પોરબંદરમાં મહિલા એએસઆઈ 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

પોરબંદર દ્વારકા હાઇવે પર આવેલ મિયાણી ચેકપોસ્ટ પર એક મહિલા એએસઆઈ ને એન્ટી કરપ્શન બ્યુરો એ 500 રુપિયાની લાંચ લેતા ઝડપી લીધી હતી. મહિલા એએસઆઇ લાંચ લેતા ઝડપાતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. પોરબંદર દ્વારિકા હાઇવે પર આવેલ મિયાણી ચેક પોસ્ટ પર મહિલા એએસઆઈ રૂડીબેન નાથાભાઈ ઓડેદરાને એન્ટી કરપ્શન બ્યુરોએ એક વાહન ચાલક પાસેથી 500 રુપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધી હતી .આ મહિલા એએસઆઈ વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠતા આજે જુનાગઢ એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં આજે બપોરના સમયે મહિલા એએસઆઈ રૂડીબેન મિયાણી મરીન ચેકપોસ્ટ પર ફરજ પર હતા તે સમયે પશુઓ ભરીને એક ટેમ્પો વાહન પસાર થયું હતું. ટેમ્પા ચાલકને રોકી આગળની કાર્યવાહી કરવાને બદલે મહિલા અધિકારીએ રૂ 500 ની લાંચ માંગી હતી અને આમ એસીબી એ ગોઠવેલા છટકામાં મહિલા એએસઆઈ રંગે હાથ ઝડપાઇ ગઈ હતી. એસીબી એ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.