Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે સવારના સત્રમાં GCCI કોન્ફરન્સનું આયોજન, કોર્પોરેટ જગતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત

GCCI દ્વારા આજે પ્રમુખ સ્વામી નગર ખાતે 'પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ' ના ભાગ રૂપે એક આખા દિવસની બિઝનેસ લીડરશીપ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ GCCI દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત 'આઝાદી ના અમૃત મહોત્સવ' ની વર્ષભરની ઉજવણીના ભાગ રૂપે આયોજિત કરવામાં આવ્યો હતો.આ કોન્ફરન્સ 600 એકર જમીનમાં ફેલાયેલ ખાસ તૈયાર કરવામાં આવેલ “પ્રમુખ સ્
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે સવારના સત્રમાં gcci કોન્ફરન્સનું આયોજન  કોર્પોરેટ જગતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત
GCCI દ્વારા આજે પ્રમુખ સ્વામી નગર ખાતે "પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ" ના ભાગ રૂપે એક આખા દિવસની બિઝનેસ લીડરશીપ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ GCCI દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત "આઝાદી ના અમૃત મહોત્સવ" ની વર્ષભરની ઉજવણીના ભાગ રૂપે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કોન્ફરન્સ 600 એકર જમીનમાં ફેલાયેલ ખાસ તૈયાર કરવામાં આવેલ “પ્રમુખ સ્વામી નગર” ખાતે યોજાઈ હતી અને તેમાં મોટી સંખ્યામાં GCCI સભ્યો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. સંમેલન માં નામાંકિત વક્તાઓએ ભારતના આર્થિક તેમજ ઔદ્યોગિક વિકાસ વિષય પર તેમના વિચારો અને દ્રષ્ટિકોણ વ્યક્ત કરેલ હતા.
સંમેલનમાં ઉપસ્થિત રહેલ નામાંકિત વક્તાઓમાં  દીપક પારેખ, ચેરમેન, HDFC બેંક,  ચંદુભાઈ વિરાણી, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, બાલાજી વેફર્સ,  ગોવિંદભાઈ ધોળકિયા, સ્થાપક અને અધ્યક્ષ, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ પ્રા. લિ.,  નિલેશ શાહ, એમડી કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ, ડો. શર્વિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડ, અર્જુન હાંડા, એમડી ક્લેરિસ લાઇફસાયન્સિસ અને BAPS સંસ્થા સાથે સંકળાયેલ ડૉ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, લાઈફ કોચ અને જાણીતા વક્તા વગેરેનો સમાવેશ થતો હતો.
શ્રી દીપકભાઈ પારેખ
“ભારતીય અર્થવ્યવસ્થાનું ભવિષ્ય” વિષય પર પોતાનું કી-નોટ વક્તવ્ય આપતા, HDFC બેંક ના અધ્યક્ષ શ્રી દીપક પારેખે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર હાલમાં અન્ય વિકસિત દેશોની સરખામણીએ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે તે બાબત પર ખાસ ભાર મુક્યો હતો કે ભારતની અર્થવ્યવસ્થા દેશના લોકો દ્વારા સ્થાનિક વપરાશ પર નિર્ભર છે અને તેથી જ તેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત હવે વાઈબ્રન્ટ ઈન્ડિયાની મશાલ સ્વરૂપ બનેલ છે અને વર્તમાનમાં ભારતીય અર્થતંત્રમાં પ્રવર્તમાન આશાવાદ ખરેખર નોંધનીય છે.
શ્રી પ્રતીકભાઈ પટવારી
સંમેલનના બધાજ વક્તાઓ તેમજ વિશાળ શ્રોતા ગણ ને આવકારતા, GCCI પ્રમુખ  પથિક પટવારીએ BAPS સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવતા અનુકરણીય આધ્યાત્મિક નેતૃત્વની ખુબ ખુબ પ્રશંસા કરી હતી અને સંસ્થાને પ્રાપ્ત થયેલ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેવા દિવ્ય આત્માના નેતૃત્વ તેમજ પ્રેરણાને બિરદાવ્યા હતા. તેઓએ ખાસ નોંધ લીધી હતી કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના શબ્દો "અન્યના આનંદમાં આપણો આનંદ સમાયેલ છે" તે મંત્રને ચરિતાર્થ કરેલ અને વિશ્વભરના લાખો લોકોને પ્રેમ, શાંતિ, સંવાદિતા, ભગવાનમાં વિશ્વાસ અને માનવતાની સેવા સાથે પોતાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી. પ્રમુખશ્રી એ ખુબજ અદ્વિતીય રીતે આયોજિત થયેલ "શતાબ્દી મહોત્સવ"ની ખુબ ખુબ પ્રશંસા કરી હતી અને આ પ્રસંગને અગણિત સ્વયંસેવકો ની નિષ્ઠા, સંયુક્ત પ્રયત્નો અને સમર્પણનું વધુ એક જીવંત ઉદાહરણ ગણાવ્યું જે ભાગ્યે જ જોવા મળે છે.
શ્રી ચંદુભાઈ વિરાણી
ચંદુભાઈ વિરાણી, સ્થાપક અને એમડી, બાલાજી વેફર્સ પ્રા. લી. અને શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સ્થાપક અને અધ્યક્ષ, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ પ્રા. લિમિટેડે પોતાના અનુભવો અને જીવનયાત્રા વિશે વાત કરી હતી તથા ઉભરતા મહત્વાકાંક્ષી અને વર્તમાન સાહસિકોને ઘણી ઉપયોગી થઈ પડે તેવી ટીપ્સ પુરી પાડી હતી. તેઓએ સારા ઇરાદા, ઉત્પાદનની ગુણવત્તા, કાર્ય-જીવન સંતુલન અને કામ પ્રત્યે સમર્પણના મહત્વ પર ખાસ પ્રકાશ પાડ્યો હતો.
શ્રી નિલેશભાઈ શાહ
CA  નિલેશ શાહ, MD, કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે પ્રવર્તમાન પડકારો અને તેમાં છુપાયેલી તકોને ધ્યાનમાં રાખીને "ભારત- ધ પાથ અહેડ" વિષય પર પોતાનું વિઝન શેર કર્યું. તેઓએ  ગુજરાત મોડલની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે સરકાર હસ્તકની સંસ્થાઓ નું ખાનગીકરણ એ આજના સમયની જરૂરિયાત છે. તેઓએ ભારતીય અર્થતંત્ર ની થઇ રહેલ પ્રગતિ તેમજ સુધારાલક્ષી ટ્રેન્ડ્સ વિશે પણ વિગતવાર વાત કરી હતી.
શ્રી ડો. શર્વિલભાઈ પટેલ
ડો. શર્વિલ પટેલ, એમડી, ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડ "સ્કેલિંગ અપ હેલ્થ કેર" વિષય પર વિસ્તૃત વાત કરી અને ભારતે હાંસલ કરેલ હેલ્થ કેર સેવાઓના ક્ષેત્રમાં અનુકરણીય સિદ્ધિઓ અને આગળ રહેલી અસંખ્ય તકો વિશે વાત કરી હતી. તેમણે આઉટ ઓફ પોકેટ માર્કેટ, આરોગ્યસંભાળ માં સંશોધન અને નવીનતા, સંભવિત અને આનુવંશિક વિકૃતિઓના જોખમો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું. તદુપરાંત, તેઓએ ભારતીય આરોગ્ય ક્ષેત્રમાં થઈ રહેલી વિવિધ નવીનતાઓ અને માર્ગ દ્રસ્ટા શોધો વિશે પણ વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી શોધો માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પણ મદદરૂપ થશે.
શ્રી અર્જુનભાઈ હાંડા
અર્જુન હાંડા, ચેરમેન, ક્લેરિસ લિમિટેડે “ફાઈન્ડીંગ વેલ્થ ઈન વેસ્ટ” વિષય પર વક્તવ્ય આપ્યું હતું અને નોંધ્યું હતું કે પર્યાવરણ પરત્વે વધતું નુકસાન અને પેદા થતો કચરો આપણા માટે એક "વેકઅપ કોલ" હોવો જોઈએ તથા આપણે કેવી રીતે કચરામાંથી સંપત્તિ ઉત્પન્ન કરી શકીએ અને જવાબદારી પૂર્ણ તેમજ સસ્ટેનેબલ વિકાસ તરફ આગળ વધી શકીએ તે અંગે પોતાનું વિઝન શેર કર્યું. તેમણે કચરાથી સંપત્તિ સર્જન તરફની તેઓની પોતાની સફર અને આ બિઝનેસ મોડલને અનુસરીને આપણે ભારતને તેની આઝાદીના 100મા વર્ષમાં કેવી રીતે બદલી શકીએ તે બાબત પર પ્રકાશ પાડ્યો. તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના કચરા ને રિસાયકલ કરવાની વિવિધ રીતો પર પ્રકાશ પાડ્યો હતો.
ડૉ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી
પોતાના અત્યંત પ્રેરક સંબોધનમાં ડૉ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ સફળ વ્યક્તિઓની 7 ટેવો વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે માત્ર ભૌતિક સંપત્તિ સફળતાની પારાશીશી નથી. તેઓએ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજના જીવનના ઉદાહરણો આપીને સાચી સફળતા નો અર્થ શું છે તેનો ખ્યાલ આપ્યો હતો. તેમણે મહેનતમય જીવન, નૈતિકતા, કાર્ય-જીવન સંતુલન, વ્યક્તિગત જીવન, આધ્યાત્મિકતા અને નૈતિકતાની આદતો વિશે ટૂંકમાં સમજ આપેલ. તેઓએ જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે BAPS સંસ્થાના વિકાસ માટે સખત મહેનત કરી 60 દેશો, 18000 ગામડાઓ, 3,50,000 ભક્તોના ઘરોમાં સંસ્થાના પ્રભાવનો અનુભવ કરાવેલ તેમજ 7,50,000/- પત્રોના પોતે વ્યક્તિગત જવાબ આપ્યા હતા. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે BAPSના આધ્યાત્મિક નેતા તરીકેના તેમના 45 વર્ષના કાર્યકાળમાં 1300 હોસ્પિટલ, સમુદાય કેન્દ્ર, મંદિરો વગેરેનું નિર્માણ કર્યું, જે દર 15 દિવસમાં સરેરાશ 1 સંસ્થાની સ્થાપના થયેલ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.