Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રીય કક્ષાની 15 મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ

જૂનાગઢમાં રાષ્ટ્રીય કક્ષાની 15 મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગરવા ગિરનારને સર કરવા દેશના 13 રાજ્યોના 545 સ્પર્ધકોએ દોડ લગાવી હતી, ભાઈઓ માટે 5500 અને બહેનો માટે 2200 પગથિયા સુધીની સ્પર્ધા યોજાઈ હતી, મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજય કોરડીયા, સ્ટેન્ડીંગ ચેરમેન હરેશ પરસાણા, જીલ્લા રમત ગમત અધિકારી સહીતનાએ સ્પર્ધાને લીલી ઝંડી આપી હતી અને વિજેતા સ્પર્ધકોને રોકડ, ટ્રોફી પ્
રાષ્ટ્રીય કક્ષાની 15 મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ
જૂનાગઢમાં રાષ્ટ્રીય કક્ષાની 15 મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગરવા ગિરનારને સર કરવા દેશના 13 રાજ્યોના 545 સ્પર્ધકોએ દોડ લગાવી હતી, ભાઈઓ માટે 5500 અને બહેનો માટે 2200 પગથિયા સુધીની સ્પર્ધા યોજાઈ હતી, મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજય કોરડીયા, સ્ટેન્ડીંગ ચેરમેન હરેશ પરસાણા, જીલ્લા રમત ગમત અધિકારી સહીતનાએ સ્પર્ધાને લીલી ઝંડી આપી હતી અને વિજેતા સ્પર્ધકોને રોકડ, ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશની રંજના યાદવનો સ્પર્ધા પ્રથમ નંબર મેળવ્યો
15 મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં જૂનાગઢના લાલા પરમાર એ 56 મિનિટ 58 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ રહ્યા હતા જ્યારે જુનિયર ભાઈઓ માં હરીયાણાના સાગર એ 1 કલાક 31 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ નંબર મેળવ્યો તો સિનિયર બહેનોમાં ઉત્તરપ્રદેશની તામસી સિંઘ એ 31 મિનિટ અને 24 સેકન્ડ માં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમાંકે રહી જ્યારે જુનિયર બહેનોમાં ઉત્તરપ્રદેશની રંજના યાદવ એ 38 મિનિટ 52 સેકન્ડ માં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો.
 13 રાજ્યોના સ્પર્ધકોએ ગરવા ગિરનારને સર કરવા દોડ લગાવી હતી
જૂનાગઢમાં 15 મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ જેમાં 13 રાજ્યોના કુલ 545 સ્પર્ધકોએ ગરવા ગિરનારને સર કરવા દોડ લગાવી હતી, રાજ્યના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં દર વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાજ્યકક્ષાની અને ફેબ્રુઆરી માસના પ્રથમ રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે.
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ચાર વિભાગમાં યોજાઇ
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ચાર વિભાગમાં યોજાય છે જેમાં 14 થી 18 વર્ષની ઉંમરના જુનિયર ભાઈઓ બહેનો અને 19 થી 35 વર્ષની ઉંમરના સિનિયર ભાઈઓ બહેનોની સ્પર્ધા યોજાઈ છે. સિનિયર અને જુનિયર બન્ને વિભાગમાં ભાઈઓ માટે 5500 પગથિયા સુધી અને સિનિયર જુનિયર બહેનો માટે 2200 પગથિયા સુધીની સ્પર્ધા હોય છે. સ્પર્ધામાં ભાઈઓ માટે બે કલાક અને બહેનો માટે દોઢ કલાકની સમય મર્યાદા હોય છે, આ નિયત સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરનારને જ પ્રમાણપત્ર મળે છે, વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. 
સ્પર્ધકોના ચેસ્ટ નંબરની સાથે એક ચીપ બાંધવામાં આવે છે
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દ્વારા સ્પર્ધકોના ટાઈમિંગની સચોટ ગણતરી કરવામાં આવે છે અને સોફ્ટવેરના માધ્યમથી પરિણામ તૈયાર કરવામાં આવે છે. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોના ટાઈમિંગની સચોટ ગણતરી માટે એટલે કે, કેટલા સમયની અંદર સ્પર્ધકોએ સ્પર્ધા પૂર્ણ કરી, તેની ગણતરી કરવા માટે રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પર્ધકોના ચેસ્ટ નંબરની સાથે એક ચીપ બાંધવામાં આવે છે, જે શરૂઆતની લાઈનથી સ્પર્ધકો પસાર થતાં તેને ટેકનોલોજીના માધ્યમથી રીડ કરવામાં આવે છે. તેમજ સ્પર્ધકો અંતની લાઈન પર પહોંચતા તેની સ્પર્ધા પૂર્ણ કર્યાનો સમય સિસ્ટમમાં નોંધાઈ જાય છે. આમ, સોફ્ટવેરના માધ્યમથી સ્પર્ધાનું પરિણામ તૈયાર થઈ જાય છે.
ગિરનાર આરોહરણ અવરોહણ સ્પર્ધાને એક કઠિન સ્પર્ધા તરીકે ગણવામાં આવે છે
ગિરનાર આરોહરણ અવરોહણ સ્પર્ધાને એક કઠિન સ્પર્ધા તરીકે ગણવામાં આવે છે. જેમાં ભાઈઓને ગિરનારના 5500 પગથિયા એટલે કે અંબાજી સુધી અને બહેનોને 2200 પગથિયા એટલે કે માલી પરબ સુધી ચઢવા અને ઉતરવાના હોય છે. ત્યારે આ કઠિનત્તમ સ્પર્ધામાં સ્પર્ધકોને શારીરીક શ્રમ સાથે દુઃખાવા પણ થતા હોય છે તેમ છતાં ભારે ઉત્સાહ સાથે સ્પર્ધકો આ સાહસિક સ્પર્ધામાં જોડાય છે. પૂર્વ ધારાસભ્ય અને સેવાભાવી મહેન્દ્ર મશરૂ જ્યારથી આ સ્પર્ધાની શરૂઆત થઈ ત્યારથી આ સ્પર્ધામાં સેવા આપે છે અને અબાજી ખાતે તેમના દ્વારા જ સ્પર્ધકોને છાતી પર એક સિક્કો મારવામાં આવે છે જેથી સ્પર્ધક અંબાજી સુધી પહોંચ્યો છે કે કેમ તે પણ પ્રમાણિત થાય છે. સ્પર્ધા દરમિયાન મહેન્દ્ર મશરૂની ટીમ જરૂરી પ્રાથમિક સારવાર તથા પાણી, લીંબુ શરબત જેવી સ્પર્ધકો માટેની સુવિધાઓ ઉભી કરે છે અને નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે.
15 મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકોની વિગત
  • સિનિયર ભાઈઓ - 249
  • જુનિયર ભાઈઓ - 128
  • કુલ ભાઈઓ - 377
  • સિનિયર બહેનો - 83
  • જુનિયર બહેનો - 85
  • કુલ બહેનો - 168
15 મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના વિજેતાઓની વિગત
  • સિનિયર ભાઈઓ - લાલા પરમાર, જૂનાગઢ, ગુજરાત - 00-56-58
  • જુનિયર ભાઈઓ - સાગર - હરીયાણા - 01-00-31
  • સિનિયર બહેનો - તામસી સિંઘ - ઉત્તરપ્રદેશ - 00-31-24
  • જુનિયર બહેનો - રંજના યાદવ - ઉત્તરપ્રદેશ - 00-38-52 
ક્યા રાજ્યમાંથી કેટલાં સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
  • ગુજરાત - 180
  • બિહાર - 168
  • દિવ - 100
  • હરીયાણા - 75
  • ઉત્તરપ્રદેશ - 29
  • મધ્યપ્રદેશ - 23
  • મહારાષ્ટ્ર - 22
  • રાજસ્થાન - 20
  • જમ્મુ કાશ્મીર - 15
  • કર્ણાટક - 3
  • દમણ - ઝારખંડ - કેરલ - 1-1-1

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.