દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જુથના દાવાઓ
શિવસેનાની (Shivsena) સ્થાપનાના 56 વર્ષ બાદ પહેલીવાર મુંબઈમાં (Mumbai) દશેરાના અવસરે શિવસેનાની બે દશેરા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવસેના હાલ બે જૂથોમાં વહેંચાયેલી છે. એક ઉદ્ધવ ઠાકરેનું જૂથ છે તો બીજું એકનાથ શિંદેનું જૂથ છે. દશેરાના અવસરે બંનેએ પોતાને અસલી શિવસેના તરીકે સાબિત કરવા માટે દાવાઓ કર્યાં. ઉદ્ધવ ઠાકરેની રેલી શિવાજી પાર્કમાં થઈ હતી જ્યારે એકનાથ શિંદેની રેલી બાંદ્રા કુર્à
05:04 PM Oct 05, 2022 IST
|
Vipul Pandya
શિવસેનાની (Shivsena) સ્થાપનાના 56 વર્ષ બાદ પહેલીવાર મુંબઈમાં (Mumbai) દશેરાના અવસરે શિવસેનાની બે દશેરા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવસેના હાલ બે જૂથોમાં વહેંચાયેલી છે. એક ઉદ્ધવ ઠાકરેનું જૂથ છે તો બીજું એકનાથ શિંદેનું જૂથ છે. દશેરાના અવસરે બંનેએ પોતાને અસલી શિવસેના તરીકે સાબિત કરવા માટે દાવાઓ કર્યાં. ઉદ્ધવ ઠાકરેની રેલી શિવાજી પાર્કમાં થઈ હતી જ્યારે એકનાથ શિંદેની રેલી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં થઈ હતી. શિવાજી પાર્ક અને BKC મેદાન ખાતે અનુક્રમે ઠાકરે અને એકનાથ શિંદેની અલગ-અલગ રેલીઓને સંબોધિત કરી. બંનેએ દાવો કર્યો હતો કે તેઓ દિવંગત બાળ ઠાકરેના આદર્શોને આગળ ધપાવી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેની રેલી
દશેરાના અવસરે શિવાજી પાર્કમાં (Shivaji Park) ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) મેગા રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવે કહ્યું છે કે, ગદ્દારને ગદ્દાર જ કહેવામાં આવશે. તે વાતનો ખ્યાલ સૌને હોવો જોઈએ કે શિવસેનાની ગાદી મારા શિવસૈનિકની છે. જનતા ક્યારેય પણ કટપ્પાને માફ નહી કરે. ભાજપે પણ યોગ્ય નથી કર્યું, તેણે પણ દગો આપવાનું કામ પણ કર્યું છે. શિંદે પર મોટું નિવેદન આપતા ઉદ્ધવે એમ પણ કહ્યું કે, આ લોકો શિવસેનાનું નામ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ લોકો થોડા સમય માટે જ ખુરશી પર રહેવાના છે. તેમનું કોઈ ભવિષ્ય નથી. હું હિંદુ છું, કોઈએ ડરવાની જરૂર નથી, નમવાની જરૂર નથી.
ઉદ્ધવે વધુમાં કહ્યું કે, મારું નામ માત્ર ઉદ્ધવ ઠાકરે નથી, હું ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે છું. મારે ભાજપના લોકો પાસેથી હિન્દુત્વના પાઠ શિખવાની જરૂર નથી. ભાજપના લોકો અત્યારે શિવસેનાનું સિંહાસન છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જે પણ કરી રહ્યા છે તે યોગ્ય નથી. વડાપ્રધાન મોદીની પાકિસ્તાન મુલાકાતનો ઉલ્લેખ કરતા ઉદ્ધવે એમ પણ કહ્યું કે, જે લોકો પાકિસ્તાનમાં કેક ખાય છે, તેઓ હિન્દુત્વની વાત કેવી રીતે કરી શકે છે. તમે માત્ર ગાય-ગાયની જ વાત કરો છો, મોંઘવારી પર ક્યારેય કંઈ બોલશો નહીં.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, ફરી એકવાર તેઓ ચોક્કસપણે કોઈ શિવસૈનિકને મુખ્યમંત્રી બનાવશે. મેં મારા પિતાજીને જે વચન આપ્યું હતું, તે વચન આજે હું તમને આપું છું. ફરી એકવાર શિવસૈનિક મુખ્યમંત્રી બનીને રહેશે. તે દરેક ચૂંટણીમાં પોતાના વિરોધીઓને ધૂળ ચટાડી દેશે.
શિંદેની રેલી
મહારાષ્ટ્રના BKC ગ્રાઉન્ડ ખાતે દશેરા રેલીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) છત્રપતિ શિવાજી મહારાજ કી જય સાથે તેમના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, શિવસેનાના સ્થાપકના વિચારોથી પ્રેરિત થઈને હું અહીં હાજર રહેલા કટ્ટર શિવસૈનિકોને મારી નમ્ર શુભેચ્છાઓ પાઠવું છું. એકનાથ શિંદેએ કહ્યું કે, તમે (ઉદ્ધવ ઠાકરે) કોર્ટમાં જઈને શિવાજી પાર્ક મેળવ્યો, પરંતુ અમે અસલી શિવસેનાના વારસદાર છીએ. અમને ભલે મેદાન ન મળે, પરંતુ શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેના વિચારો અમારી સાથે છે.
શિંદેએ કહ્યું કે, શિવસેના ન તો ઉદ્ધવ ઠાકરેની છે કે ન તો એકનાથ શિંદેની. આ શિવસેના માત્ર અને માત્ર બાળાસાહેબ ઠાકરે અને અહીંના શિવસૈનિકોના વિચારોની છે. તમે બધા બાળાસાહેબના શિવસૈનિક છો, તેમના વિચારોના સાચા વારસદાર છો, શિવસૈનિકો છો. આપણે બાળાસાહેબ ઠાકરેના વિચારોના વારસદાર છીએ. એટલા માટે આપણે વિચારો સાથે ઉભા છીએ. છેલ્લા મહિનામાં અમને ગદ્દાર કહેવામાં આવ્યા હતા પણ ગદ્દારી તો 2019માં થઈ હતી. તમે તેણે બાળાસાહેબના વિચારો સાથે દગો કર્યો. મહારાષ્ટ્રની જનતા સાથે દગો કર્યો છે અને તમે અમને દેશદ્રોહી કહો છો. અમે જે કર્યું તે ગદ્દારી નહી ગદર છે. ગદર એટલે ક્રાંતિ. આખા મહારાષ્ટ્રે આ જોયું છે. અમે દેશદ્રોહી નથી.
Next Article