શિવસેનાના બળવાખોર સાંસદોને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી, વધુ સાંસદો શિંદે જૂથમાં જોડાવાની શક્યતા
મહારાષ્ટ્રમાં શિવસેનામાં ચાલી રહેલા
હોબાળા વચ્ચે 12 બળવાખોર સાંસદોને Y શ્રેણીની
સુરક્ષા આપવામાં આવી છે. આ એ જ બળવાખોર સાંસદ છે જેમણે લોકસભાના અધ્યક્ષને પત્ર
લખ્યો હતો. મળતી માહિતી મુજબ, આ સુરક્ષા સોમવાર રાતથી આપવામાં આવી
છે. આ 12 સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને રાહુલ શેવાળેને નેતા તરીકે
ઓળખવા વિનંતી કરી હતી.
એવી અટકળો છે કે શિવસેનાના 18માંથી 12
સાંસદો શિંદે જૂથના સંપર્કમાં છે. આ તમામ સાંસદો ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈ શકે છે અને
પોતાનો અલગ જૂથ બનાવી શકે છે. એવી અટકળો પણ હતી કે આ તમામ સાંસદો એકનાથ શિંદેને
સમર્થન જાહેર કરી શકે છે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે શિવસેનાના શિંદે
જૂથ દ્વારા સોમવારે બોલાવવામાં આવેલી બેઠકમાં શિવસેનાના 19માંથી 12 સાંસદોએ
વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી.
તેનાથી વિપરિત ઉદ્ધવ ઠાકરે જૂથે સોમવારે સાંજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને એક અરજી
સુપરત કરીને કહ્યું કે વિનાયક રાઉતને સંસદીય દળના નેતા તરીકે નિયુક્ત કરવામાં
આવ્યા છે. પાર્ટીએ તેમને વિનંતી કરી છે કે તેઓ પક્ષથી અલગ થયેલા જૂથની કોઈપણ
રજૂઆતને ધ્યાનમાં ન લે. શિવસેના સંસદીય દળના નેતા રાઉતે સ્પીકરને એક પત્ર સુપરત
કર્યો છે, જેમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે
રાજન વિચારેને મુખ્ય દંડક બનાવવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે
શિવસેનાના આ 12 બળવાખોર ધારાસભ્યોને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા દિલ્હી ઉપરાંત મુંબઈમાં
પણ આપવામાં આવશે. અત્યારે તમામની નજર મંગળવારે યોજાનારી લોકસભાની કાર્યવાહી પર છે.
લોકસભા સ્પીકર આ મામલે કોઈ મોટો નિર્ણય લેશે કે કેમ તે તો સમય જ કહેશે. કેટલાક મીડિયા અહેવાલોને ટાંકીને,
અન્ય એક સમાચાર સામે આવ્યા છે કે મહારાષ્ટ્રના
મુખ્યમંત્રી એકનાથ શિંદે સોમવારે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યા છે. અને દાવો
કર્યો છે કે 12 નહીં પરંતુ 18 સાંસદો તેમની સાથે છે. હજુ સુધી, મુખ્યમંત્રી કાર્યાલયે તેમની એક દિવસીય મુલાકાતનું કોઈ કારણ આપ્યું
નથી, ન તો તેની પુષ્ટિ કરવામાં આવી છે.