સરકાર પડ્યા પછી ઈમરાન ખાને આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું- વિદેશી ષડયંત્ર સામે હવે લડાઈ શરૂ
રવિવારે વહેલી
સવારે સત્તા પરથી હટાવવાની સાથે ઇમરાન ખાન દેશના એવા પહેલા પીએમ બની ગયા છે જેમની સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા વિદાય થઈ છે. અવિશ્વાસ
પ્રસ્તાવ હાર્યા બાદ ઈમરાન ખાનની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે ટ્વિટ કર્યું છે
કે વિદેશી ષડયંત્ર વિરુદ્ધ ફરી સ્વતંત્રતા સંગ્રામ શરૂ થયો છે. ત્રણ વર્ષ, સાત મહિના અને 23 દિવસ પછી ઇમરાન ખાન પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ
હારી ગયા. તેમના જવાથી વિપક્ષના નેતા શાહબાઝ શરીફ માટે પીએમ પદનો રસ્તો ખુલ્લો થઈ
ગયો છે. આવતીકાલે પાક સંસદમાં મતદાન બાદ તેની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવશે.
બીજી તરફ પીએમ પદ
ગુમાવ્યા બાદ ઈમરાન ખાનની પહેલી પ્રતિક્રિયા આવી છે. ઈમરાન ખાને ટ્વિટ કરીને
કહ્યું કે, વિદેશી ષડયંત્ર સામે આઝાદીની લડાઈ શરૂ
થઈ ગઈ છે. તો બીજી તરફ સેનેટર ફૈઝલ જાવેદ ખાને કહ્યું, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાન આજે પાર્ટીની કોર
કમિટીની બેઠકની અધ્યક્ષતા કરશે. ઈમરાન ખાન ભવિષ્યની કાર્યવાહીની જાહેરાત કરશે.
ઈમરાન ખાનની પાર્ટીના ટોચના નેતાઓએ તેમની સાથે મળીને લડવાની પ્રતિજ્ઞા લીધી છે.
ભૂતપૂર્વ નાણા અને આરોગ્ય પ્રધાન તૈમૂર ખાન ઝાગરાએ કહ્યું હતું કે યુદ્ધ હારવું
મહત્વપૂર્ણ નથી. ભૂતપૂર્વ ઉર્જા પ્રધાન હમ્માદ અઝહરે કહ્યું કે "બહાદુર"
નેતા ઈમરાન ખાનના આહ્વાન પર સમગ્ર પાકિસ્તાનમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં
આવશે.
નોંધનીય છે કે શાહ
મેહમૂદ કુરેશીએ પાકિસ્તાનના નવા પીએમ પદ માટે શાહબાઝ શરીફ વિરુદ્ધ પીટીઆઈ વતી
નામાંકન દાખલ કર્યું છે. નેશનલ એસેમ્બલી હવે ઉત્તરાધિકારીની પસંદગી માટે 11 એપ્રિલે મતદાન કરશે. પાકિસ્તાન
મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)
ના પ્રમુખ શાહબાઝ શરીફ, જેઓ હાલમાં નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા છે, તેઓ આગામી વડાપ્રધાન બનવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે બિલાવલ
ભુટ્ટોને વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે.