ઓમિક્રોનના નવા સબ-વેરિયન્ટે ભારતની ચિંતા વધારી, આરોગ્ય મંત્રીએ કહી આ વાત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા (Mansukh Mandvia)એ દેશમાં ઓમિક્રોન અને કોરોના (Corona virus)ના નવા વેરિયેન્ટને લઇને બેઠક કરી છે. આ બેઠકમાં ડો.વી.કે.પૌલ, ડો.એન.કે.અરોરા, એનટીએજીઆઈ, એન.ઈ.જી.વી.એ.સી. અને અન્ય વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે. દેશમાં દિવાળી, છઠ, ગોધન પૂજા સહિત ઘણા વધુ તહેવારો યોજાશે. આવી સ્થિતિમાં, કોરોના અને ઓમિક્રોનના નવા પ્રકારો ફેલાવવાની સંભાવના પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરો. તેને હળવાશથી ન લો.
માસ્ક અને કોવિડ અનુરુપ વ્યવહાર ફરજિયાત
બેઠક બાદ અધિકારીઓએ માહિતી આપતા કહ્યું કે સરકારે કોરોનાના નવા વેરિયન્ટને ડામવા માટે એક્શન લીધા છે જે અનુસાર માસ્ક પહેરવાનો અને કોવિડ અનુરુપ વ્યવહાર ફરજિયાત કરાયો છે.
ભારતમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ
ભારતમાં આજકાલ એકતરફ કોરોનાનાં કેસો સામે આવી રહ્યાં છે તો બીજી તરફ કોવિડને લગતાં નિયમો પણ હટાવી દેવાયા છે. પરંતુ કોરોનાનાં નવા વેરિયન્ટે ફરી દેશમાં એન્ટ્રી લઇ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. રિપોર્ટ અનુસાર કોરોનાનો આ નવો વેરિયન્ટ ઓમિક્રોનનો સબવેરિયન્ટ છે. જેનું નામ BA.5.1.7 છે. માહિતી અનુસાર આ વાયરસ અતિ ઝડપે ફેલાય છે. આ નવા વેરિયન્ટનાં પહેલાં કેસની માહિતી ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે મેળવી છે.
સાવધાન રહેવાની હેલ્થ નિષ્ણાંતોની ચેતવણી
નવા વેરિયન્ટની એન્ટ્રી બાદ હેલ્થ એક્સપર્ટે લોકોને સાવધાન રહેવા સૂચન આપ્યું છે કારણ કે ચીનમાં કોવિડ-19નાં કેસો વધી રહ્યાં છે જેનાં કારણોમાં BF.7 અને BA.5.1.7 વેરિયન્ટ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનનાં આ બંને વેરિયન્ટ અત્યંત ચેપી માનવામાં આવી રહ્યાં છે.
નવા વેરિયન્ટના લક્ષણો
એક્સપર્ટે કહ્યું કે આ નવા વેરિયન્ટનાં લક્ષણો જૂના વેરિયન્ટ જેવા જ હશે પરંતુ એક ચોક્કસ સમયગાળાની સાથે જ તેના વિષયક માહિતી પ્રાપ્ત થશે. ડૉ.અરોડા અનુસાર શરીરમાં દુ:ખાવો આ વેરિયન્ટનો મુખ્ય લક્ષણો છે. જે લોકોમાં આ લક્ષણો જોના મળતાં નથી પરંતુ તેઓ સંક્રમિત છે તો તે વધુ લોકોમાં આ સંક્રમણ ફેલાવી શકે છે. ડૉ. વેંકટગોપાલનનું કહેવું છે કે અમે આ નવા વેરિયન્ટનાં લક્ષણો વિશે માહિતી મેળવી શક્યાં નથી કારણકે અત્યાર સુધી એટલો ડેટા ભેગો થયો નથી. જ્યાં સુધી વિશ્વની વાત છે તો આ વેરિયન્ટ દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. મોટા ભાગનાં લોકોની ટેસ્ટિંગ જીનોમ સીક્વેન્સિંગનાં માધ્યમથી થઇ નથી જેના લીધે કોઇ ચોક્કસ માહિતી આપવી મુશ્કેલ છે.