Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે જાણો છો કે ગુજરાતમાં કઇ કઇ ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ આવેલી છે?

હેરિટેજ એટલે ધરોહર અથવા વારસો, જે આપણને આપણો સમૃદ્ધ ભૂતકાળ યાદ અપાવે. ભારત સહિત વિશ્વભરમાં એવા અનેક સ્થળો આવેલા છે, જેને યુનેસ્કોએ ખાસ ઓળખ કરીને વિશ્વ ધરોહરનો દરજ્જો આપ્યો છે, ગુજરાતમાં પણ આવા ચાર સ્થળો આવેલા છે.વર્લ્ડ હેરિટેજ ડે૧૮ એપ્રિલને દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે એટલે કે વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં મુલ્યવાન સંપત્તિઓ અને સાંસ્કૃતિક વારસાનાં સંરક્ષણ હ
શું તમે જાણો છો કે ગુજરાતમાં કઇ કઇ  lsquo વર્લ્ડ હેરિટેજ સાઇટ rsquo  આવેલી છે
હેરિટેજ એટલે ધરોહર અથવા વારસો, જે આપણને આપણો સમૃદ્ધ ભૂતકાળ યાદ અપાવે. ભારત સહિત વિશ્વભરમાં એવા અનેક સ્થળો આવેલા છે, જેને યુનેસ્કોએ ખાસ ઓળખ કરીને વિશ્વ ધરોહરનો દરજ્જો આપ્યો છે, ગુજરાતમાં પણ આવા ચાર સ્થળો આવેલા છે.
વર્લ્ડ હેરિટેજ ડે
૧૮ એપ્રિલને દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે એટલે કે વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં મુલ્યવાન સંપત્તિઓ અને સાંસ્કૃતિક વારસાનાં સંરક્ષણ હેતુથી વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવે છે. જેથી લોકોમાં આવી મૂલ્યવાન સંપત્તિઓ અને તેની સાથે જોડાયેલ સંસ્કૃતિઓ પ્રત્યે જાગૃતતા આવે. વર્લ્ડ હેરિટેજ ડે સૌપ્રથમ ૧૮ એપ્રિલ ૧૯૮૨નાં રોજ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોમેન્ટ્સ એન્ડ સાઇટસ દ્વારા આફ્રિકન દેશ યુનેશિયામાં ઉજવાયો હતો. 
વિશ્વમાં આવેલા પ્રાચીન વારસાઇ સ્થળોની જાળવણી અને દેખરેખ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ ૧૮ એપ્રિલ, ૧૯૭૮નાં દિવસે સૌપ્રથમ ૧૨ સ્થળોને વર્લ્ડ હેરિટેજ પ્લેસની યાદીમાં સામેલ કરવામાં આવ્યા. હાલમાં ભારતનાં કુલ 40 સ્થળોને આ યાદીમાં સમાવવામાં આવ્યા છે. આ 40 સ્થળોમાં ગુજરાતનાં ચાર સ્થળો છે. આ ચાર સ્થળો એટલે પાટણમાં આવેલી રાણકી વાવ (રાણીની વાવ), ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક, અમદાવાદ શહેર અને ધોળાવીરા.
ધોળાવીરા
પ્રાચીન ભારતની સૌથી સમૃદ્ધ એવી સીંધુ ખીણની સંસ્કૃતિના પાંચ મોટા અને મહત્વના શહેરમાંનું એક એટલે ધોળાવીરા. કચ્છ જિલ્લાના રાપરથી ઉત્તરમાં લગભગ 80 કિમી અને ભુજથી લગભગ 200 કિમીના અંતરે હડપ્પન કાળનું આ શહેર આવેલું છે. આ જગ્યા પર આજથી પાંચ હજાર વર્ષ પહેલા ધમધમતા નગરના અવશેષો મળી આવ્યા છે, જેના કારણે આ શહેર જગવિખ્યાત બન્યું છે. 2021ના વર્ષમાં યુનેસ્કો દ્વારા ધોળાવીરાનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કરવામાં આવ્યો છે. 
સંશોધનમાં સામે આવ્યું છે કે આજથી 3200 વર્ષ પહેલા સુધી આ નગર ધમધમતું હતું. એટલે કે ત્રણ હજાર વર્ષ પછી પણ જો આ નગરના અવશેષો સચવાયેલા હોય તો જ્યારે તે શહેર હયાત હશે ત્યારે કેટલું ભવ્ય હશે? અત્યારે ત્યાં મકાનો અને અન્ય બાંધકામોના અવશેષો છે. ધોળાવીરામાંથી ઉત્તમ જળ સંગ્રહની વ્યવસ્થાના પણ અવષેશો મળ્યા છે. જે તેને વધારે ખાસ બનાવે છે. કદાચ તે સમયે દુનિયામાં આટલું વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની નગર રચના ક્યાંય નહીં હોય. માત્ર ભારતનું જ નહીં પરંતુ આખા વિશ્વનું પ્રથમ ઓપન થિયેટર ધોળાવીરામાં હતું. દુનિયાનું પહેલું સાઇન બોર્ડ પણ ધોળાવીરામાંથી મળી આવ્યું છે. આ પ્રકારના અનેક રહસ્યો આ નગર અને ત્યાં વસતા લોકો સાથે સંકળાયેલા છે. જેના અવશેષો પણ ત્યાં જોવા મળે છે. માટે જ ધોળાવીરાને ભારતના સૌથી રહસ્યમય શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમદાવાદ
સાબરમતી નદીનાં કિનારે વસેલા અને સદીઓથી ગુજરાતના રાજકિય અને ઔદ્યોગિક કેન્દ્ર ગણાતા અમદાવાદ શહેરને જુલાઇ ૨૦૧૭માં ભારતના પ્રથમ વિશ્વ ધરોહર શહેર એટલે કે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરાયું હતું. એક માન્યતા પ્રમાણે અમદાવાદનો પાયો બાદશાહ અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ નાંખ્યો હતો. ત્યારબાદ શાસકો ફરતાં રહ્યા અને અમદાવાદને કંઇકને કંઇક સ્થાપત્યો આપતા રહ્યા. ૧૪૮૭માં અહમદશાહનાં પૌત્ર મહંમદ બેગડાએ શહેરને ફરતે કોટ ચણાવ્યો હતો. પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, ત્રણ દરવાજા જેવા કેટલાંય દરવાજાઓ આજે પણ ઉભા છે. તેથી જ અમદાવાદને દરવાજાઓનું શહેર પણ કહેવાય છે.
આ શહેરમાં હિન્દુ, જૈન, પારસી, મુગલ અને બ્રિટીશ સંસ્કૃતિઓનો સંગમ જોવા મળે છે. આ તમામ સંસ્કૃતિઓના વારસાને સાચવીને આ શહેર બેઠું છે. દિવાલોની વચ્ચે વસેલા આ શહેરમાં વાસ્તુકલાનાં ઉત્કૃષ્ટ નમુનાઓ આવેલા છે. કિર્તિ સ્તંભ, ઝૂલતા મિનારા, સીદી બશીરની મસ્જિદ, સીદી સૈયદની જાળી, સરખેજનો રોજો, કાળુપુર સ્વામિનારાયણ મંદિર, દાદા હરિની વાવ આ બધા સ્થળો ઇતિહાસ અને સ્થાપત્યનો ખજાનો છે. તો અમદાવાદનું દિલ ગણાતી પોળને કઇ રીતે ભુલી શકાય? લગભગ ૧૫મી સદીમાં શરૂ થયેલી પોળની પરંપરા આજે પણ ધબકે છે. ખાસ પ્રકારનાં નકશીકામ અને આયોજન સાથેના મકાનો અહીંની વિશેષ ઓળખાણ છે.

રાણકી વાવ
એક સમયે અણિહલવાડનાં નામથી ઓળખાતા અને આજનાં પાટણ શહેરમાં સોલંકી વંશની યાદગીરી સમાન આ ઐતિહાસિક વાવ આવેલી છે. ૨૨ જૂન ૨૦૧૪નાં રોજ આ વાવને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે જાહેર કરવામાં આવી છે. ગુજરાતનાં પ્રભાવશાળી શાસકોનું મથક ગણાતા અણહિલપુર પાટણમાં એક સમયે સોલંકી વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક મૂળરાજનાં પુત્ર ભીમદેવની પત્ની રાણી ઉદયમતિએ અગિયારમી સદીમાં પોતાના પતિની સ્મૃતિમાં આ વાવ બંધાવી હતી. પોતાની પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવાના હેતુથી ૬૮ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.
ગુજરાતમાં અને ભારતભરમાં ઘણી બધી મોટી વાવ આવેલી છે. પરંતુ રાણકી વાવ એ માત્ર વાવ જ નથી, સ્થાપત્યની દૃષ્ટિએ જોઇએ તો આ વાવ અજોડ છે. વાવની અંદર દેવી – દેવતાઓની કલાત્મક મૂર્તિઓ કંડારાયેલી છે, સાથે જ અપ્સરાઓ, નાગ કન્યાઓ વગેરેની કૃતિઓ પણ અલંકૃત કરાયેલી છે. માટે જ રાણકી વાવ ઘણું આદ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. આ કારણે જ પાટણની રાણી ઉદયમતિએ બનાવેલી રાણકી વાવને તમામ વાવની રાણી કહેવામાં આવે છે. ગુજરાતમાં પ્રવાસનની દૃષ્ટિએ આ વાવ ખૂબ મહત્વ ધરાવે છે. દેશ-વિદેશનાં હજારો પર્યટકો આ વાવને નિહાળવા માટે આવે છે.

ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક 
પાવાગઢનું નામ આવે એટલે ડુંગર અને તેની ઉપર બિરાજમાન મહાકાળી માતાનું મંદિર યાદ આવે. લગભગ લોકો પાવાગઢને આ મંદિર થકી જ ઓળખે છે. પરંતુ આ સિવાય પણ પાવાગઢ અને તેની તળેટીમાં વસેલા ચાંપાનેરની એક આગવી ઓળખ છે. પાવાગઢનાં ડુંગરની તળેટીમાં આવેલું ચાંપાનેર ઐતિહાસિક સ્થાપત્યનો ખજાનો છે. આ શહેરનાં ૯૮૩ હેકટર વિસ્તારમાં આવા પુરાતત્વીય બાંધકામો આવેલા છે. જયારે ડુંગર પર આવેલ મહાકાળી માતાનાં ઉપસા લકુલિસા મંદિરોના સ્થાપત્ય દસમી સદીના છે. આજે લગભગ ખંડેર જેવું લાગતું આ ચાંપાનેર શહેર ૧૬મી સદીમાં ગુજરાતની રાજધાની હતી.
૨૦૦૪માં યુનેસ્કો દ્વારા ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક એવું નામ આપીને તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું છે. અહીં આવેલ ઐતિહાસિક સ્થાપત્યો હિન્દુ મુસ્લિમ સ્થાપત્યનાં મિશ્રણનાં ઉત્તમ ઉદાહરણો છે. આ ઉપરાંત એક વિશિષ્ટ બાબત છે. ચાંપાનેરની બે માળની જામી મસ્જિદ તેના ૨૦૦ સ્તંભ માટે જાણીતી છે. વળી કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, સીહર કી મસ્જિદ ઉત્કૃષ્ટ કોતરણી કામના નમુનાઓ છે. ઐતિહાસિક ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક એક તીર્થસ્થાન સમાન છે.
Advertisement
Tags :
Advertisement

.