાથની આંગળી વડે ટકોરા માર્યા અને કહ્યું કે સાહેબ હું અંદર આવું? પીએસાઈ વી.આર ચાવડાએ ખૂબ જ માનભેર કોન્સ્ટેબલ મહેશને અંદર બોલાવ્યો.
મહેશે અંદર જતાની સાથે જ પોતાના બંને ખભા પાછળની તરફ ખેંચીને ઊંચા થઈને જય હિન્દ બોલીને સેલ્યુટ આપી. સામેની ખુરશી પર બેઠેલા બંને અધિકારીઓ પણ મહેશની સેલ્યુટનો જવાબ બંને હાથને મહેશની સામે કરીને આપ્યો. કોઈપણ અધકારી પોતાની ખુરશીમાં બેઠેલા હોય અને અન્ય કોઈ પોલીસકર્મી તેમને સેલ્યુટ કરે તો સેલ્યુટનો જવાબ આ રીતે આપવાનો હોય છે તેવો પોલીસ મેન્યુઅલની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેલ્યુટ આપ્યા બાદ તરત જ એક પણ ક્ષણની રાહ જોયા વગર ASP ચૈતન્ય માંડલિકે કહ્યું કે, હા મહેશ બોલો કેમ આવ્યા છો? આટલી સવારે શું લાવ્યા છો? ત્યારે મહેશે જી સર કહીને પોતાની વાતની શરૂઆત કરી. મહેશે કહ્યું કે IMEIના એનાલીસીસમાં એક વ્યક્તિનું નામઠામ વારંવાર સામે આવી રહ્યું છે. આ વ્યક્તિ પણ આ જ ગામનો રહેવાસી છે અને માલધારી સમાજનો હોય તેવું લાગી રહ્યું છે. સમય બગાડ્યા વગર બાજુની ખુરશી પર બેઠેલા પીએસઆઈ વી.આર ચાવડા તરત જ બોલ્યા કે સાહેબ એને અહીંયા ઉઠાવીને લઇ આવીએ.
પોલીસે સવારથી બપોર સુધી એ વ્યક્તિ સાથે અનેક યુક્તિ પ્રયુક્તિ વડે પૂછપરછ કરી પરંતુ આ વ્યક્તિ કશું જ બોલ્યો નહીં. એટલે એક વખત પોલીસને પણ લાગ્યું કે કદાચ આ વ્યક્તિનો આમાં કોઈ રોલ નહીં હોય.
આમ વિચારીને તેને જવા દેવામાં આવ્યો, કારણ કે પોલીસ ડીપાર્ટમેન્ટ અને કાયદામાં પણ વણાયેલી વાત છે કે 10 ગુનેગાર છૂટી જાય તો વાંધો નથી પરંતુ એક નિર્દોષ વ્યક્તિ ક્યારેય દંડાવો ના જોઈએ. કદાચ આ જ કારણોસર માલધારી સમાજના વ્યક્તિને જવા દેવામાં આવ્યો. જો કે તેને છોડતા પહેલા પીએસઆઈ વી.આર ચાવડાએ થોડા ઊંચા ટોનમાં કહ્યું કે જરૂર પડશે તને પાછો બોલાવીશું. અપહરણના બનાવને બીજો દિવસ થઇ ચુક્યો હતો. હજુ પણ અપહરણકારોનો કોઈ વળતો ફોન આવ્યો નોહોતો. રાબેતા મુજબ થરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ આ જ અપહરણના કેસની ગુત્થી ઉકેલવામાં લાગેલા હતા.
બપોરના સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની એક ટીમ થરા પોલીસ સ્ટેશન આવી. જેમાં તેમની પાસે ટેકનીકલ એનાલિસના સંસાધનો પણ હતા. ક્રાઈમ બ્રાન્ચે આવતાની સાથે જ ફરિયાદીને મળી લીધું અને જરૂરી તમામ વિગતો પોતાની ડાયરીમાં લખી. બાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ટેકનીકલ એનાલીસીસ કરવામાં જોતરાઈ ગઈ. એક પછી એક એમ કુલ મળીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૦૦ વ્યક્તિઓની પૂછપરછ કરી પરંતુ કશું જ પરિણામ ના મળ્યું. જે માલધારી વ્યક્તિની પૂછપરછ સ્થાનિક પોલીસે કરી લીધી હતી તેને ફરી એક વખત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા બોલાવ્યો. લગભગ સાંજના 04:00 વાગ્યાથી લઈને રાત્રીના 12:00 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી, પરંતુ તેણે મગનું નામ મરી ના પાડયું. અપહરણને ૪૮ કલાક વીતી ચૂક્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે થરા પોલીસ સ્ટેશનમાં ધામા નાંખ્યા હતા, પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું નહોતું. બીજી બાજુ બાળકને શું થયું હશે? તે જીવતો હશે કે નહીં? તેવા અનેક વિચારો તેના માતા પિતાને આવી રહ્યા હતા. ટીપુ જૈન કે જે અપહરણ થયેલા બાળક જૈનમના પિતા હતા હતા, તેઓ સવારના થરા પોલીસ સ્ટેશન બહાર મુકેલા બાકડા પર બેસી રહ્યા હતા. આંખોમાં પાણી અને આશા સાથે તેઓ આવતા જતા તમામ પોલીસકર્મીઓ સામે જોતા હતા.
એક તરફ પોલીસ બાળકને શોધવા માટે હવે આકાશ પાતાળ એક કરી રહી હતી. તો બીજી તરફ ૧૩ વર્ષીય બાળક જૈનમને એક અવાવરુ જગ્યા પર આંખો પર કાળી પટ્ટી બાંધીને રાખવામાં આવ્યો હતો. પોલીસની તપાસ માટેના ધમપછાડા જોઇને આરોપીઓને પણ લાગી રહ્યું હતું કે, હવે આજે નહીં તો કાલે પોલીસ તેમના સુધી પહોંચી જ જશે. પોલીસ પણ આ વાતની જ રાહ જોઈ રહી હતી, કે આરોપીઓ ગભરાઇને કોઈ ઉતાવળીયું પગલું ભરે અને તેમણે દબોચી લેવામાં આવે. જો કે આ કેસમાં એક માસૂમ બાળકની જિંદગીનો સવાલ હતો, જેથી પોલીસ પણ કોઈ જોખમ લેવા માગતી નહોતી. પોલીસ પોતાની કામગીરી જોરશોરથી કરી રહી હતી. આ જોઇને આરોપી અપહરણ બાદ બાળકને જ્યાં રાખેલું હતું તે અવાવરું બંધ ઓરડીમાં મીટીંગ કરે છે. તે જ સમયે જૈનમની આંખ પર બાંધેલી પટ્ટી નીકળી જાય છે. પટ્ટી નીકળતાની સાથે જ જૈનમ સામેની વ્યક્તિને ઓળખી જાય છે.
જૈનમ તરત જ બોલી ઉઠ્યો કે ‘મેહુલ કાકા તમે અહિયાં ક્યાંથી?" આટલું સાંભળતાની સાથે જ આરોપી મેહુલ પ્રજાપતિ સાથે રહેલા વ્યક્તિએ જૈનમના મોઢા પર ઓશીકું દબાવીને તેણે મોતને ઘાટ ઉતારી દીધો. બાદમાં ગામમાંથી પસાર થતી ઇસરાવા કેનાલમાં જૈનમના મૃતદેહને નાંખી દીધો. આ સમગ્ર ઘટનાક્રમમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરી એક વખત આ માલધારી સમાજના વ્યક્તિની કડકાઈથી પૂછપરછ હાથ ધરી. જેમાં તે વ્યક્તિ ભાંગી પડ્યો અને પોલીસને કહ્યું કે આ અપહરણમાં મેહુલ પ્રજાપતિ અને અન્ય બીજા પાંચ વ્યક્તિઓ સામેલ છે. આ અપહરણ કરવાનો પ્લાન અમે લોકોએ છેલ્લા છ મહિનાથી બનાવ્યો હતો. અમે લોકોએ તેના ઉપર વર્કઆઉટ નહોતું કર્યું. જેમ જેમ પૈસાની જરુર ઉભી થઇ, દારૂ અને જુગારમાં પૈસા વેડફાતા ગયા. જેથી આ સમગ્ર કરસો રચ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા. જો કે આ કેસ પર કામ કરનારા તે સમયના ASP ચૈતન્ય માંડલિકને આજે પણ એ વાતનો અફસોસ છે કે તેઓ માસૂમ બાળકનો જીવ ના બચાવી શકયો.
Advertisement