Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈતિહાસ સાક્ષી છે; માણસા શિક્ષણ અને વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યું છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અને માણસાના વતની અમિતભાઈ શાહ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે તેમણે માણસાને અનેક વિકાસકામોની ભેટ આપી હતી. મલાવ તળાવ પરિસરમાં માણસા-મકાખાડ રોડ પર માણસા નગરપાલિકા નિર્મિત સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું અમિતભાઈ શાહે લોકાર્પણ કર્યું હતું. આ પૂર્વે તેમણે મુખ્ય બજારમાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું પણ લોકાર
ઈતિહાસ સાક્ષી છે  માણસા શિક્ષણ અને વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યું છે   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અને માણસાના વતની અમિતભાઈ શાહ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે તેમણે માણસાને અનેક વિકાસકામોની ભેટ આપી હતી. મલાવ તળાવ પરિસરમાં માણસા-મકાખાડ રોડ પર માણસા નગરપાલિકા નિર્મિત સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું અમિતભાઈ શાહે લોકાર્પણ કર્યું હતું. આ પૂર્વે તેમણે મુખ્ય બજારમાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું પણ લોકાર્પણ કર્યું હતું. અમિતભાઈ શાહે કહ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે કે, માણસા શિક્ષણ અને વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, આપણે એને જાળવી રાખવાનો છે. માણસાના સર્વાંગી વિકાસ માટે યુવાનોને આગળ આવવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી અને ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી, માણસા નગરપાલિકાના અધ્યક્ષા  કૈલાશબેન પટેલ આ પ્રસંગે ઉપસ્થિત હતા.
વતનમાં આવીને પ્રસન્નતા વ્યક્ત કરતાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે, ૯૦૦ વર્ષથી હું આ ગામનો વતની છું. હું છ મહિનાનો હતો ત્યારે અહીં આવ્યો હતો અને અહીંની માટીમાં જ રમીને મોટો થયો છું. જે લાયબ્રેરીમાં નાનપણમાં હું ભારતનો ઇતિહાસ ભણ્યો છું, પંચતંત્રની વાર્તાઓ વાંચી છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર શીખ્યો છું અને વિદુરનીતિ વાંચવાનો મોકો મળ્યો છે એ લાયબ્રેરીનું ત્રણ માળનું બિલ્ડીંગ આજે ખુલ્લું મુકતા મને આનંદ અને સંતોષની લાગણી થઈ છે. આ તબક્કે તેમણે મહારાષ્ટ્રીયન ડૉ. મોહીલેને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, ડૉ. મોહીલેના પ્રયત્નો અને ચંદુભાઈ મફાભાઈ શાહની સખાવતથી આ લાયબ્રેરી શરૂ થઈ હતી. મારા દાદાજી આ લાયબ્રેરી ઘરે ચલાવતા હતા, ત્યારબાદ એ બજારમાં સ્થાપિત થઈ હતી.
અમિતભાઈ શાહે કહ્યું હતું કે, માણસાની આ લાયબ્રેરી આજે વિશ્વની ૩૦ લાયબ્રેરીઓ સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાઈ છે. માણસાના યુવાનો બ્રિટિશ લાયબ્રેરી, અમદાવાદની એમ.જે. લાયબ્રેરી કે ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરી સાથે અહીં બેઠા જોડાઈ શકશે. તા. ૩૧  ઓગસ્ટ થી માણસાની લાયબ્રેરી ઓનલાઈન થશે. આ પ્રકારે માણસાના યુવાનો લાખો પુસ્તકોનો લાભ લઈ શકશે.
 અમિતભાઈ શાહે કહ્યું હતું કે, દેશનું ભવિષ્ય દેશમાં કારખાના કેટલા છે, દેશની સેના કેટલી મોટી છે કે, દેશ કેટલો ટેક્સ વસૂલ કરે છે તેના પર આધારિત નથી,  પરંતુ દેશમાં લાયબ્રેરીનો લાભ કેટલા યુવાનો લે છે તેના પરથી નક્કી થાય છે. પૂર્વજોના આશીર્વાદથી માણસાની લાયબ્રેરીની ક્ષિતિજો વિસ્તરી છે, માણસાની લાયબ્રેરીમાં આજે ૧૦ કોમ્પ્યુટર છે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરતા થાય એટલે તરત જ ૪૦  કોમ્પ્યુટરની વ્યવસ્થા કરવામાં આવશે. માણસાના યુવાનોને આ પુસ્તકાલયનો વધુમાં વધુ લાભ લેવા તેમને અનુરોધ કર્યો હતો.
શાહે કહ્યું હતું કે માણસામાં નજીકના ભવિષ્યમાં જ અતિ આધુનિક સુવિધાઓ સાથેની સિવિલ હોસ્પિટલ શરૂ કરાશે. આ માટે માણસાના નાગરિકોને જવાબદારી ઉઠાવી લેવા તેમને આહવાન કર્યું હતું. માણસાની દૈનિક દસ લાખ લિટર પાણીની જરૂરિયાતને પૂરી કરવા પાણી પુરવઠા યોજનાને આકાર અપાઈ રહ્યો છે. એટલું જ નહીં માણસા-બાલવા માર્ગ ₹ ૪૦ કરોડના ખર્ચે ફોર લેન થઈ રહ્યો છે. માણસાની ગટર યોજનાનો રુ. ૫૦ કરોડના ખર્ચે વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. અંદાજે ૫૦૦૦ ટન ઘન કચરાના નિકાલની વ્યવસ્થા પણ માણસા નગરપાલિકાએ કરી છે.  તેમણે કહ્યું હતું કે, આવનારા સમયમાં ખૂબ જ નજીકના ભવિષ્યમાં ૧૩ પ્રકારની સહકારી યોજનાઓના લાભો માણસામાં સાકાર થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં માણસામાં કોઈ જ સુવિધા બાકી ન રહે એવી વ્યવસ્થા કરવા માટે તેમણે સૌને આહવાન કર્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પોતાના મત વિસ્તારમાં વિકાસના અનેક કામો કર્યા છે. તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં રુ. ૯૦૦૦ કરોડના વિકાસના કામો પોતાના મતવિસ્તારમાં કર્યા છે.
વિકાસની મૂળ ધારામાંથી કોઈ બાકી ન રહી જાય તેવી નેમ સાથે આ સરકાર કામ કરી રહી છે, તેવું કહી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે માણસા ખાતે લોકાર્પણ થયેલ પુસ્તકાલય અને સાંસ્કૃતિક હોલ એ બંનેનું નામાકરણ મહાત્મા ગાંધી પુસ્તકાલય અને સરદાર પટેલ સાંસ્કૃતિક હોલ તેવું કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું નામ સાંભળતા જ દરેક ગુજરાતીની છાતી ગૌરવથી ફુલી જાય છે, એવું કહી તેમણે ઉમેર્યું હતું કે પુસ્તકાલય અને સાંસ્કૃતિક હોલ માણસાવાસીઓને ગૌરવ અપાવતા રહેશે.  વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં અભ્યાસ કરી પોતાની કારકિર્દીનું ઘડતર કરી ગાંધી અને સરદાર પટેલના સેવેલા સપનાને સાકાર કરશે. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આત્મનિર્ભર સૂત્રને સાર્થક કરવા માટે પણ આગળ આવશે. 
મુખ્યમંત્રીએ  ઉમેર્યું હતું કે, આ સરકાર પ્રજાની સમસ્યાનું નિવારણ લાવવા, જનહિતના કામો કરવા, અને પ્રજાના કોઈપણ નાણાનો ખોટો બગાડ ન થાય તેની ખાસ તકેદારી રાખીને વિકાસના કામો કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે વિકાસની રાજનીતિ થકી દેશને સુશાસન આપ્યું છે, એવું જણાવી તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહે પોતાના મતવિસ્તારને હરિયાળો બનાવવા માટે બાગ-બગીચા અને વૃક્ષારોપણને પ્રાધાન્ય આપ્યું છે. તેમજ વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મિશન મિલિયન ટ્રીની જે હાકલ કરી છે. તેને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પોતાના વિસ્તારમાં સાર્થક કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ગુજરાત સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની દિશામાં અગ્રેસર છે, તેનો પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આજે માણસા નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા ૧૦૦ કરોડ થી વધુના ખર્ચે તૈયાર થયેલ ૫૩૦ સીટના અધ્યતન સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું અને રૂપિયા ૩૮ લાખના ખર્ચે તૈયાર થયેલ મહાત્મા ગાંધી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રૂપિયા ૧૫૩ લાખના ખર્ચે નગરપાલિકા વિસ્તારના વિવિધ રોડ રસ્તાના કામોનું અને રૂપિયા ૧૨૦ લાખના ખર્ચે નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહે પુસ્તકાલયનું લોકાર્પણ કર્યા બાદ પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. તેમજ માણસામાં સૌપ્રથમ નિર્માણ પામેલ ઇ- પુસ્તકાલય વિશેની વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી. તેમણે માણસા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઇ આગામી સમય દરમિયાન થનાર વિવિધ કામોની પણ બારીકાઈથી માહિતી મેળવી હતી.
 
Advertisement
Tags :
Advertisement

.