વૃક્ષ ન કપાય તે દિશામાં પ્રતિબધ્ધતા દર્શાવીએ…
આજે આ સંદર્ભમાં માત્ર અને માત્ર અમદાવાદની વાત કરવી છે. અમદાવાદ વિકાસના પંથે છે અને એ વિકાસમાં મહદઅંશે ભૌતિક વિકાસને પ્રાધાન્ય અપાય છે. આપણે પરિવર્તનો માટે તૈયાર છીએ અને કહેવાતા વિકાસ માટે આપણે આપણી પોતાની વ્યક્તિગત જે કંઈ જવાબદારી હોય તેને નિભાવવા તૈયાર છીએ એટલું જ નહીં નાનો મોટો ભોગ આપવાની પણ આપણી તૈયારી છે.હમણાં-હમણાં અમદાવાદ મેટ્રોસિટી બનવાના સંદર્ભમાં જે ઝડપથી નવા નવા બાં
07:55 AM May 02, 2022 IST
|
Vipul Pandya
આજે આ સંદર્ભમાં માત્ર અને માત્ર અમદાવાદની વાત કરવી છે. અમદાવાદ વિકાસના પંથે છે અને એ વિકાસમાં મહદઅંશે ભૌતિક વિકાસને પ્રાધાન્ય અપાય છે. આપણે પરિવર્તનો માટે તૈયાર છીએ અને કહેવાતા વિકાસ માટે આપણે આપણી પોતાની વ્યક્તિગત જે કંઈ જવાબદારી હોય તેને નિભાવવા તૈયાર છીએ એટલું જ નહીં નાનો મોટો ભોગ આપવાની પણ આપણી તૈયારી છે.
હમણાં-હમણાં અમદાવાદ મેટ્રોસિટી બનવાના સંદર્ભમાં જે ઝડપથી નવા નવા બાંધકામો સાકાર થવા તરફ જઈ રહ્યા છે. તે એક રીતે તો આનંદની વાત છે પણ એવા નવા બાંધકામો માટે કે વિકાસને નામે બંધાતા નવા મકાનો, સ્થાપત્યો કે બિલ્ડિંગ્સને કારણે હરિયાળા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગના આ જમાનામાં આપણને એ કોઈપણ રીતે થશે નહીં. માત્ર એટલું જ નહીં પરંતુ એક વૃક્ષ વર્ષોથી આપણા શહેરની, આપણા પરિસરની , આપણા ફળિયાની, આપણી સોસાયટીની શોભા બનીને ઊભું છે. એટલું જ નહીં અનેક પંખીઓ માટેનું તે આશ્રયસ્થાન બની રહ્યું છે અને એથી આગળ વધીને રાહદારીઓને માટે ધોમ ધખતા તડકામાં આશ્રયનું સ્થાન બને છે. એ વૃક્ષો માત્રને માત્ર નવા બાંધકામની ડિઝાઇનને સાચવવા માટે ધરમૂળમાંથી કાપી નાખવામાં આવે ત્યારે એક જીવનનો કહો કે એક બાળકનો વધ થતો હોય એવી લાગણી અનુભવાય છે .
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આપણા યુવા પેઢીને માટે સ્પોર્ટ્સના કોમ્પલેક્ષનું એક નવું સુંદર આયોજન આકાર લઈ રહ્યું છે. એ સમાચાર જાણીને તો જરૂર પ્રત્યેક અમદાવાદીનું હૈયું હરખાય પણ એની સામે જે ચિત્ર ઉપસી આવ્યું છે. તે એ છે કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ડિઝાઇનને સાચવવા માટે ત્યાં વર્ષોથી ઋષિની જેમ ઉભેલા અનેક લીમડા સહિતના આધાર લીલાછમ વૃક્ષોનું છેદન કરવામાં આવશે.
આટલા વૃક્ષો વાવવા અને પછી ઉછેરવામાં બે ત્રણ પેઢી નીકળી જતી હોય છે. જ્યારે આપણે આપણા શહેરને હરિયાળું બનાવવાનો ત્યારે વિકાસના નામે કે પછી બીજા કોઈ પણ નિમિત્તે એક પણ વૃક્ષ ન કપાય તેની સામૂહિક જવાબદારી સરકારે, સમાજે અને સેવાભાવી સંસ્થાઓએ અને નાગરિકોએ માથે લેવી પડશે.
થોડાક સમય પહેલા ગુજરાત સાહિત્ય પરિષદ જેવી સાહિત્યિક સંસ્થાના પરિસરમાંથી પણ નવા વૃક્ષો કપાયાં. આ સમાચારો મળ્યા તે વાંચીને દુઃખ થાય. અલબત્ત ગુજરાત સાહિત્ય પરિષદ જેવી સંવેદનશીલ સંસ્થા જ્યારે આવા નિર્ણય પર પહોંચી હશે ત્યારે શક્ય છે કે એની પાસે બીજા કોઇ વિકલ્પ નહીં બચ્યા હોય. નાછૂટકે આવું પગલું લેવાનું વિચાર્યું હોય.
પણ જો એમના થયું હોય અને માત્ર પરિષદના સંચાલન અને સંકલનમાં કામ કરતા ગણ્યાગાંઠ્યા માણસોના મનના પ્રમાણે જો આ વૃક્ષોનું છેદન થયું હોય તો તે પ્રત્યેક શબ્દ પ્રેમી માટે, પ્રત્યેક સાહિત્યપ્રેમી માટે અને પ્રત્યેક વૃક્ષપ્રેમી માટે ઊંડા આઘાતના સમાચાર બને છે.
આ તો માત્ર આપણે બે ઉદાહરણો જોયા પણ આવી રીતે આપણા શહેરમાં નવા બાંધકામો માટે રોડ રસ્તાઓ માટે, ઓવરબ્રિજ કે ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે, મેટ્રો, રેલવે ફાટકના નિર્માણ માટે કે પછી ગગનચુંબી ઇમારતો બનાવવા માટે મોકાની જગ્યાઓ ઉપર ઉભેલા વૃક્ષોનું છેદન કરવાની પ્રવૃત્તિ ચાલતી જ રહે છે જે લાગે છે કે આજના સમયનો સૌથી મોટો ગુનો અથવા તો બહુ જ મોટું પાપ છે.
પર્યાવરણની સુરક્ષાની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આખા રાજ્યને અમદાવાદના પોતાના વૃક્ષોને બચાવીને, વૃક્ષોના જતન સાથે બાંધકામો કરીને કે બાંધકામોના નવીનીકરણને આકાર આપીને સમગ્ર દેશને દિશા દર્શન કરવું જોઈએ એ અમદાવાદીનું ડહાપણ અને શાણપણ આપણે જલદીથી બતાવીએ અને હવે પછી અમદાવાદનું એક પણ વૃક્ષ ન કપાય તે જોવા માટે આપણે સહુ ફરીથી પ્રતિબદ્ધ થઈએ.
Next Article