PM મોદીના અભિનંદન પર શાહબાઝ શરીફે આપ્યો જવાબ, કહ્યું – ભારત પાકિસ્તાન સંબંધો સારા કરવા હોય તો...
ભારત અને પાકિસ્તાને માત્ર
પ્રાદેશિક શાંતિ સુનિશ્ચિત કરવી જોઈએ નહીં પરંતુ તેમના લોકોના
સામાજિક-આર્થિક વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પાકિસ્તાનના નવા
વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીના અભિનંદન સંદેશનો જવાબ આપતાં
આ વાત કહી. શાહબાઝ શરીફે સોમવારે રાજકીય અનિશ્ચિતતાનો અંત લાવતા પાકિસ્તાનના
વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનની હકાલપટ્ટી
બાદ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા છે.
વડાપ્રધાન તરીકે ચૂંટાયા
પછી તરત જ શરીફે ફરીથી ભારત સાથે મિત્રતાની ઓફર કરી અને તેમના પ્રથમ ભાષણમાં
કહ્યું કે માત્ર કાશ્મીર મુદ્દાને ઉકેલવાથી જ બંને દેશો ગરીબી અને રોજગાર જેવી
તેમની સામાન્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. PM મોદીએ સોમવારે ટ્વિટર પર શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા
બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે ભારત આતંકવાદ મુક્ત ક્ષેત્રમાં શાંતિ
અને સ્થિરતા ઇચ્છે છે.
પીએમ
મોદીના અભિનંદનનો જવાબ આપતા શાહબાઝ શરીફે મંગળવારે એક ટ્વીટ કરતા કહ્યું કે, અભિનંદન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. પાકિસ્તાન ભારત સાથે
શાંતિપૂર્ણ અને સહયોગી સંબંધો ઈચ્છે છે. જમ્મુ-કાશ્મીર સહિત તમામ વિવાદોનું
શાંતિપૂર્ણ નિરાકરણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં કહ્યું, આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનનું બલિદાન સૌ કોઈ જાણે છે. ચાલો આપણે
શાંતિ સુનિશ્ચિત કરીએ અને આપણા લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
તેમના અભિનંદન સંદેશમાં કહ્યું હતું કે, ભારત આતંકવાદથી મુક્ત
પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે, જેથી આપણે આપણા વિકાસના
પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ
સુનિશ્ચિત કરી શકીએ. સોમવારે સેનેટ પ્રમુખ સાદિક
સંજરાનીએ રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીની ગેરહાજરીમાં પાકિસ્તાનના નવા વડા પ્રધાન
તરીકે શપથ લીધા હતા. આ પહેલા ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ
મહેમૂદ કુરેશીએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ
(પીટીઆઈ) સંસદમાં મતદાનમાં ભાગ લેશે નહીં.