હાર્દિક પટેલને કોંગ્રેસમાં જીગ્નેશ મેવાણીના વધતા કદથી તો નથી તકલીફ?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel) ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોની માનીએ તો, આ પાછળ રાજ્યના ભાજપના નેતાઓ જવાબદાર હોઇ શકે છે. પરંતુ હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવાની વાતને પૂરી રીતે નકારી છે. તેનું કહેવું છે કે, મારી કોંગ્રેસ પાર્ટીથી થોડી નારાજગી છે પરંતુ તેનો અર્થ એ નથી કે હું ભાજપમાં જોડાવાનો છું. કોંગ્રેસ છોડી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel) ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોની માનીએ તો, આ પાછળ રાજ્યના ભાજપના નેતાઓ જવાબદાર હોઇ શકે છે. પરંતુ હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવાની વાતને પૂરી રીતે નકારી છે. તેનું કહેવું છે કે, મારી કોંગ્રેસ પાર્ટીથી થોડી નારાજગી છે પરંતુ તેનો અર્થ એ નથી કે હું ભાજપમાં જોડાવાનો છું.
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાનું નિવેદન ભલે આપવામાં આવી રહ્યું નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલનું ભાજપ પ્રત્યેનું વલણ અને તેના વખાણ દાળમાં કઇંક કાળુ હોવાનું સૂચવે છે. બીજી તરફ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઉપરાંત કોંગ્રેસ પાર્ટીમાં પણ તેને હવે ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા આસામ પોલીસ દ્વારા જે રીતે MLA જીગ્નેશ મેવાણીની ધરપકડ થઇ અને ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે રીતે તેમની પડખે ઉભા રહીને તેમને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે બતાવે છે કે, કોંગ્રેસ પાર્ટી માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું શું મહત્વ છે. વળી ચર્ચા એ પણ થઇ રહી છે કે, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું ગુજરાત કોંગ્રેસમાં મહત્વ વધતા હાર્દિક પટેલ નાખુશ છે. જોકે, આ વાતને લઇને ક્યારે હાર્દિક પટેલ દ્વારા કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. બે દિવસ પહેલા હાર્દિક પટેલ જામનગરમાં ભાગવત કથામાં ભાજપ નેતા સાથે જોવા મળ્યા હતા. જે પછી ઘણા તર્ક-વિતર્ક થઇ રહ્યા હતા. ત્યારબાદ ભાજપના નેતાઓ સાથે એક જ મંચ શેર કરવો તે હાર્દિક પટેલ કેવી રીતે સ્વીકારી શકે તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
હાર્દિક પટેલની નારાજગી કોંગ્રેસ પાર્ટી તરફ એટલી વધી ગઇ છે કે, લગભગ એક અઠવાડિયા પહેલા જ હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાના કોંગ્રેસના હોદ્દાને દૂર કર્યો હતો. સતત હાર્દિક પટેલે દ્વારા એવા જ પ્રયત્નો થઇ રહ્યા છે કે જેથી કોઇ પણ સામાન્યા નાગરિક પણ એવું જ સમજે કે તે કોંગ્રેસનો હાથ કોઇ પણ સમયે છોડી શકે છે. વળી આ હાર્દિક પટેલના મિત્ર અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, હાર્દિક પટેલ પાર્ટીથી નારાજ છે, તેની નારાજગી દેખાઈ રહી છે અને પાર્ટી તેનો ઉકેલ શોધશે. MLA જીગ્નેશ મેવાણીએ તો ત્યા સુધી પણ કહ્યું કે, હું મારા મિત્ર હાર્દિકને મનાવીશ. તે મારો ભાઇ છે, મારો મિત્ર છે. વળી મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે પાર્ટીમાં 'સાઇડલાઇન' હોવાની વાત કરી હતી. 13 એપ્રિલે પોતાની નારાજગી વ્યક્ત કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, તેને પાર્ટીમાં સાઇડલાઈન કરવામાં આવ્યો છે અને પાર્ટી નેતૃત્વ તેની આવડતનો ઉપયોગ કરવા તૈયાર નથી.
હાર્દિક પટેલના છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, ઘણીવાર તેમની આમ આદમી પાર્ટીમાં જોડાવવાની પણ અટકળો થઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં સાઈડલાઈન અનુભવતા હાર્દિક પટેલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં તેની નારાજગી વધી છે. તેનું કારણ કોંગ્રેસ તરફથી વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મળી રહ્યું સમર્થન કહેવાય છે. આસામ પોલીસે MLA જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. આ પછી તેઓ અન્ય કેસમાં જેલમાં હતા, પરંતુ જ્યારે તેઓ મુક્ત થયા ત્યારે કોંગ્રેસે તેમને દિલ્હી બોલાવીને આવકાર્યા હતા. એટલું જ નહીં જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મંચ પરથી ભાજપ પર સીધો પ્રહાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિક પટેલને લાગે છે કે આનાથી મેવાણીની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ રહી છે, જ્યારે કોંગ્રેસે ક્યારેય પણ તેને આ રીતે ખુલ્લેઆમ સમર્થન આપ્યું ન હતું.
પાટીદાર આંદોલનના કારણે ગુજરાત સરકારે પણ હાર્દિક પટેલ પર ઘણા કેસ કર્યા હતા, પરંતુ તેને કોંગ્રેસ તરફથી બહુ સમર્થન મળ્યું ન હતું. તેઓ ગુજરાત કોંગ્રેસના સૌથી યુવા કાર્યકારી પ્રમુખ હોવા છતાં પક્ષમાં પ્રવેશ્યા ત્યારથી તેઓ કોલ્ડ સ્ટોરેજમાં છે. તેમને ન તો કોઈ જવાબદારી મળી છે અને ન તો તેમને સ્ટેજ શેર કરવાનો મોકો મળ્યો છે. જોકે, કોંગ્રેસ પાર્ટી હાર્દિક પટેલની નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાર્ટીના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ પણ પુષ્ટિ કરી છે કે, પાર્ટી નેતૃત્વએ હાર્દિક પટેલ સાથે વાત કરી છે. જોકે, હવે હાર્દિક આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જોકે, હાલમાં હાર્દિક પટેલે પાર્ટી છોડવા અંગે સ્પષ્ટ કહ્યું છે કે તે કોંગ્રેસ પાર્ટીમાં જ જોડાયેલા છે.
Advertisement