Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માધવપુરના કાંઠે ડણક દઈ રહ્યા છે વધુ બે વનરાજ

માંગરોળના દરિયાઈ વિસ્તારમાંથી પોરબંદરના બરડા ડુંગરમાં પહોંચેલા ચાર વર્ષના નર સિંહ (Lion) `કોલંબસ'ના પગલે હવે અન્ય બે ડાલામથ્થાં પણ પોરબંદર (Porbandar) જિલ્લાના સીમાડે ડણકી રહ્યા છે. પોરબંદર જિલ્લાની હદ સમીપ માધવપુર અને માંગરોળ બોર્ડર પર બે વનરાજના આંટાફેરા શરુ થયાનું જાણવા મળી રહ્યું છે. જંગલ ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ આ બંને સિંહો એ જ છે જેમણે વિસ્તાર પર પોતાનું આધિપત્ય જમાવવા માટે `à
05:06 AM Jan 26, 2023 IST | Vipul Pandya
માંગરોળના દરિયાઈ વિસ્તારમાંથી પોરબંદરના બરડા ડુંગરમાં પહોંચેલા ચાર વર્ષના નર સિંહ (Lion) `કોલંબસ'ના પગલે હવે અન્ય બે ડાલામથ્થાં પણ પોરબંદર (Porbandar) જિલ્લાના સીમાડે ડણકી રહ્યા છે. પોરબંદર જિલ્લાની હદ સમીપ માધવપુર અને માંગરોળ બોર્ડર પર બે વનરાજના આંટાફેરા શરુ થયાનું જાણવા મળી રહ્યું છે. જંગલ ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ આ બંને સિંહો એ જ છે જેમણે વિસ્તાર પર પોતાનું આધિપત્ય જમાવવા માટે `કોલંબસ'ને ત્યાંથી ખદેડતાં તે ફરતો-ફરતો પહેલાં પોરબંદર શહેરની ભાગોળે અને પછી ત્યાંથી બરડા પંથકમાં પહોંચી ગયો હતો. ત્યારે હવે આ બંને સિંહો પણ કોલંબસના રુટને અનુસરીને પહેલાં પોરબંદર અને પછી બરડા ડુંગરમાં આવી પહોંચે તેવી સંભાવના પોરબંદર વન વિભાગના અધિકારીઓ દર્શાવી રહ્યા છે અને જો આમ થશે તો ગીરના સિંહો બરડામાં પોતાના સદી પુરાણા ઈતિહાસને ફરી જીવંત કરવા તરફ આગળ વધી રહ્યા હોવાની વાતને બળ મળશે.
બંને સિંહો વચ્ચે ગાઢ મિત્રતા
પોરબંદરના આરએફઓ (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) ભમ્મરે જણાવ્યું હતું કે, `છેલ્લાં ૧૫ દિવસથી ત્રણેક વર્ષના બે વનરાજો માંગરોળના કોસ્ટલ એરિયામાંથી માધવપુરના દરિયાઈ વિસ્તારમાં આવી ચડે છે. આ બંને સિંહો વચ્ચે ગાઢ મિત્રતા છે. બંને બે દિવસ માધવપુરમાં પોરબંદર જિલ્લાની હદમાં રહે છે તો ફરી પાછા બે દિવસ માંગરોળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલ્યા જાય છે. નજીકમાં જ રેવન્યૂ વિસ્તાર છે અને અહીં બંનેને પૂરતો શિકાર પણ મળી રહે છે.'

 બંને ડાલામથ્થાંએ જ કોલંબસને માધવપુર-માંગરોળ પંથકમાંથી ખદેડીને ત્યાં પોતાનું આધિપત્ય જમાવ્યું 
આરએફઓ ભમ્મરના જણાવ્યા મુજબ `આ બંને ડાલામથ્થાંએ જ કોલંબસને માધવપુર-માંગરોળ પંથકમાંથી ખદેડીને ત્યાં પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. કોલંબસ પણ આ બંનેની જેમ જ માંગરોળ અને માધવપુરની બોર્ડર વચ્ચે આવ-જા કરતો હતો અને પછી ત્યાંથી પહેલાં પોરબંદર શહેરની ભાગોળે અને ત્યાંથી છેક બરડા અભયારણ્ય સુધી આવ્યો હતો. આ બંને નર સિંહો ત્રણ વર્ષના છે અને તેમનું બિહેવીયર પણ કોલંબસ જેવું જ છે, ત્યારે આ બંને પણ કોલંબસે બરડા સુધી શોધેલા માર્ગ પર ચાલી નીકળે અને આગામી સમયમાં બરડા સુધી આવી પહોંચે તો નવાઈ નહીં.'

દોઢ સદી બાદ બરડો ડુંગર ફરી સાવજોની ગર્જનાઓથી ગાજી ઉઠશે
ગીરના સિંહો માધવપુર અને માંગરોળના દરિયાઈ વિસ્તારોમાં તો ઝાઝાં સમયથી જોવા મળી રહ્યા છે, પરંતુ જો માધવપુરના કાંઠે ડણક દઈ રહેલા બંને સિંહો જો ફરતાં-ફરતાં બરડા અભયારણ્યમાં આવી પહોંચે તો દોઢ સદી બાદ બરડો ડુંગર ફરી સાવજોની ગર્જનાઓથી ગાજી ઉઠશે તે વાત નક્કી છે અને સાથેસાથે પોરબંદર જિલ્લાના પર્યટન ક્ષેત્રના વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બરડામાં `કોલંબસ'નો રાહ આસાનબનાવવા સાસણથી આવી ટે્રકર ટીમ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના કોસ્ટલ એરિયામાંથી ફરતાં-ફરતાં પોતાના સદીપુરાણા વતન બરડાને શોધી કાઢનાર વનરાજ `કોલંબસ'ના રાહ બરડામાં આસાન બની રહે તે માટે પોરબંદર વન વિભાગ દ્વારા સાસણથી નિષ્ણાત ટે્રકર્સની એક ટીમને પોરબંદર બોલાવવામાં આવી છે. સિંહો ના ટે્રકીંગમાં નિષ્ણાત આ ત્રણ સભ્યોની ટીમ દ્વારા બરડા ડુંગરમાં `કોલંબસ' માલધારીઓ તથા સમગ્ર વિસ્તાર સાથે હળી-મળી જાય તેવા પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. `કોલંબસ'ને બાંધવામાં આવેલા રેડિયો કોલરના આધારે તેનું લોકેશન મેળવતાં રહીને ટે્રકર ટીમ તેને બરડામાં સુરક્ષિત પણ સ્થાપિત કરવા માટે પ્રયાસરત બની છે.
આ પણ વાંચો--AMTSનું બજેટ થયું રજૂ,આ વર્ષે શહેરીજનોની સુવિધા માટે શું હશે નવું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ForestGujaratFirstLionMadhavpurPorbandar
Next Article