Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે ધીરણપત્રો એનાયત, આટલા કરોડનું થયું ધીરાણ વિતરણ

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા હતા. પોલીસ ફોર્સ નહિ પોલીસ  સેવાનો ધ્યેય સાકાર કરતા અમદાવાદ શહેર પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરના કુલ 4,000થી વધુ લાભાર્થીઓને 6.72 કરોડનું ધીરાણ અપાયું તો રાજ્યભરમાં 13,800 લોકોને રૂ. 97 કરોડનું ધીરાણ વિતરણ થયું.લાભાર્થીઓને ચેક વિતરણઅમદà
05:30 PM Feb 25, 2023 IST | Vipul Pandya
અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા હતા. પોલીસ ફોર્સ નહિ પોલીસ  સેવાનો ધ્યેય સાકાર કરતા અમદાવાદ શહેર પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરના કુલ 4,000થી વધુ લાભાર્થીઓને 6.72 કરોડનું ધીરાણ અપાયું તો રાજ્યભરમાં 13,800 લોકોને રૂ. 97 કરોડનું ધીરાણ વિતરણ થયું.
લાભાર્થીઓને ચેક વિતરણ
અમદાવાદના સાયન્સસિટીના પ્રદર્શન ખંડ ખાતે 4 હજાર જેટલા સ્ટ્રીટ વેંડર્સને પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત ધીરાણ વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રી, અમદાવાદના ધારાસભ્યો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.  તેઓના હસ્તે કેટલાક પ્રતિનિધિ લાભાર્થીઓને ધીરાણના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીનું સંબોધન
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત આત્મનિર્ભર સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ધીરાણ વિતરણ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે, નાનામાં નાના માનવીની સમસ્યાનું સમાધાન કરીને તેને વિકાસની મુખ્યધારામાં લાવવાનો આ સરકારનો નિર્ધાર છે. ગુજરાતમાં પોલીસદળ પોલીસ ફોર્સ તરીકે નહીં પણ પોલીસ સર્વિસ તરીકે સેવારત રહી કલ્યાણકારી અભિગમોથી વડાપ્રધાનશ્રીની અંત્યોદય ઉત્થાનની ભાવનાને સાકાર કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નિર્માણ પામતી દરેક યોજનામાં નાનામાં નાના માણસને કેવી રીતે ઉપયોગી બની શકાય તેનો વિચાર કરવામાં આવે છે. કોરોનાકાળમાં રસીકરણની સાથોસાથ ઉદ્યોગો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાના વેપારીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર સ્વનિધિ યોજના દ્વારા નાના વેપારીઓને જરૂરિયાતના સમયે યોગ્ય રીતે ધીરાણ ઉપલબ્ધ કરાવવાની સાથે તેમને વ્યાજખોરીમાં ફસાતા બચાવ્યા છે.
આ યોજના થકી ધીરાણ મેળવી અનેક લોકોની ગીરવે મુકાયેલી જમીન, મકાન અને મહામુલા મંગળસૂત્ર પરત મળ્યા છે. તેમણે કહ્યું કે, સમયે-સમયે આવતી આર્થિક સંકળામણોને હળવી કરવા નાગરિકોએ નિઃશુલ્ક અનાજ, આરોગ્ય માટે આયુષ્યમાન યોજના, વિધવા અને વૃદ્ધ પેંશન  સહાય સહિતની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ. 
તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના બજેટને ઐતિહાસિક ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અમૃતકાળનું ₹3 લાખ કરોડથી વધુનું બજેટ અત્યારસુધીનું સૌથી મોટું બજેટ છે. આ જનહિતકારી બજેટથી છેવાડાના માનવીને વિકાસના લાભ મળે તેવો સરકારનો પ્રયાસ છે. જેમાં આયુષ્યમાન યોજનાનું કવર ₹5 લાખથી વધારી ₹10લાખ કરવા માટે પણ જોગવાઈ કરી છે. આવનારા પાંચ વર્ષમાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે પાંચ સ્તંભો પર બજેટ રજૂ કરાયું છે. સૌના સાથ, સૌના વિકાસ અને સૌના પ્રયાસથી ગુજરાતને આગળ વધારીએ તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. 
ગૃહરાજ્યમંત્રી શ્રીનું સંબોધન
આ પ્રસંગે ઉપસ્થિત ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસ નાગરિકોના સુખ-દુઃખમાં હંમેશા સાથે ઉભી રહે છે. તેમણે કહ્યું કે, લોકો વિવિધ કારણોસર જરૂરિયાતના સમયે ઊંચું વ્યાજ વસૂલતા લોકો પાસેથી મજબૂરીવશ ધિરાણ લેતા હોય છે. અને બાદમાં વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાય છે. આવી જ રીતે રાજ્યના હજારો લોકો કોરા ચેક અને સ્ટેમ્પ પર સહી કરી દેતા હોય છે. આવા લોકોને રૂપિયા માટે જીવનભરની બચત, જમીન, મકાન અને મહિલાઓએ સુહાગની નિશાની એવા મંગલસૂત્રને ગીરવી મુકવા પડે છે. આવા પીડિતોને વ્યાજખોરોની ચૂંગાલમાંથી બહાર કાઢી નવી દિશા અને ઉર્જા આપવાનું કામ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થયું છે.
શ્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, પોલીસ અમારું સાંભળશે કે નહીં, મદદ કરશે કે નહીં. જરૂરિયાતમંદ લોકોના મનમાં રહેલી આવી માન્યતાઓને તોડતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ લોકો વચ્ચે પહોંચ્યા અને તેમને સમજાવી તકલીફમાંથી બહાર લાવ્યા છે. વ્યાજ અને વ્યાજખોરોના દુષણને ડામવા અત્યાર સુધીમાં ૩,૫૦૦ લોક દરબાર આયોજિત કરવામાં  આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી શ્રી અને સ્થાનિક ધારાસભ્યોએ પોલીસની સાથે રહીને પીડિતોની ફરિયાદો સાંભળી. ત્વરિત પગલાં ભરતા પોલીસે અત્યારસુધીમાં ૧૦૦૦ જેટલા ગુનેગારોને પકડ્યા જેમાંથી ૨૭ પર PASA અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. તેમણે કહ્યું કે, પોલીસ લોકોને માત્ર વ્યાજના દૂષણ માંથી બહાર નથી લાવી પરંતુ જરૂરિયાતવાળા ૧૩,૮૦૦ લોકોને ₹ ૯૭ કરોડનું ધિરાણ અપાવવામાં મદદરૂપ પણ બની છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં માત્ર અમદાવાદ શહેરમાં જ ૪૦૦૦થી વધુ લોકોને ધિરાણ આપવામાં આવ્યું છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બેન્ક અધિકારીઓનો આભાર માની તેમણે સમગ્ર પોલીસ વિભાગને અભિનંદન આપ્યા હતા.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીનું સંબોધન
સ્વાગત સંબોધનમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, સંવેદનશીલ ગુજરાત સરકારના નેતૃત્વમાં છેવાડાનો માનવી સન્માનસભર જીવન જીવી શકે એ દિશામાં આ મહત્વનું પગલું છે, બેફામ વ્યાજ વસુલતા વ્યાજખોરો અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે પોલીસ એક મજબૂત દીવાલ બનીને ઉભી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી અને ગૃહરાજય મંત્રીશ્રીનું પોલીસને એક ફોર્સની સાથે એક સર્વિસ બનાવવાનું લક્ષ્ય છે. નિયમ અનુસાર ધિરાણ મળે અને વ્યાજખોરીમાંથી પીસાતી જનતાને બહાર લાવી અમદાવાદ પોલીસે લોકોને સેવા, સુરક્ષા અને શાંતિનો અહેસાસ કરાવ્યો છે. 
મહાનુભાવોની ઉપસ્થિતિ
કાર્યક્રમ સ્થળ પર લોકદરબારનું પણ આયોજન કરાયું હતું. આજના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી નરહરિ અમીન, અમદાવાદના ધારાસભ્ય સહુશ્રીઓ શ્રી અમિત શાહ, શ્રી હર્ષદ પટેલ, શ્રી બાબુભાઇ પટેલ, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રી અમિત ઠાકર, શ્રી જીતુભાઇ પટેલ, શ્રી હસમુખ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ, શ્રી પાયલ કુકરાણી, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી અમૂલભાઈ ભટ્ટ ઉપરાંત શહેર મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, અમદાવાદ મનપા કમિશનર શ્રી એમ થેંનારસન, અમદાવાદ મનપાના કાઉન્સિલર શ્રીઓ, સહયોગી બેંકોના અધિકારીઓ, સામાજિક સંગઠનોના હોદ્દેદારો અને લાભાર્થીઓએ હાજરી આપી હતી.
આ પણ વાંચો - કચ્છ જિલ્લાની 81 ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAssistanceAtmanirbharSwanidhiYojanaBhupendraPatelGujaratGujaratFirstGujaratGovernmentGujaratPoliceHarshSanghaviStreetvendors
Next Article