Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી, 762 વ્યાજખોર સામે ગુના દાખલ

રાજ્યભરમાં 762 વ્યાજખોર સામે ગુના દાખલ316 વ્યાજખોરો પકડાયાવ્યાજખોરો સામે 464 એફઆઇઆર નોંધાઇગુજરાત (Gujarat)માં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વ્ય
રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી  762 વ્યાજખોર સામે ગુના દાખલ
રાજ્યભરમાં 762 વ્યાજખોર સામે ગુના દાખલ
316 વ્યાજખોરો પકડાયા
વ્યાજખોરો સામે 464 એફઆઇઆર નોંધાઇ
ગુજરાત (Gujarat)માં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં ૪૬૪ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં ૭૬૨ આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. તે પૈકી ૩૧૬ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે.

સરકારની કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ
કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શનમાં થઇ રહેલી આ કામગીરીથી રાજ્યમાં વ્યાજખોરોમાં સોંપો પડી ગયો છે.

5 તારીખથી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ
તા.૫મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત ઠેર ઠેર યોજવામાં આવતા લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી. મુખ્યમંત્રીશ્રી અને ગૃહરાજ્યમંત્રીશ્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે. 
ગૃહવિભાગ દ્વારા ૯૩૯ લોકદરબાર યોજાયા
તા.૫મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા ૯૩૯ લોકદરબાર યોજ્યા છે. જેમાં ૪૬૪ પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે. જે ફરિયાદો અંતર્ગત ૭૬૨ આરોપીઓના નામ સ્પષ્ટ થતાં તેમના સામે કડક કાર્યવાહી માટે ગુના નોંધી તે પૈકી ૩૧૬ વ્યાજખોર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 
ડાયમંડ સિટી સુરતમાં વ્યાજખોરો પર સામૂહિક તવાઈ
રાજ્યના ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં પણ મોટાપાયે વ્યાજખોરો સક્રિય બન્યા હતાં. જો કે રાજ્ય સરકારની આ કડક કાર્યવાહીની સીધી અસરથી વ્યાજખોરો પર અંકુશ આવી ગયો છે. સુરતમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયાનું ધીરાણ કરનારા અને પછી મિલકતો પડાવી લેવાના અનેક કિસ્સામાં પોલીસની કડક કાર્યવાહીથી નાગરીકોને રાહત મળી છે. 

વડોદરામાં પણ વ્યાજખોરોની શાન ઠેકાણે લાવતી પોલીસ
વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહના માર્ગદર્શનમાં હાથ ધરાયેલી ઝૂંબેશમાં વડોદરામાં પણ અનેક કિસ્સામાં અરજદારોને વ્યાજખોરોના દબાણમાંથી પોલીસે મુક્ત કરાવ્યાં છે.  વડોદરામાં નાણાં ધીરધાર કર્યાં બાદ ઊંચા વ્યાજે મોટી રકમ પડાવવાના આરોપસર બે વ્યાજખોરો પ્રણવ ત્રિવેદી અને ગૌરાંગ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને પાસા અંતર્ગત રાજકોટ અને ભૂજની જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે.
આદર્શ સમાજના નિર્માણની દિશામાં પગલું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે. અત્યાર સુધી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આત્યંતિક પગલું ભરવાની તૈયારી કરી ચૂકેલાં કેટલાંક પરિવારો પણ હવે સામે આવી રહ્યાં છે. પોલીસને મુક્તમને પોતાની વ્યથા જણાવી રહ્યાં છે. પોલીસ પણ તેમની પીડા સાંભળીને વ્યાજખોરોના વિષચક્રમાંથી તેમને મુક્ત કરી રહ્યાં છે. ગુજરાતમાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને તેવા અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લાગે તે અભિગમ સાથે ચાલી રહેલું આ અભિયાન ખરેખર એક મોટા સામાજિક દૂષણનો પણ અંત લાવશે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.