મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં ભાજપ હજુ સુધી કેમ મૌન છે ?
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર પર ખતરો ઉભો થયો છે ત્યારે ભાજપ પોતાના રાજકીય પત્તા ખોલવાથી બચી રહ્યું છે. ભાજપ ખુલીને સામે આવવાની જગ્યાએ ફૂંકી ફૂંકીને પગલાં લઇ રહ્યું હોય તેમ જણાઇ રહ્યું છે અને ઉદ્ધવ સરકારનું જાતે જ પતન થાય તેની રાહ જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ કોઇ પણ સંજોગોમાં ઉદ્ધવ સરકાર તોડવાનો આરોપ લેવા ઇચ્છતું નથી. ભાજપ સતર્ક છે અને જોર આપી
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર પર ખતરો ઉભો થયો છે ત્યારે ભાજપ પોતાના રાજકીય પત્તા ખોલવાથી બચી રહ્યું છે. ભાજપ ખુલીને સામે આવવાની જગ્યાએ ફૂંકી ફૂંકીને પગલાં લઇ રહ્યું હોય તેમ જણાઇ રહ્યું છે અને ઉદ્ધવ સરકારનું જાતે જ પતન થાય તેની રાહ જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ભાજપ કોઇ પણ સંજોગોમાં ઉદ્ધવ સરકાર તોડવાનો આરોપ લેવા ઇચ્છતું નથી. ભાજપ સતર્ક છે અને જોર આપીને કહેવામાં આવી રહ્યું છે કે ભાજપને આ બળવાથી કોઇ લેવા દેવા નથી અને આ શિવસેનાનો આંતિરક મામલો છે.
એકનાથ શિંદેના બળવાથી મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકાર પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. શિવસેનાના નેતા ભલે આ સંકટ માટે ભાજપને જવાબદાર માને પણ ભાજપ આ સંકટ સર્જાયું ત્યારથી મૌન છે. તે ખુલીને સામે આવવાની જગ્યાએ વેઇટ એન્ડ વોચની સ્થિતીમાં છે. તેને જાણે કે કોઇ ઉતાવળ ના હોય તેમ લાગી રહ્યું છે.
શિવસેનામાં બળવો કર્યા બાદ બે તૃતિયાંશ ધારાસભ્યો એ ગુવાહાટીમાં ધામા નાંખ્યા છે. ભાજપ એક તરફ આ શિવસેનાનો આંતરીક મામલો હોવાનું જણાવી રહ્યું છે. જો કે બળવાખોર ધારાસભ્યોની રોકાવાની વ્યવસ્થા ભાજપ શાસિત ગુજરાત અને આસામમાં કરવામાં આવી છે તે પણ નવાઇ પમાડે તેવું છે. જો કે એટલું ચોક્કસ છે કે આ રાજકીય ધમાસાણમાં જો કોઇને ફાયદો થવાનો છે તો તે ભાજપ જ છે.
ભાજપનું મૌનનું કારણ એ પણ હોઇ શકે કે ઉદ્ધવ સરકાર તોડીને શિવસેનાને સહાનુભૂતીનો ફાયદો મળે અને મરાઠા કાર્ડનો ઉપયોગ કરે તેમ ભાજપ ઇચ્છતું નથી. ભાજપને મહારાષ્ટ્રનો 2019નો અનુભવ અને 2020નો રાજસ્થાનનો અનુભવ પણ યાદ છે જેથી તે મૌન બેઠું છે.
ઉલ્લેખનીય છે કે 2019માં એનસીપી નેતા અજિત પવારની સાથે ભાજપે સરકાર બનાવાનો પ્રયાસ કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસને ખુરશી તો મળી હતી પણ માત્ર 80 કલાક જ તે પોતાના પદ પર રહી શક્યા હતા. ભાજપને આ ઘટનામાં ખાસી નાલેશીનો સામનો કરવો પડ્યો હતો. આ કડવા અનુભવ બાદ ભાજપ આ વખતે અંતર જ જાળવી રહ્યું છે.
બીજુ કારણ એ પણ છે કે બળવાખોર ધારાસભ્યો મુંબઇ પહોંચ્યા બાદ ક્યાંક ઉદ્ધવ ઠાકરે જૂથમાં પાછા ના જતા રહે . આ પ્રકારની ઘટનામાં ભાજપ રાજસ્થાનનમાં સચીન પાયલોટ મામલામાં અનુભવ કરી ચુકી છે. કોંગ્રેસે તે સમયે ભાજપ પર રાજ્યમાં ગેહલોત સરકારને અસ્થિર કરવા અને ધારાસભ્યોના ખરીદ વેચાણની કોશિશના આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસ સરકાર બચાવામાં સફળ રહી હતી.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એકનાથ શિંદેનું સમર્થન કર્યું છે પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચન્દ્રકાંત પાટીલ કહે છે કે તેમના પક્ષને આ સંકટ સાથે કોઇ લેવા દેવા નથી. શિવસેનાનો આ આંતરીક મામલો છે અને ઉદ્ધવ ઠાકરે પોતાના ધારાસભ્યોને એક રાખવામાં નિફ્ષળ ગયા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ ભલે હિન્દુત્વની પીચ પર પોતાને શિવસેના કરતા આગળ રાખે પણ મરાઠી અસ્મિતાના નામ પર શિવસેના કરતા આગળ નહી વધી શકે. તેથી ભાજપ વેઇન્ટ ઓન્ડ વોચ કરી રહ્યું છે.
Advertisement