જેતપુરમાં બેંકના પૂર્વ મેનેજર અને કન્સલ્ટન્ટે લોન કૌભાંડ આચર્યું, લોકોની જાણ બહાર તેમના દસ્તાવેજ પર લોન મેળવી
જેતપુરમાં લોન કનસ્ટલન વકીલ અને એસબીઆઈ બેંકના નિવૃત્ત ચીફ મેનેજરે મળીને લોન લેવા માગતા લોકોના દસ્તાવેજોનો તેમની જાણ બહાર ઉપયોગ કરી લાખો રૂપિયાની લોન લીધી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેતપુર શહેરની ઉધી શેરીમાં એક ખખડધજ મકાનમાં ભાડે રહેતી મહિલાના નામે નવ લાખ રૂપિયાની પ્રધાનમંત્રી મુદ્રા લોન લઈ છેતરપીંડી આચર્યાની સીટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરીયાદ કરવાામાં આવી છે.શહેરની ઉધી
12:28 PM Apr 13, 2022 IST
|
Vipul Pandya
જેતપુરમાં લોન કનસ્ટલન વકીલ અને એસબીઆઈ બેંકના નિવૃત્ત ચીફ મેનેજરે મળીને લોન લેવા માગતા લોકોના દસ્તાવેજોનો તેમની જાણ બહાર ઉપયોગ કરી લાખો રૂપિયાની લોન લીધી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેતપુર શહેરની ઉધી શેરીમાં એક ખખડધજ મકાનમાં ભાડે રહેતી મહિલાના નામે નવ લાખ રૂપિયાની પ્રધાનમંત્રી મુદ્રા લોન લઈ છેતરપીંડી આચર્યાની સીટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરીયાદ કરવાામાં આવી છે.
શહેરની ઉધી શેરીમાં રહેતા પરેશભાઈ મકવાણા વર્ષ 2017માં એસબીઆઈ બેંકના એટીએમમાં ગાર્ડની નોકરી કરતા હતા. સાથે જ બેંકના ભૂતપૂર્વ ચીફ મેનેજર શુભનીથ દાસને ત્યાં ઘરકામ કરતો હતો. જો કે ઓછા મહેનતાણાને લીધે તેમને ઘરનું ગુજરાન ચલાવવામાં ખૂબ તકલીફ પડતી હતી. જેથી તેમણે એક જૂની ઓટો રીક્ષા ખરીદવા માટે 30 હજાર રૂપિયાની લોન માટે શુભનીથ દાસને જણાવ્યું હતું. તે સમયે તો શુભનીથ દાસે ના પાડી હતી કે લોન નહીં થઇ શકે. ચાર પાંચ દિવસ બાદ શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં લોન કનસ્ટલની કામગીરી કરતો પ્રતીક ગાજીપરા નામનો વ્યક્તિ પરેશભાઈના ઘરે આવ્યો હતો. તેણે કહ્યું કે તમારે લોનની જરૂર હતી તે વાત મને મેનેજરે જણાવી છે. હું કહું તેમ કરો એટલે તમારી 30 હજારની લોન થઈ જશે.
આમ કહી બીજા દિવસે જુદા જુદા ડ્રેસ મટીરિયલ્સના દસ જેટલા પાર્સલ પરેશભાઈના ઘરે મૂકીને પ્રતિકે કહ્યું કે બેન્કમાંથી કોઈ સાહેબ જોવા આવે તો કહેજો કે અમારે ડ્રેસ માટીરીયલ્સનો ધંધો છે અને તે માટે લોન જોઈએ છે. ત્યારબાદ બેન્કમાંથી સાહેબ આવ્યા, પરંતુ તેમણે ઘરની હાલત જોઈ લોન આપવાની ના પાડી દીધી. પરેશભાઈ મકવાણાના પત્ની ચંદ્રિકાબેન જેતપુર એસબીઆઇનાં એટીએમમાં કચરા પોતા કરી ગુજરાન ચલાવે છે. તેમના નામે બારોબાર નવ લાખ રુપિયાની લોન લેવામાં આવી હતી. જેનો ખુલાસો થતા હવે તેમણે પોલીસ ફરિયાદ કરી છે.
ચંદ્રિકાબેનના નામે પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમ હેઠળ નવ લાખ રૂપિયાની લોન હોય તે પેટે વ્યાજ સહિત સાડા દસ લાખ રૂપિયા ભરવાની નોટીસ આવી હતી. જેથી આ નોટીસ તેમણે બેંકમાં બતાવી હતી. તો બેંકના પૂર્વ મેનેજરે કહ્યું કે આવી નોટીસ તો આવ્યા કરે તમારે કઈ પૈસા ભરવાનું નહિ થાય. પરંતુ હાલમાં કોર્ટમાંથી લોન પેટે વ્યાજ સહિત પૈસા ભરવાની નોટીસ આવતા આ દંપતીએ કોર્ટમાં પોતાને આવી કોઇ લોન જ મળી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ મહિલાએ પોતાને બેન્કમાંથી જે એકાઉન્ટ નંબર પર લોન મળી હતી અને જેને ટ્રાન્સફર થયા તેનું સ્ટેટમેન્ટ માંગ્યું હતું. જેમાં 29-1-18 માં ચંદ્રિકાબેનના એસબીઆઈના બેન્ક એકાઉન્ટમાં નવ લાખ જમા થયા હતા.
તે જ તારીખે બે વખત સાડા ચાર લાખ રૂપિયા ફૂલવાડી સ્ટેશન રોડ પર આવેલા પિતૃકૃપા ફેબ્રિકર્સના એકાઉન્ટ નંબર 36342090546માં ટ્રાન્સફર થયેલા હતા. સ્ટેટમેન્ટમાં ડિટેઇલ એડ્રેસમાં પ્રતીક ગાજીપરાનું ઇ મેઈલ એડ્રેસ લખેલું હતું. જેથી પ્રતીક ગાજીપરાએ જ શુભનીથદાસ સાથે મળી ચંદ્રિકાબેનની જાણ બહાર આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશનકાર્ડ તેમજ લાઈટબીલની નકલ જેવા દાસ્તાવેજના આધારે નવ લાખ જેટલી મોટી રકમની લોન લઈ છેતરપીંડી આચર્યાની લેખિતમાં સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
લોન વાંચ્છુના દસ્તાવેજો ઉપર બારોબાર લાખોની લોન આપવામાં માહિર
લોન કન્સલ્ટન્ટ પ્રતીક ગાજીપરાએ બેંકના અધિકારીઓ સાથે મળી અનેક લોકોના નામે તેઓની જાણ બાર લોન લઈ કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ જેતપુર શહેરમાં રહેતા નંદભાઈ મનસુખભાઇ શીંગાળાએ પોતાના નામે દસ લાખની લોન લીધી હોવાની લેખિત ફરીયાદ સીટી પોલીસ સ્ટેશનમાં આપી હતી. આ કૌભાંડ અંગે પોલીસ તલસ્પર્શી તપાસ કરે તો આ કૌભાંડિયાઓ કેટલા લોકો સાથે કેટલી રકમની છેતરપીંડી આચારી છે તે બહાર આવી શકે.
કણકિયા પ્લોટમાં આવેલી એસબીઆઇ બેકનાં હાલના મેનેજરનો મીડિયાએ સંપર્ક કરતા ભૂતપૂર્વ ચીફ મનેજરને છાવરતા હોઈ એવું લાગી રહ્યું હતું. બેકનાં હાલના મેનેજરે એકપણ લોન બાબતનું સ્ટેટમેન્ટ આપવાનું ટાળ્યું હતું. રાજકોટ ગ્રામ્ય એસપીનાં જણાવ્યા મુજબ જેતપુર સિટી પોલીસ મથકે ફરિયાદીએ આપેલ અરજી અંગે હાલ પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. જે પણ ગુનેગારો હશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Next Article