ભારતે બેડમિન્ટનમાં રચ્યો ઈતિહાસ, પુરૂષ ટીમ થોમસ કપની ફાઇનલમાં પહોંચી
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ બેડમિન્ટનમાં ઈતિહાસ રચ્યો છે. ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ બેંગકોકમાં ચાલી રહેલી થોમસ કપ સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચી ગઈ છે. શુક્રવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ડેનમાર્કને 3-2થી હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતનો હીરો એચ.એસ. પ્રણોય હતો જેણે નિર્ણાયક મેચમાં રાસમસ ગેમકોને હારનો સ્વાદ ચખાડ્યો હતો.પ્રણોય ગેમકો સામે કોર્ટ પર લપસી જતાં વિશ્વનો 13 નંબરનો ખેલા
Advertisement
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ બેડમિન્ટનમાં ઈતિહાસ રચ્યો છે. ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ બેંગકોકમાં ચાલી રહેલી થોમસ કપ સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચી ગઈ છે. શુક્રવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ડેનમાર્કને 3-2થી હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતનો હીરો એચ.એસ. પ્રણોય હતો જેણે નિર્ણાયક મેચમાં રાસમસ ગેમકોને હારનો સ્વાદ ચખાડ્યો હતો.
પ્રણોય ગેમકો સામે કોર્ટ પર લપસી જતાં વિશ્વનો 13 નંબરનો ખેલાડી પણ ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ ભારતીય ખેલાડીએ 'મેડિકલ ટાઇમઆઉટ' લીધા બાદ લડત ચાલુ રાખી હતી. પ્રણોય મેદાન પર ઈજાગ્રસ્ત હોવા છતાં તેણે 13-21, 21-9, 21-12થી જીત નોંધાવીને ભારતનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવ્યું હતું.
વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેન ડેનમાર્ક સામેની પ્રથમ મેચમાં તેમના ફેનને નિરાશ કર્યા હતા. સેનને વિક્ટર એક્સેલસનના હાથે 13-21 13-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ડેનમાર્કને 1-0ની લીડ મળી હતી. આ પછી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ડબલ્સ મેચ જીતીને સ્કોર 1-1થી બરાબર કરી લીધો હતો. ભારતીય જોડીએ કિમ એસ્ટ્રોપ અને મેથિયાસ ક્રિશ્ચિયનસેનને 21-18, 21-23, 22-20થી હરાવ્યો હતો.
ત્યારબાદ વિશ્વના 11 નંબરના ખેલાડી કિદામ્બી શ્રીકાંતે વિશ્વના નંબર 3 ખેલાડી એન્ડર્સ એન્ટોનસેનને 21-18, 12-21, 21-15થી હરાવી ટીમ ઈન્ડિયાને 2-1ની લીડ અપાવી હતી. જો કે, કૃષ્ણ પ્રસાદ ગરાગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજાલાની ડબલ્સની જોડી એન્ડર્સ સ્કારુપ રાસમુસેન અને ફ્રેડરિક સોગાર્ડ સામે 14-21, 13-21થી હારી ગઈ હતી. જેના કારણે બંને ટીમો 2-2ની બરાબરી પર રહી હતી. ત્યારપછી અનુભવી ખેલાડી એચએસ પ્રણોય પ્રથમ ગેમ હાર્યા બાદ વાપસી કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.
પહેલીવાર ફાઇનલમાં પહોંચેલી ટીમ ઇન્ડિયા 1979 પછી ક્યારેય સેમિફાઇનલથી આગળ વધી શકી ન હતી પરંતુ આ વખતે તે ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ગુરુવારે પાંચ વખતની ચેમ્પિયન મલેશિયાને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવીને 43 વર્ષનું સપનું પૂરું કરવા તરફ પ્રયાણ કર્યું છે.