રાજનાથ સિંહે મમતા બેનર્જી સહિતના આ વિપક્ષી નેતાઓ સાથે ટેલિફોનિક વાત કરી
ભાજપે બુધવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે વિપક્ષી નેતાઓનો સંપર્ક કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ સાથે વાત કરી હતી. તેમણે NCP પ્રમુખ શરદ પવાર અને BSP વડા માયાવતી સાથે
05:17 PM Jun 15, 2022 IST
|
Vipul Pandya
ભાજપે બુધવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે વિપક્ષી નેતાઓનો સંપર્ક કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ સાથે વાત કરી હતી. તેમણે NCP પ્રમુખ શરદ પવાર અને BSP વડા માયાવતી સાથે પણ વાત કરી હતી.
રાજનાથ સિંહ અને જેપી નડ્ડાને જવાબદારી સોંપાઇ
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહે એનડીએના સહયોગી જેડીયુનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે નવીન પટનાયકને પણ ફોન કર્યો હતો. જે દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર પર સર્વસંમતિ બનાવવા અંગે ચર્ચા થઈ હતી. આ પહેલા રવિવારે ભાજપે રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષ સહિત વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવાની જવાબદારી સોંપી હતી. જેથી રાજનાથ સિંહે ખડગે, બેનર્જી અને યાદવ સહિત અન્ય કેટલાક પક્ષોના નેતાઓ સાથે પણ ફોન પર વાત કરી હતી.
વિપક્ષી નેતાઓ એનડીએના ઉમેદવારનું નામ જાણવા માગે છે
રાજનાથ સિંહે વિપક્ષના નેતાઓ સાથે એવા સમયે વાત કરી છે જ્યારે મમતા બેનર્જીએ વિપક્ષના સંયુક્ત ઉમેદવારના નામ પર સહમતિ બનાવવા માટે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વિપક્ષી નેતાઓ રાજનાથ સિંહ પાસેથી બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાણવા માગે છે. તો આ તરફ મમતા બેનર્જીએ બોલાવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં બુધવારે અનેક પક્ષોના નેતાઓએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને સંયુક્ત વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે ફરી એકવાર આ ઓફર ઠુકરાવી દીધી હતી.
શરદ પવારે વિપક્ષી દળોની ઓફર ફગાવી
શરદ પવારે ઓફર ફગાવી દીધા બાદ વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લા અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર ગોપાલ કૃષ્ણ ગાંધીના નામો પણ સંભવિત વિપક્ષી ઉમેદવારો તરીકે ઉભરી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ યોજાશે. જો જરુર જણાશે તો મતગણતરી 21 જુલાઈના રોજ થશે.
ભાજપ માટે રાહત
દરમિયાન બીજેપી પ્રમુખ જેપી નડ્ડાએ નેશનલ કોંગ્રેસ, નેશનલ પીપલ્સ પાર્ટી, નાગા પીપલ્સ ફ્રન્ટ, એજેએસયુ અને અપક્ષોના નેતાઓ સાથે વાત કરી હતી. ભાાજપ માાટે રાાહતની વાત એ પણ ગણી શકાય કે આજે દિલ્હીમાં મમતા બેનર્જીએ વિપક્ષી દળોની એ બેઠક બોલાવી હતી તેમાં બીજુ જનતા દળ (બીજેડી), તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અને આમ આદમી પાર્ટી (આપ) હાજર રહ્યા નહોતા. આ બેઠક વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના સંયુક્ત ઉમેદવારને નક્કી કરવા બોલાવવામાં આવી હતી.
Next Article