પોલીસકર્મીએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું, મારા પીઆઇના ત્રાસથી હું આત્મહત્યા કરી લઇશ..
અમદાવાદના એક પોલીસકર્મીએ જ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે મારા પીઆઇના ત્રાસથી હું આત્મહત્યા કરી લઈશ. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા દોડધામ મચી હતી. કંટ્રોલ રૂમને મેસેજ આપનાર પોલીસકર્મી વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે તે પોલીસકર્મીએ દારૂના નશામાં ફોન કર્યો હતો. જેથી પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.વનરાજસિંહ નામના પોલીસકર્મીએ ગઈકાલે શહેર પોલીસ કન્ટ્રોલરૂમને મે
04:35 PM Mar 22, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદના એક પોલીસકર્મીએ જ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે મારા પીઆઇના ત્રાસથી હું આત્મહત્યા કરી લઈશ. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા દોડધામ મચી હતી. કંટ્રોલ રૂમને મેસેજ આપનાર પોલીસકર્મી વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે તે પોલીસકર્મીએ દારૂના નશામાં ફોન કર્યો હતો. જેથી પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
વનરાજસિંહ નામના પોલીસકર્મીએ ગઈકાલે શહેર પોલીસ કન્ટ્રોલરૂમને મેસેજ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે દરિયાપુરના પીઆઇ સાહેબ અમને નોકરીમાં હેરાન કરે છે અને ધમકી આપે છે કે તને નોકરીમાંથી કાઢી મુકીશ. જેથી હું આત્મહત્યા કરવા જાવું છું. જે માટે મારા પીઆઇ સાહેબ જવાબદાર છે, પોલીસ મોકલો. આ મેસેજની જાણ દરિયાપુર પોલીસને કરાતા તમામ સ્ટાફ અને અધિકારીઓ ચિંતામાં આવી ગયા અને બેબાકળા થઈ તપાસ કરવા લાગ્યા હતા.
તાત્કાલિક એક પીએસઆઇ સાથે અન્ય પોલીસ સ્ટાફને કામે લગાડ્યો હતો. બાદમાં વનરાજસિંહનું સરનામું મેળવી તેના ઘરે તપાસ કરવામાં આવી હતી. તે કોઈ પગલુ ન ભરે તે માટે તેનું કાઉન્સેલિંગ કરાયું અને બાદમાં તેને પોલીસ સ્ટેશન લવાયા હતા. વનરાજસિંહને ઉચ્ચ અધિકારી સમક્ષ લાવી પૂછતાં તે યોગ્ય જવાબ આપતો ન હતો અને નશો કર્યો હોવાની શંકા લાગતી હતી. જેથી પોલીસ દ્વારા બ્રેધ એનેલાઈઝરથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં તેણે દારૂ પીધો હોવાનું સામે આવતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જવાયો હતો. જ્યાં તેણે દારૂનું સેવન કર્યું હોવાનું સામે આવતા હવે દરિયાપુર પોલીસે આ અંગે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય લોકો તો દારૂ પીતા ઝડપાય પણ હવે ખુદ પોલીસકર્મી જ દારૂ પીને આ પ્રકારની હરકત કરતા પોલીસની વર્દી પર સવાલ ઉભા થાય છે. બીજી વાત એ પણ ચર્ચાઈ રહી છે કે સામાન્ય રીતે આ પ્રકારની તપાસમાં જો પોલીસકર્મી અન્ય વિસ્તારમાં હોય તો તે વિસ્તારની પોલીસે તપાસ માટે જવાનું રહેતું હોય છે, પણ આમાં જે પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી હતો એ જ પોલીસનો સ્ટાફ અન્ય વિસ્તારમાં જઈને આરોપી પકડી લાવતા અધિકારીઓને બચાવવા આ પ્રકારે કાર્યવાહી કરાઈ કે કેમ તે પણ સવાલ છે.
Next Article