Tapobhumi Book Launch: સનાતનનાં આધારસ્તંભ સમાન વિશ્વ પ્રસિદ્ધ સંતો હાજર
Tapobhumi Book Launch Event : સમગ્ર દેશમાં સનાતનની લહેર ચાલી રહી છે. ત્યારે સનાતનના મુખ્ય અંગ તેવા મંદિરો અને ખાસ કરીને સમયના ચક્રમાં દબાઇ ગયેલા મંદિરો પર પ્રકાશ પાડતો એક ઐતિહાસિક સનાતન ગ્રંથનું વિમોચન થવા જઇ રહ્યું છે. આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ્ય જ ગુજરાતના મંદિરોને વિશ્વ પટલ પર ફરી એકવાર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેનો છે. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હોય કે, ચાર ધામ પૈકીનું એક દ્વારિકા ધામ હોય, શક્તિપીઠો પૈકી માતાનું હૃદય જ્યાં બિરાજમાન છે તે અંબાજી હોય કે પછી મહાકાળી માતાનું પાવાગઢ હોય ગુજરાતમાં અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે.
12 વર્ષ 10 હજાર કિલોમીટરની યાત્રાની ફળશ્રુતી સમાન ગ્રંથ તપોભુમી
જ્યાં પાંડવોએ પોતાનો વનવાસ ગાળ્યો, જ્યાં મહાદેવ પોતે પ્રકટ થયા, જ્યાં માતાજીનું હૃદય વસે છે તેવા ગુજરાતમાં એવા અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે. આ મંદિરો ગુલામી અને અંગ્રેજી શાસન દરમિયાન પોતાની ચમક ગુમાવી બેઠા અને પછી સ્થાનિક લોકો સિવાય આ મંદિરો લોકોને વિસરાઇ ગયા. જો કે ડૉ. વિવેક કુમાર ભટ્ટ પોતાની 12 વર્ષ સુધી ગુજરાતના ગામડે ગામડે ફરી 10 હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને ત્યાંના પાળીયાથી માંડીને મંદિર સુધી તમામનો ઇતિહાસ તપાસ્યો. મંદિરો સાથે જોડાયેલી લોકવાયકાઓને ઐતિહાસિક પુસ્તકો અને ધાર્મિક ગ્રંથો સાથે સરખાવીને પોતાની ઓળખ ગુમાવી ચુકેલા મંદિરોને ફરી પોતાની ઓળખ અપાવવા માટેનો ભગીરથ પ્રયાસ કર્યો છે. લોકસાહિત્યમાં જે પ્રકારે ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડે જઇને સૌરાષ્ટ્રના ઇતિહાસને બેઠો કર્યો તે પ્રકારે ડૉ. વિવેક કુમાર ભટ્ટે સમગ્ર ગુજરાતનું સતત 12 વર્ષ સુધી ભ્રમણ કરી ગુજરાતના ગામડે ગામડા, તાલુકે તાલુકા અને જિલ્લે જિલ્લા ફરીને આવા મંદિરો પરથી એક પુસ્તક તૈયાર કર્યું. તપોભૂમિ (Tapobhumi) નામનું આ દળદાર પુસ્તક તૈયાર કર્યું.
સનાતનનું એકમાત્ર ડિજિટલ પુસ્તક
જો કે તપોભૂમિ ગ્રંથ તૈયાર થઇ ગયા બાદ એક યક્ષ પ્રશ્ન સામે આવ્યો કે, આટલું વિશાળ પુસ્તક અથાગ મહેનત બાદ પુરાવાઓ અને સત્યાપન કર્યા પછી તૈયાર તો કર્યું પરંતુ આજનો યુવાન પુસ્તકોમાં રુચી ઓછી ધરાવે છે. ત્યારે દેશની યુવા પેઢી કે જે દેશનું અને સનાતનનું ભવિષ્ય છે તેમને પણ આ અલૌકિક જ્ઞાન ધરાવતું પુસ્તક (Tapobhumi) વાંચશે કે કેમ? તેના ઉપાય સ્વરૂપે ડૉ. વિવેક કુમાર ભટ્ટને ડિજિટલ પુસ્તકનો વિચાર આવ્યો. ફરી એકવાર મહેનતના અંતે ડિજિટલ પુસ્તક (Tapobhumi Digital) પણ તૈયાર કર્યું. જેમાં ગ્રંથમાં દરેક પેજ પર મંદિરોનો ઇતિહાસ તો આલેખાયો જ છે પરંતુ યુવાનો ઇચ્છે તો QR કોડ સ્કેન કરીને તેને વીડિયો સ્વરૂપે પણ જોઇ શકે. દરેક મંદિરે જો કોઇ જઇ શકે તેમ ન હોય તેવી સ્થિતિમાં તે QR કોડ સ્કેન કરીને મંદિરના દર્શન તો કરી જ શકે સાથે સાથે ગુજરાત અને સનાતનના ભવ્ય વારસાને આંખોસામે મૂર્તિમંત થતા પણ જોઇ શકે.
સનાતનના આધારસ્તંભ જેવા સાધુ-સંતોની હાજરી
સનાતનનો કદાચ પહેલો ગ્રંથ હશે તપોભૂમિ (Tapobhumi) જે માત્ર લેખિત સ્વરૂપે જ નહીં પરંતુ સાથે સાથે ડિજિટલ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. આ ભગીરથ કાર્યને 12 વર્ષની તપશ્ચર્યા બાદ સાકાર કરનારા ડોક્ટર વિવેક કુમાર ભટ્ટને પુસ્તકના વિમોચન પ્રસંગે દેશના મહાન સાધુ સંતો અને સનાતનીઓનો આશીર્વાદ આપી જ રહ્યા હશે પરંતુ સ્વર્ગમાં બેઠા બેઠા દેવતાઓ પણ જરૂર હરખાતા હશે.
અનેક મહાનુભાવ સંતો અને શ્રેષ્ઠીઓ હાજર
જૂનાગઢ ગૌરક્ષનાથ આશ્રમના મહંત બાપુ, જગન્નાથ મંદિર પુજ્ય દિલિપદાસજી મહારાજ, મણિધરબાપુ મોગલધામ કબરાઉ, મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુ, લોકસાહિત્યકાર યોગેશ ગઢવી અને સાંઇરામ દવે, સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશ ભાઇ પટેલ,સિદ્ધિ મીડિયાના એમડી જસ્મીનભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.